કોરોનાકાળમાં શ્વાસથી સ્મશાન સુધી વિહિપની જનસેવા: અમદાવાદમાં 10 નિઃશુલ્ક શબવાહીનીની સેવા શરૂ કરવામાં આવી.

કોરોનાકાળમાં શ્વાસથી સ્મશાન સુધી વિહિપની જનસેવા: અમદાવાદમાં 10 નિઃશુલ્ક શબવાહીનીની સેવા શરૂ કરવામાં આવી.



વિહિપના હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે. ૮૪૦૧૫ ૦૮૯૮૧, ૦૭૯-૨૬૬૫૧૩૬૫

અમદાવાદ: આજે આપણો દેશ જયારે કોરોના મહામારીનો મુકાબલો કરી રહ્યો છે ત્યારે, શાસન પ્રશાસનની સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ મહામારી સામે લડવા માટે આગળ આવી છે, જે આપણા દેશની મહાન સંસ્કૃતિનું દર્શન કરાવે છે. કોરોના મહામારીના આ કાળમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ લોકસેવાના માધ્યમથી ગામે ગામ દેશવાસીઓની સેવામાં લાગેલું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થઈ રહેલી લોકસેવાનો એક આછેરો ચિતાર આજે જનજાગૃતિ અર્થે સૌ સમક્ષ મુકીએ છીએ. પ્રાણવાયુની અછતના સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કર્ણાવતી મહાનગરમાં ત્રણ સ્થળોએ ઓક્સિજનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહાનગરના ઉસ્માનપુરા વિસ્તારમાં ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ દળ સંયોજક શ્રી જવલિતભાઈના નેતૃત્વમાં રોજના ૧૨૫ જેટલા દર્દીઓને ઓકસીજન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ મુજબ ખોખરા અને વટવા વિસ્તારમાં પણ શક્ય તેટલી ઓકસીજન સેવા કરવામાં આવે છે. કોરોના સંક્રમિત ઘણા પરિવારો ઘરે જ સારવાર લેતા હોઈ હિંમતનગર, ગાંધીનગર, આસારવા, કડી, વટવા, ચાંદલોડિયા, ગાંધીનગર અને બારેજા શહેરોમાં નિશુલ્ક ટિફિન સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉત્તર ગુજરાતના તમામ તાલુકાઓમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવાનું આયોજન ચાલે છે, જે પૈકી કુલ ૬૩ સ્થળોએ આયુર્વેદિક ઉકાળા વિતરણનું કાર્ય પૂર્ણ કરેલ છે. વધતી જતી રક્ત અને પ્લાઝમાની માંગને ધ્યાને લઇ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે, જે પૈકી ગાંધીનગર, બારેજા અને આણંદ ખાતે રક્તદાન શિબિર પૂર્ણ કરેલ છે. મહાનગરના મોટાભાગના સ્મશાનગૃહમાં પાણીની વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવેલ છે. અમારી પાસે પાછલા કેટલાક દિવસથી શબવાહિની વ્યવસ્થા કરવા માટે ફોન આવતા હતા, જેથી લોકલાગણીને માન આપી અત્યંત ભારે હદય આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કર્ણાવતી મહાનગરમાં ૧૦ શબવાહિનીની સેવા નિ:શુલ્ક શરૂ કરવામાં આવી છે. ગુજરાતના અન્ય મહાનગરો જેવા કે જુનાગઢ, સુરત, વાપી અને વલસાડ ખાતે મૃતદેહોના હિન્દુ વિધી પ્રમાણે અગ્નિસંસ્કાર થાય તેની વ્યવસ્થા પણ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સાંભળી રહ્યા છે. પાછલા બે દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ ભગવાન શ્રીરામને પ્રાર્થના કરે છે કોરોનાના કેસો ઘટવાનો સિલસિલો ઝડપી બને અને સમગ્ર દેશ આ મહામારીમાંથી મુક્ત થાય.
વિશ્વ હિંદુ પરિષદના હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે.

૮૪૦૧૫ ૦૮૯૮૧, ૦૭૯-૨૬૬૫૧૩૬૫ અથવા તો સ્થાનિક કાર્યકર્તાનો સંપર્ક કરી શકાય.