માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા દર વર્ષે ગુરુજી વ્યાખ્યાનમાળા અંતર્ગત રાષ્ટ્રીય વિચારોનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુ થી પ્રાસંગિક વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ આજે જ્યારે પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ, કટ્ટરવાદ, હિંસા, જેવી અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારતની ભૂમિકા શું હોઈ શકે ? ભારત વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે આપી શકે છે ? શું ભારત વિશ્વની સમસ્યાઓનો ઉકેલ આપવા માટે સક્ષમ છે ખરા ? આવાં પ્રશ્નો વિષે વિશ્વના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન ગણાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસઘચાલક શ્રી મોહન ભાગવતે અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકોથી ખીચોખીચ ભરેલા દિનેશ હોલમાં “વૈશ્વિક સંદર્ભમાં ભારતની ભૂમિકા” વિષય ઉપર વિચારણીય, ચિંતનીય અને તાર્કિક પ્રબોધન કર્યું.
વૈશ્વિક સંદર્ભમાં ભારતની ભૂમિકા પર પ્રબોધનમાં ડૉ. શ્રી મોહન ભાગવતે જણાવ્યુ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરમ વૈભવ સંપન્ન ભારત માટે તેની શરૂઆતથી જ જ્યારે સંઘનો વ્યાપ આજે છે એટલો વ્યાપક નહોતો ત્યારથી જ પ્રતિબદ્ધ છે તથા તેને માટે સતત અવિરત પ્રયત્નશીલ પણ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરમ વૈભવ એટલે એવો વૈભવ જે સમગ્ર વિશ્વને સમૃદ્ધ કરે એવા વૈભવની મહેચ્છા કરે છે.
વર્તમાન વિશ્વનું સ્વરૂપ
શ્રી મોહન ભાગવતે આજના વિશ્વનું સ્વરૂપ યથાયોગ્ય રીતે રજૂ કરતાં જણાવ્યુ કે આજના વિશ્વમાં સમાનતા અને સમૃધ્ધિ દેખાય છે તે સર્વત્ર નથી. આજે ઘણા રોગોની દવાઓ ઉપલબ્ધ છે ત્યારે વિશ્વમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં બાળક જન્મ્યા બાદ થોડાક સમયમાં દવાઓના અભાવમાં મૃત્યુ પામે છે. આજનું વિશ્વ સુવિધામય છે, ભોગ-ઉપભોગમય જીવન આજે પ્રાપ્ત છે. યાત્રા, યાતાયાત, સંચારના માધ્યમો વધ્યા છે એટલા ઝડપી બન્યા છે કે જાણે વિશ્વ ખૂબ જ નજીક આવી ગયું છે. વિશ્વના કોઈપણ દેશની સંસ્કૃતિ, ઇતિહાસ, ભૂગોળ વગેરે તુરંત ઉપલબ્ધ થઈ ગયા છે. વિજ્ઞાન – ભૌતિકજ્ઞાન નો અપરંપાર વિકાસ અને વિસ્તાર થયો છે. આજે આપણે જે વિશ્વમાં રહીએ છીએ તે પહેલા કરતાં ઘણું સુંદર છે સાથે સાથે એ વિરોધાભાસ પણ છે કે ઉપભોગ વધ્યો છે પરંતુ તે સર્વત્ર સમાનરૂપથી ઉપલબ્ધ નથી, ઠેર ઠેર વિષમતા જોઈ શકાય છે.
વિષમતાનું કારણ
શ્રી મોહનજી ભાગવતે વિષમતાના કારણો જણાવતા કહ્યું કે, વિષમતાનું કારણ વિતરણમાં અન્યાય છે, સમૃધ્ધિના સાધનો સમાનરૂપથી વિતરિત નથી થતાં, સામર્થ્યવાન દુર્બળના પેટ ઉપર ઊભો રહીને ઉન્નતિ કરતાં જોઈ શકાય છે. આજના ઉપભોગનું પરિણામ એ પણ જોઈ શકાય છે કે માનવ મન:શાંતિ ખોઈ ચુક્યો છે.
જ્ઞાનનો વર્તમાનમાં ઉપયોગ
જ્ઞાનનો વિકાસ અને વિસ્તાર વધ્યો છે પરંતુ આજના સમયમાં જ્ઞાનનો ઉપયોગ વિશ્વને સુખી કરવા માટે ઓછો અને સંહાર કરવા માટે વધુ થઈ રહ્યો છે. જ્ઞાનનો ઉપયોગ કરીને સંહારના નવા નવા રસ્તાઓ શોધી લીધા છે. વિજ્ઞાન તથા જ્ઞાનનો ઉપયોગ કરીને વિશ્વના નિશ્ચિત માત્રમાં રહેલા કુદરતી સંસાધનોનો અમર્યાદ ભોગ, ઉપભોગ આજે તેને ખાતમ કરવા તરફ આગળ વધી રહ્યું છે વિશ્વ. પહેલા સાધનો મર્યાદિત હતા તેથી જે મર્યાદિત સાધનો હતા તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતાં હતા જેમકે સૂર્ય પ્રકાશ, પાણી, પવન વગેરે, ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખતા હતા કે આવતીકાલે મળવાનું જ છે. આજે કુદરતી સંસાધનોનો અનિયંત્રિત, અમર્યાદિત ઉપભોગ કરીને છેવટે પર્યાવરણનો પ્રકોપ ઊભો કર્યો છે. આપણે એ સમજવું પડશે કે આપણે પ્રકૃતિનું અંગ છીએ પ્રકૃતિના સ્વામી નથી.
વિજ્ઞાન અને જ્ઞાનના વ્યાપક વિસ્તારથી વિશ્વ ખૂબજ નજીક આવી ગયું છે પરંતુ વિરોધાભાસ એ પણ છે કે પાડોશી પાસે જવાનું ચલણ બંધ થઈ ગયું છે. જ્ઞાનની માત્રા વધી છે પરંતુ કટ્ટરવાદ ઘટ્યો છે ખરા ? ના એવું થયું નથી. કટ્ટરતા, ઉગ્રવાદ, હિંસા વધ્યા છે, વિવાદ, ખૂન-ખરાબા વધ્યા છે. શ્રી મોહનજી ભાગવતે આ કહેતા સૂચક શ્લોક ટાંકયો હતો કે,
“विद्या विवादाय धनं मदाय शक्तिः परेषां परिपीडनाय ।
खलस्य साधोर्विपरीतमेतत्, ज्ञानाय दानाय च रक्षणाय ॥
ઉપરોક્ત શ્લોકનો સંદર્ભ જણાવતા કહ્યું કે આજે વિદ્યાનો ઉઓયોગ મારી જ વાત સાચી એ કરાવવામાટે થઈ રહ્યો છે, આજે જ્ઞાનનો ઉપયોગ એકબીજાને લડાવવા માટે થઈ રહ્યો છે, મનઘડન્ત વાતો ફેલાવીને લોકોને ભડકાવવા માટે થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા એનું ઉદાહરણ છે. ધનનો પણ ઉચિત ઉપયોગ નથી થઈ રહ્યો તથા શક્તિનો ઉપયોગ દુર્બળને પરેશાન કરવામાં થઈ રહ્યો છે. સાધુ લોકો એનાથી વિપરીત વર્તે છે, પોતાનું જ્ઞાન અન્યને આપે, ધનથી અન્યનું દુખ દૂર કરે તથા શક્તિથી દુર્બળનું રક્ષણ કરે છે તે જ સાધુ. સંસાધનો મર્યાદિત છે અને જનસંખ્યા અમર્યાદિત થતી જય રહી છે પરિણામે સંસાધનો મર્યાદિત અને જનસંખ્યા વધુ હોવાથી પહેલા મેળવી લેવાની સ્પર્ધા થાય છે, સંઘર્ષ થાય છે. બળવાનોનું વિશ્વ છે અહી બળવાનોની દયા ઉપર દુર્બળ જીવવા વિવશ છે અને બળવાન પોતાની મરજીથી ચાલે છે. મનુષ્ય વિચાર, ચિંતન કરે છે તે ના કરે તો તે મનુષ્ય મટી જાય, સામાન્ય બુદ્ધિથી વિશ્વ જોવું એટલે પશુની દ્રષ્ટિથી વિશ્વને જોવું. આ બાબત સમજવા માટે શ્રી મોહનજી ભાગવતે “आहार निद्रा भय मैथुनं च, सामान्यमेतत् पशुभिर्नराणाम्” શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત ઈન્દ્ર તથા વિરોચનનું ઉદાહરણ આપીને સુખ ક્યાં છે તે સુંદર રીતે વ્યાખ્યાયિત કર્યું.
ભારતની ભૂમિકા
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “હે ભારત ત્યાગ માટે જ તારો જન્મ થયો છે.” આપણે શકુંતલાપુત્ર ચક્રવર્તી ભરતના વંશજ છીએ. જે ભરત સિંહનું મોઢું ખોલીને નિર્ભયતાથી તેના દાંત ગણે છે. માત્ર મનુષ્ય જ નહીં પશુ પક્ષીઓ સાથે પણ ભરતને સ્નેહ દેખાય છે. ભરત શક્તિસંપન્ન હતો, દુર્બળોની વાત વિશ્વ સાંભળતું નથી. આપણે ચક્રવર્તી ભરત જેમ શક્તિસંપન્ન થવું પડશે. ઉપરાંત જડભરત કે જે જગતનું મિથ્યત્વ સમજાતાં જડ બની ગયા, તથા પોતાના ભાઈ માટે રાજ્યનો ત્યાગ કરતાં બાહુબલી ભરતના ઉદાહરણ આપી શ્રી મોહનજી ભાગવતે જણાવ્યુ કે હિંદુત્વ એ સતત અનુસંધાનની પ્રક્રિયા છે.
આપણે સત્યને સમજીને સત્યનું આચરણ કરવાવાળા છીએ. જીવનથી ભાગવાનુ નથી પરંતુ કર્મ કરતાં કરતાં જીવવાનું છે. વિશ્વનું પરમ સત્ય છે એ પ્રાપ્ત કરીએ અને તે ડગર ઉપર વિશ્વ ચાલે એવું જીવન જીવવાનું છે. મૃત્યુના ભયથી પર થઈને જીવવાનું છે. આપણે આવું જીવન જીવી શકીએ તે માટે જીવનના દરેક અંગને શ્રેષ્ઠ બનવાના ઉત્કૃષ્ટ આદર્શ આપણે આપ્યા છે. આપણે અધર્મનું નિયંત્રણ કરીને ધર્મની સ્થાપના કરવાવાળા છીએ, આમ કહેતા શ્રી મોહનજી ભાગવતે ભગવાન શ્રીરામે લંકા જીતી લીધા બાદ તેની ઉપર પોતાનું રાજ્યના સ્થાપતા વિભિષણને લંકાના રાજા બનાવ્યા તેનું ઉદાહરણ આપ્યું. આ ઉદાહરણ થકી ભારતીય સંસ્કૃતિની ઓળખ આપતા જણાવ્યુ કે આપણે લૂંટવાની નહીં પરંતુ આપવાની સંસ્કૃતિ ધરાવીએ છીએ.
Global Market નહીં Global Family ની સંસ્કૃતિ
બજારવાદના બજારમાં જ્યાં માનવ સ્વયં એક વસ્તુ બની રહ્યો છે ત્યારે અને દરેક વ્યક્તિ કે દેશ વચ્ચેના સંબંધ પણ બજાર આધારિત થતાં જાય છે ત્યારે ભારતની ભૂમિકા કેવી હોઈ શકે તે બાબતનો ઉલ્લેખ કરતાં શ્રી મોહનજી ભાગવતે ભારપૂર્વક અને વિશ્વાસપૂર્વક જણાવ્યુ કે આપણે સમગ્ર વિશ્વ આપણો દેશ છે એવી માન્યતા ધરાવીએ છીએ. આપણે Global Market ની નહીં પરંતુ Global family ની ઘોષણા वसुधैव कुटुम्बकम् દ્વારા વર્ષો પહેલા કરી છે.
ભારતે સ્વયંને જાણવું પડશે
ભારતે પહેલા સ્વયંને જાણવું પડશે આજે જેટલું સારું બહારથી આવી રહ્યું છે તે અહીથી જ બહાર ગયું હતું. આ સત્ય જાણવું પડશે કારણકે જે સ્વયંની ગ્લાનિ કરે છે, સ્વયંની અવમાનના કરે છે તે વિશ્વને કેવી રીતે દ્રષ્ટિ આપશે. ભારતે શક્તિસંપન્ન બનવું પડશે, બળસંપન્ન બનવું પડશે, આપણે વિશ્વને ધર્મ આપવાનો છે. આપણે ભેદ નો ઉત્તર સમાનતાથી, સમરસતા થી આપવાનો છે. દારિદ્રયનો ઉત્તર નીતિ સહિતની સ્મૃધ્ધિથી આપવાનો છે. વિજ્ઞાનને જીવ લેનારું નહીં પરંતુ જીવન આપનારું બનાવવું છે. આપણે સ્વને નિસ્વાર્થ બનાવવાના છે. મારે મારા ઘર, પરિવારનું જીવન’ “સ્વગૌરવ” વાળું બનાવવું પડશે.
ભેદમુક્ત અને સ્વાર્થમુક્ત જીવન બનાવવું પડશે આ બાબત સંવિધાન નિર્માતાએ પણ ધ્યાનમાં રાખીને જણાવી જ છે. આપણે આપના વિચારોની સત્યતા જોવી, સમજવી પડશે અને જે ના થવું જોઇયે એવું તરત જ નિસંકોચ છોડી દેવું જોઇયે અને તે છોડી દેવામાં આપણી મન-મર્યાદાને કોઈ આંચ આવતી નથી કે આવશે નહીં. આપણે પ્રેમથી સૌને જીતવાના છે, બળસંપન્ન બનીને સૌને પ્રેમ આપવાનો છે. આપણે બળસંપન્ન હોઈશું અને શાંતિની વાત કરીશું તો આપણી વાત સાંભળવામાં આવશે નબળાની શાંતિને કોઈ મહત્વ નથી આપતું. આપણે સાચા ધાર્મિક બનીને પોતાની શક્તિના આધાર ઉપર સૌને સ્નેહ આપવનો છે. તું સોહમ, અભયમ છે એવું વિશ્વને દ્રષ્ટિ આપી શકે તેવું વૈયક્તિક જીવન બનાવવું પડશે.
પોતાના વક્તવ્યને અંતે શ્રી મોહનજી ભાગવતે જણાવ્યુ કે જે જ્ઞાન, બળ વિશ્વ માટે ખતરો બને છે તે જ જ્ઞાન, બળવિશ્વની મુક્તિ, સાધન સંપન્નતા બને તેવો આપણે પ્રયાસ કરવાનો છે.