*ફેફસામાં ૬૦ ટકાથી વધુ ઇન્ફેક્શન અને ડાયાબિટીસની બીમારી છતાંય માત્ર ૬ દિવસની સારવારમાં ૬૦ વર્ષીય તારાબહેન પટેલ એકદમ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા*
અમદાવાદ: ‘મને શ્વાસ લેવામાં તફલીક સહિતના લક્ષણો જણાતા તુરંત જ RT-PCR ટેસ્ટ કરાવ્યો પણ આ ટેસ્ટમાં કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ ડોક્ટરની સલાહ લઇને સીટી સ્કેન કરાવ્યો ત્યારે ફેફસામાં ૬૦ ટકાથી વધુ ઇન્ફેશન જોવા મળ્યું હતું. ફેમિલી ડોક્ટર્સે મને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઈ જવાનું કહ્યું. ૧૦ એપ્રિલના રોજ હું અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં દાખલ થઇ હતી. ત્યાંથી મને તાત્કાલિક સિવિલ હોસ્પિટલની સંલગ્ન મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી. મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં માત્ર ૬ દિવસની સારવાર બાદ મને રજા મળી ગઇ અને આજે હું એકદમ સ્વસ્થ છું.’ આ શબ્દો છે અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય તારાબહેન પટેલના જે મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાંથી ઝડપથી સાજા થઇને ઘરે પાછા ફર્યા છે.
કોરોનાની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે,વાયરસનું નવુ સ્વરૂપ ફેફસામાં ખૂબ જ ઝડપથી પહોંચીને નુકસાન પહોંચાડી રહ્યું છે ત્યારે મંજુશ્રી કોવિડ સરકારી હોસ્પિટલના તબીબોની અથાગ મહેનતના કારણે વયસ્ક દર્દીઓને સ્વસ્થ કરવામાં સફળતા મળી રહી છે.
મંજુશ્રી હોસ્પિટલના ઇન્ચાર્જ એડીશનલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે, તારાબહેન પટેલને જ્યારે મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ખુબ જ ઓછું ૮૦ થી ૮૫ સુધી રહેતુ હતું, તાત્કાલિક ઓક્સિજનનું સ્તર નિયંત્રણમાં લાવવા માટે બહારથી ઓક્સિજન આપવાનો શરૂ કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં તાત્કાલિક આઇ.સી.યુ. માં દાખલ કરીને તમામ પ્રકારની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી, જેનાથી ધીમે-ધીમે તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. તેઓને ડાયાબિટીસ અને ફેફસામાં ૬૦ ટકા જેટલું ઇન્ફેક્શન હોવા છતાંય માત્ર ૬ દિવસની સારવારમાં સ્વસ્થ્ય થઇ ગયા હતા.
તેઓ ઉમેરે છે કે, મંજુશ્રી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં હેલ્થકેર વર્કર્સનો સ્ટાફ રાઉન્ડ ઘ ક્લોક દર્દીઓની સેવામાં તહેનાત છે. દર્દીઓને ૭ કોર્સ મીલ જમવાનું આપવાથી લઇ નિયમિત સમંયતારે વોર્ડમાં રાઉન્ડ લઇને દરેક દર્દીની સ્વાસ્થ્ય પૃચ્છા કરવામાં આવે છે. દર્દીની સાથે – સાથે તેમના સ્વજનોની પણ ચિંતા કરીને ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દી સાથે સગા વાતચીત કરી શકે તે માટે વીડિયો કોલિંગ કરાવવામાં આવે છે.
કોરોનાને મ્હાત આપનાર તારાબેન પટેલે જણાવ્યું કે, મેં કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે, છતાંય મને કોરોના થયો અને ફેફસામાં ૬૦ ટકાથી વધુ ઇન્ફેક્શન પણ થઇ ગયું હતું. પરંતુ વેક્સિન લીધી હોવાથી હું ઝડપથી સ્વસ્થ થઇ છું.
મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં મળેલી સારવાર વિશે તારાબહેન પટેલે જણાવ્યું કે, હોસ્પિટલના ડોક્ટર્સની મહેનત અને શ્રેષ્ઠ તબીબી સારસંભાળને કારણે જ હું ઝડપભેર સાજી થઇ આજે હું એકદમ સ્વસ્થ થઇને ઘરે પરત ફરી છું. અહીનો તમામ સ્ટાફ દરેક બાબતે દર્દીને સહાયરૂપ થાય તેવો છે. અહીંના મેડિકલ સ્ટાફે મારી શ્રેષ્ઠ કાળજી લીધી છે. મને જરૂર પડે તેટલી વાર ડોક્ટર્સ, નર્સ મારી સેવામાં હાજર રહ્યા છે. આ હોસ્પિટલ દ્વારા મારી ઉત્તમ સારવાર કરવામાં આવી છે. ઉપરાંત સવાર, બપોર અને સાંજે પૌષ્ટિક ભોજન અને નાસ્તો, ગરમા-ગરમ ચા અને દૂધ આપવામાં આવતું હતું.
હોસ્પિટલમાં પોતાના પરિવાર, સગા-સંબધી પણ ન રાખી શકે તેવી તબીબો અને સ્ટાફ દ્વારા મળેલી સારવાર અને હુંફથી હું એકદમ સ્વસ્થ થઇ ગઇ છું. મારી આટલી બધી દરકાર લેવા બદલ હું મંજૂશ્રી કોવિડ હોસ્પિટલ તેમજ સમગ્ર સરકારી તંત્રનો હું આભાર માનું છું એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.જે.વી. મોદી કહે છે કે, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્ન્ટેડે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી જતા મંજુશ્રી હોસ્પિટલને ૧૨૦૦ બેડ હોસ્પિટલના જ એક્સટેન્શન રૂપે કાર્યરત કરાવવામાં આવી છે. ૭ મી એપ્રિલ થી શરૂ કરાયેલી મંજુશ્રી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૧૩ દિવસમાં ૫૦૦ થી વધુ દર્દીઓ સંપૂર્ણ પણે સાજા થઇ ઘરે પરત ફર્યા છે. હાલ મંજુશ્રી હોસ્પિટલમાં ૪૫૦ બેડ કોવિડ દર્દીઓ માટે કાર્યરત છે.