*સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સચિવ કૈલાસનાથનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ*
*કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી*
*સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની ઓ.પી.ડી બંધ કરવા નો નિર્ણય લેવાયો*
અમદાવાદ: કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સચિવ શ્રી કે. કૈલાસનાથનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
રાજ્યભરમાં વધી રહેલા કોરોના ના કેસ અંગે ગંભીર ચિંતા કરી સિવિલ હોસ્પિટલના તબીબો સાથે કોર કમિટીની બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
શ્રી કે.કૈલાસનાથન દ્વારા સિવિલ મેડિસીટીના સિનિયર તબીબો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને સમગ્ર પરિસ્થિતિ અંગેની વિગતવાર માહિતી લેવામાં આવી હતી.
હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ આગોતરા આયોજનના ભાગરૂપે દર્દીઓની જન સુખાકારી માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના માટે તબીબો સાથે સમૂહમાં ચર્ચા કરીને વિચારણાં બાદ આ નિર્ણય હાથ ધરવામાં આવ્યા હતા.
સિવિલ મેડિસીટીમા આવેલી કેન્સર , કિડની હોસ્પિટલની નવી બિલ્ડીંગને કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સંપૂર્ણ રીતે કોરોનામાં પરિવર્તિત કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો જે. વી. મોદી, IKDRCના ડાયરેક્ટર શ્રી વિનીત મિશ્રા,બી.જે.મેડિકલ કોલેજના ડીન ડૉ.પ્રણય શાહ, જે-તે વિભાગના વડા,સહિત સિનિયર તબીબો ઉપસ્થિત રહ્યા હતા..