દેશની આઝાદીના ૭૫ વર્ષની સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ તા.૧૨ મી માર્ચે થનારી ઉજવણી

આજે રાજપીપલા ખાતે સુરતના સાંસદ પૂર્ણેશભાઈ મોદી , ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં “ આઝાદીનો અમૃત મહોત્સવ”ની ઉજવણીનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે

પ્રધાનમંત્રી તા.૧૨ મી માર્ચે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે

ઐતિહાસિક દાંડી યાત્રાની સ્મૃતિમાં ૮૧ પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રામાં સહભાગી બનશે
રાજપીપલા ,તા 11

ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે “આઝાદીકા અમૃત મહોત્સવ” ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો તા .૧૨ મી માર્ચ , ૨૦૨૧ થી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવશે. જે અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાજય સરકાર ધ્વારા આ ઐતિહાસિક દાંડીકૂચના દિવસે સમગ્ર રાજયમાં હાથ ધરાયેલા વિવિધ કાર્યક્રમોના આયોજન થકી “ આઝાદીકા અમૃત મહોત્સવ ” India @ 75 ની થનારી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ તા.૧૨/૩/૨૦૨૧ ને શુક્રવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે સુરતના સાંસદશ્રી પૂર્ણેશભાઇ મોદી, ડભોઇના ધારાસભ્યશ્રી શૈલેષભાઇ મહેતા અને અન્ય પદાધિકારીશ્રીઓ/મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિમાં ” આઝાદીનો અમૃત મહોત્સવ ” India @ ®75 નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે . પ્રધાનમંશ્રીની ઉપસ્થિતિમાં યોજાનારા સાબરમતી આશ્રમ ખાતેના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ ઉક્ત કાર્યક્રમમાં કરવામાં આવશે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી તા.૧૨ મી માર્ચ, ૧૯૩૦ ના રોજ યોજેલી દાંડી યાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઉજાગર કરવા ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મી. ની દાંડી યાત્રા યોજાશે . દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્યવીરોની સાથોસાથ રાષ્ટ્રની પ્રગતિ – વિકાસમાં યોગદાન આપનારા વ્યક્તિત્વોના વારસાને તેમની સ્મૃતિ સાથે આગળ ધપાવવાના હેતુથી આ યાત્રા સાબરમતીથી દાંડી સુધી પરિભ્રમણ કરશે.

અત્રે એ નોંધનીય છે કે, મહાત્મા ગાંધીજીએ તા.૧૨ મી માર્ચ, ૧૯૩૦ ના રોજ મીઠા ઉપરના કરને નાબૂદ કરવા સવિનય કાનૂન ભંગ માટે પૂ.ગાંધી બાપૂએ દાંડીયાત્રા કરીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો , જેની સમગ્ર વિશ્વએ નોંધ લીધી હતી.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા