વરિષ્ઠ નાગરિકો માટે શરૂ થયેલ કોરોના રસીકરણમાં વડીલો ઉત્સાહભેર જોડાયા. સિવિલ 80 જેટલા વરિષ્ઠ નાગરિકોએ પ્રથમ દિવસે કોરોના રસીકરણ કરાવ્યું

અમદાવાદ: સમગ્ર દેશમાં આજથી વરિષ્ઠ અને કોમોર્બિડીટી ધરાવતા નાગરિકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.
દેશભરમાં વડીલો, પ્રતિષ્ઠિત વ્યક્તિ વિશ્વના મહારસીકરણ અભિયાનમાં જોડાઇને અન્યોને પ્રોત્સાહનરૂપ સંદેશ આપી રહ્યા છે.

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કિડની હોસ્પિટલ પણ આજે વરિષ્ઠ અને કોમોર્બિડીટી ધરાવતા નાગરિકોમાં કોરોના રસીકરણ માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સવારે 10 વાગ્યાથી શરૂ થયેલ વરિષ્ઠ નાગરિકો માટેના રસીકરણ અભિયાનમાં વડીલો,વયસ્ક નાગરિકો, કોમોર્બિડીટી ધરાવતા લોકો જોડાઇને પોતાને કોરોના સામેના કવચથી સુરક્ષિત કર્યા હતા.

આજ રોજ કિડની હોસ્પિટલમાં 80 જેટલા વરિષ્ઠ નાગરિકોએ અને 9 કોમોર્બિડીટી ધરાવતા દર્દીઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો. કિડની હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી સુચારૂ વ્યવસ્થાપનથી વડીલો પ્રભાવિત થયા હતા.વડીલોએ રસીકરણ કરાવીને અન્યોને સલામતીને સંદેશો પણ પાઠવ્યો હતો તેમજ અન્ય નાગરિકોને પણ કોરોના સામેની જંગનો અંત લાવવા માટે રસીકરણ કરાવવા માટે અપીલ કરી હતી.