નવનિર્મિત કેવડીયા રેલવે સ્ટેશનની રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ મુલાકાત લીધી
ડોમ ગ્રીન સ્ટ્રક્ચરથી બનાવાયેલું કેવડીયા રેલવે સ્ટેશન સમગ્ર દેશ સહિત વિશ્વભરના પ્રવાસીઓને આવકારવા સજ્જ બન્યુ
પ્રવાસીઓ નવા રેલવે સ્ટેશન પર ઉમટ્યા
રાજપીપલા,તા17
કેવડીયા ખાતે રેલવેના વિવિધ પ્રકલ્પોના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા ગુજરાતના રાજ્યપાલશ
આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચારનું ગાન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેવડીયા રેલવે સ્ટેશન પરિસરની મુલાકાત લીધી હતી. રેલવેના અધિકારીઓએ નવીન રેલવે સ્ટેશનની વિગતોથી બન્ને મહાનુભાવોને વાકેફ કર્યા હતા.
દેશના સૌપ્રથમ ડોમગ્રીન બિલ્ડિંગ એવા આ રેલવે સ્ટેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદાર સાહેબની ૧૨ ફૂટ ઊંચી રેપ્લીકા મૂકવામાં આવી છે. સ્ટેશન ખાતે વ્યુઇંગ ગેલેરીથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણી શકશે. આ નવીન રેલવે સ્ટેશનમાં સેલ્ફી ઝોન, ગાર્ડન, બાળકો માટે પ્લેઇંગ એરીયા સહિત ફૂડકોર્ટ અને પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
રેલવે સ્ટેશન ખાતે એક્ઝિક્યુટિવ લોંજ, રીટાયરિંગ રૂમ, એ.સી. વેઇટિંગ રૂમ, પ્રવાસી સ્વાગત કક્ષ સહિત દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિકો માટે રેમ્પની સુવિધા ઊભી કરવામાં આવી છે. રેલવે સ્ટેશન ખાતે ઇલેકટ્રીક ટ્રેન ઇન્ડીકેટર, સીસીટીવી કેમેરા સહિત જીપીએસ એનેબલ્ડ કલોકની સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ મહાનુભાવોની મુલાકાત વેળાએ છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથ, સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. ડૉ. રાજીવ ગુપ્તા, વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ, નર્મદા કલેક્ટર ડી.એ.શાહ તથા રેલવેના અધિકારીઓ હાજર રહયા હતા.
તસવીર: જ્યોતિ જગતાપ ,રાજપીપળા