રાજપીપલા :* દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક પ્રવાસન-આકર્ષણ કેન્દ્રો-પ્રોજેક્ટ્સ આકાર પામી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટી (કેવડીયા ઓથોરીટી) અંગેનો કાયદો તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ થી અમલમાં આવેલ છે અને રાજ્ય સરકારે આ ઓથોરીટીની રચના પણ કરી છે. કેવડીયાના સંકલિત વિકાસના અનેકવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણ સંચાલન અને જાળવણી માટે સત્તામંડળ હેઠળ વિવિધ કામગીરી માટે જુદા જુદા વિભાગોની અલગ અલગ સંવર્ગની જગ્યાઓ ઉભી કરવા અથવા તબદીલ કરવા અંગેની કાર્યવાહી તેમજ તે જગ્યા ઉપર નિમંણૂક કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી, જે તાજેતરમાં જ સરકારશ્રી તરફથી મંજૂરીની મહોર મારવામાં આવી છે.
તદ્અનુસાર, ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા ઠરાવમાં જણાવ્યા મુજબ કેવડીયા અથોરીટી કાર્ય ક્ષેત્ર અંતર્ગત મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી, ચિલ્ડ્રન-ન્યુટ્રિશન પાર્ક, મીરર મેઝ, વેલી ઓફ ફલાવર્સ, વિશ્વ વન, કેકટસ્ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, આરોગ્ય વન, એકતા નર્સરી, ડાઈનોટ્રેઈલ, એકતા મોલ, એકતા ફુડકોર્ટ, એકતા દ્વાર, એકતા ઓડિટોરિયમ, ખલવાણી ઈકો ટુરિઝમ, ઝરવાણી ઈકો ટુરિઝમ, ડેકોરેટિવ લાઈટીંગ, યુનિટી ગ્લો ગાર્ડન, ગરૂડેશ્વર વીયર, ગોરા બ્રીજ, નેવિગેશન ચેનલ, બે જેટ્ટી, એકતા ક્રુઝ, નૌકા વિહાર, રિવર રાફટીંગ, સાઈકલિંગ, હોમ સ્ટે, શ્રેષ્ઠ ભારત ભવન, સરદાર સરોવર રિસોર્ટ, બીઆરજી બજેટ એકોમોડેશન, ટેન્ટ સિટી-૧ અને ટેન્ટ સિટી-૨ જેવી આવાસ સુવિધાઓનું વ્યવસ્થાપન તથા સોલાર પાવર પ્રોજેકટ, વિવિધ આનુસાંગિક માળખાકીય સુવિધાઓ તથા નાગરિક સુવિધાઓ, ટિકીટીંગ, યુનિટી સ્માર્ટ કાર્ડ, ફ્રી વાઈ-ફાઈ સેવા, વેબસાઈટ, મોબાઈલ એપ જેવી ટેકનોલોજી આધારિત સેવાઓ વગેરે જેવા વિવિધ પ્રવાસન આકર્ષણો માટેના પ્રોજેકટના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, રસ્તાઓ, પાર્કીગ, લાઈટ તેમજ લગભગ ૨૫ ચો.કિ.મી. ક્ષેત્રફળનો વ્યાપ ધરાવતા વિશાળ વિસ્તારમાં કરવામાં આવેલ ડેકોરેટિવ લાઈટીંગ વગેરેના ઓપરેશન અને મેન્ટેનન્સ તેમજ હવે પછી જરૂરિયાત મુજબની વધારાની કામગીરી હાથ ધરવાની બાબતનો સમાવેશ થશે.
ઉપરોક્ત કામગીરીને ધ્યાને લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટી (કેવડીયા ઓથોરીટી) નું જરૂરી તાંત્રિક અને વહિવટી માળખું પણ મંજૂર કરવામાં આવ્યું છે, જે મુજબ બે સર્કલ (વર્તુળ) કચેરીઓ ઉભી કરીને જેમાં બે અધિક્ષક ઇજનેર, ૪ કાર્યપાલક ઇજનેર(સીવીલ) અને ૧ કાર્યપાલક ઇજનેર (વિદ્યુત) સહિતના કુલ-૧૧૨ નું મહેકમ મંજૂર કરાયું છે.
હાલમાં કેવડીયા ખાતે કાર્યરત સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડ હયાત માળખા પૈકી વિવિધ સંવર્ગના કુલ-૬૧ સભ્ય સંખ્યા ધરાવતું માળખું તેની આનુસંગિક કચેરી સુવિધા સાથે ઓથોરીટીના નિયંત્રણ હેઠળ તબદીલ કરવામાં આવ્યું છે. અને બાકીની ૫૧ જગ્યાઓ અન્ય વિભાગોમાંથી મંજૂર કરીને આથોરીટી હેઠળ ફાળવવામાં આવેલ છે. પ્રથમ સર્કલ કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શ્રેષ્ઠ ભારત ભવન, ગોરા બ્રીજ નેવીગેશન ચેનલ, બન્ને જેટ્ટી (શ્રેષ્ઠ ભારત ભવન તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલી ) અને મેન્ટેનંન્સની કામગીરી તથા જુદી જુદી જગ્યાએ સ્લોપ પ્રોટેક્શન માટે કરવામાં આવેલી ગેબીયનની કામગીરી અને બીજી સર્કલ (વર્તુળ) કચેરી અન્ય તમામ પ્રોજેક્ટની ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી સંભાળશે.
તેવી જ રીતે વહિવટી કામગીરી માટે ફાળવાયેલા મહેકમમાં કેવડીયા ઓથોરીટી હેઠળના સમગ્ર વિસ્તારના સતત થઇ રહેલા વિકાસ તેમજ નજીકના ભવિષ્યની જૂરૂરીયાતોને પહોંચી વળવા ઓથોરીટીનું પોતાનું કુલ-૨૦૧ ના મહેકમ સુઘઠિત માળખુ મંજુર કરવામાં આવ્યું છે. જેમા વહિવટી, હિસાબી, કાયદો અને વ્યવસ્થા, મહેસૂલી, તબીબી, ટાઉન પ્લાનીંગ, અગ્નિ-શમન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સેનીટેશન વગરે જેવી તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેવી જ રીતે કેવડીયા ખાતે વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ વિવિધ પ્રવાસન આકર્ષણ પ્રોજેક્ટ્સના સંચાલન અને મેન્ટેનન્સ તેમજ વધુ વિકાસ માટે વન વિભાગ હેઠળ જંગલ સફારી પાર્ક, વેલી ઓફ ફલાવર્સ, કેકટસ્ ગાર્ડન વગેરેમાં જરૂરી અધિકારીઓ/કર્મચારીઓનું આઉટસોર્સીંગ સાથેનું જરૂરી મહેકમ પણ તબદીલ કરવાનું પણ ઠરાવાયું છે. કેવડીયા ઓથોરીટી માટે ઉપર જણાવ્યા મુજબ જુદા જુદા વિભાગો દ્વારા થયેલ કામોના સંકલન માટે કેવડીયા ઓથોરીટીમાં નાણાંકીય સવલત ઉભી કરવાની બાબતને અનુલક્ષીને સને ૨૦૨૦-૨૧ ના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગ્રુહ નિર્માણ વિભાગ દ્વારા ગ્રાન્ટ-ઇન-એડ તરીકે રૂા.૫૦/- કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
આમ, સામાન્ય વહિવટ વિભાગ દ્વારા મંજૂર કરાયેલી ઉક્ત વિવિધ જગ્યાઓ જુદા જુદા વિભાગોમાંથી પ્રતિનિયુક્તિના ધોરણે ભરવા સેવા/મેનપાવર આઉટ સોર્સીંગથી મેળવવાનાં રહેશે, તેમ પણ ઠરાવાયું છે.