આપણી લોકકથા કે લોકગીતો ભૂલાતા જાય છે, નસીબ છે કે હજી સ્થાપત્યો સલામત છે. લોકકથાઓનું ઐતિહાસિક મહત્વ હોતું નથી પણ કોઈ પણ ઘટના, સમાજ કે વ્યક્તિને અલગ રીતે રજૂ કરે છે. આ કથાઓ રચવાની કળા લખવાની કે નવું રચવાની સ્કૂલ છે…

આપણી લોકકથા કે લોકગીતો ભૂલાતા જાય છે, નસીબ છે કે હજી સ્થાપત્યો સલામત છે. લોકકથાઓનું ઐતિહાસિક મહત્વ હોતું નથી પણ કોઈ પણ ઘટના, સમાજ કે વ્યક્તિને અલગ રીતે રજૂ કરે છે. આ કથાઓ રચવાની કળા લખવાની કે નવું રચવાની સ્કૂલ છે…

આપણા ગુજરાતમાં અસંખ્ય લોકકથાઓ છે. સહસ્ત્રલિંગનો ઇતિહાસ વાંચતા લોકકથાઓ વાંચવા મળી, જો કે લેખકે અણહિલપુર પાટણ અને પ્રભાસ પાટણનો ફેર સમજાવવો પડ્યો છે.

ચાલો, આપણે લોકકથા તરફ વળીએ. લોકકથા હોય કે મુનશીજી…પણ સિદ્ધરાજને હમેશા નિમ્ન સ્તરનો લખવામાં આવ્યો. પોરબંદરના વિદ્વાન ઇતિહાસકાર નરોત્તમ પલાણજી તો સિદ્ધરાજને બહાદુર માનતા. અરે, હું પાછો અલગ રસ્તે ચાલ્યો…

આપણે લોકકથાની વાતો કરતાં હતાં. જસમા ઓડણ, તેના પરથી મહેશ નરેશના વેરણ વાંસળી વાગી ફેમ ગુજરાતી ફિલ્મ પણ બની ચૂકી છે. હા, તો આપણી લોકકથામાં સિદ્ધરાજને વાત મળે છે કે જસમા નામની અપ્સરા કરતાં પણ અત્યંત સુંદર સ્ત્રી છે, સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રલિંગ તળાવ બનાવે છે, જેમાં પરણિત જસમા કામ કરવા આવે છે, રાજા પાસે કોઈ કામ હશે નહીં એવું માનીને તે તળાવ કિનારે જસમાને મળવા વારંવાર બહાના કાઢે છે. તળાવનું બાંધકામ પુરું થવા છતાં જસમાને રોકી રાખે છે, એક દિવસ જસમા ભાગી જાય છે તો રાજાના સૈનિકો તેને આંતરે છે. જસમા પેટમાં કટારી પરોવીને આત્મહત્યા કરે છે, પણ મરતી વેળા શ્રાપ આપે છે કે આ તળાવમાં પાણી રહેશે નહીં. એવું માનવામાં આવે છે કે, આ કથા ભવાઇ જેવી નાટ્યકલા પ્રચલિત થયા પછી પ્રચલિત થઈ.

ફરી, આપણે વાત કરીએ છીએ લોકકથાઓની, જરૂરી નથી તે સાચી હોય…હજી તો આ કથા સમજીએ એ પહેલાં બીજી લોકકથા… પાટણના રાજા અને સિદ્ધરાજના પિતા કર્ણદેવ માના નામની સ્ત્રીના પ્રેમમાં હતા. કર્ણદેવે માનસર નામનુ તળાવ બનાવ્યું. હા, હવે કન્ફ્યુઝન…

માનસર તળાવ અણહિલપુર પાટણમાં નથી, પણ પ્રભાસ પાટણમાં છે. લોકકથા સ્વપ્ના જેવી હોય…અહીં રહેતા અમેરિકા થઈ મુંબઇ લઇ જઇ શકે…આ બંને કથાઓના નામે સુંદર લોકગીતો પણ લખાયા છે. કર્નલ ટોડના મતે કર્ણદેવ ની લોકકથામાં ખાસ પણ તથ્ય નથી.

રાણકદેવીનો શ્રાપ પણ હતો કે તળાવમાં પાણી નહીં રહે. વિદ્વાન ઇતિહાસકાર નરોત્તમ પલાણ આ કથા માટે પણ અલગ મત ધરાવે છે. આપણી લોકકથાઓ મુજબ તળાવમાં પાણી નહીં રહે, તો સોલ્યુશન શું? કોઈ બત્રીસ લક્ષણો તળાવમાં ભોગ આપે તો પાણી ભરાઈ શકે. કોઈ તૈયાર ન થયું પણ એક માયાભાઇ તૈયાર થયા…પાણી ભરાવા લાગ્યું. માયાભાઇના દલિત સમાજને શહેરમાં રહેવા પરવાનગી મળી.

હજી, એક ઓર કહાની… આ તળાવની… કાશીના રાજાએ કહ્યું કે શિવલિંગ તળાવના કિનારે હોવાથી પાણી પવિત્ર ન કહેવાય. સિદ્ધરાજે વિદ્વાનોની સલાહ લીધી, બધાએ એક વાત કરી કે બનારસમાં ગંગાજળ પીવામાં વપરાય છે, એ શિવના મસ્તક પરથી આવે છે તો શિવમંદિર સ્પર્શ કરેલું પાણી કેમ ન પીવાય? પ્રોબ્લેમ સોલ્વ…

આ લોકકથાઓ મેં શા માટે કહી? નવરા પડો તો તમારી નવી પેઢીને આ કથાઓ કહો અને સહસ્ત્રલિંગ જેવા અદભૂત સ્થાપત્યો બતાવો. આપણા દરેક ગામો પાસે પોતાની આગવી કથાઓ, ગીતો અને લોકસાહિત્ય છે. જેને અંગ્રેજી સાહિત્યમાં નોવેલાઇઝેશન કહે છે, નહીં બનેલી વાત પરથી વાર્તા લખવી કે વાર્તાના કોઈ કેરેક્ટર ને પકડીને નવી વાતો લખવી…ક્રિએટિવિટી નું સૌથી સહેલું અને સહજ લેશન મળશે….નવી પેઢીને પણ સમજાશે કે અમારા વડીલો ખાલી ફોર્વડેડ મેસેજના જ ગુરુ ન હતાં, પણ ક્યારેક ક્યારેક લોકસાહિત્યમાં રસ લેતા હતાં… તમે નવી પેઢી સુધી વાતો નહી લઇ જાવ તો અમિતાભ સર તો છે, જે સહસ્ત્રલિંગ કિનારે ઉભા રહીને બૂમો પાડશે કે, કુછ દિન તો રખડો તુમ્હારે ગુજરાતમેં….

લેખન અને સંકલન

Deval Shastri🌹