*છેલ્લા ચાર વર્ષથી નડતરરૂપ આફતોના કારણે પતંગ ઉદ્યોગોની કમર તૂટી : સૌથી વધારે કોરોનાના કારણે હાલત કફોડી બની*

મહામારીમાં તમામ તહેવારો આવી ને આંખના પલકારે જતા રહે છે. ચાલુ વર્ષે તમામ તહેવારો ફિક્કા ઉજવાયા છે. જેના કારણે તહેવારો ઉપર નભતા વેપાર-ધંધાને માઠી અસર પહોંચી છે. ઉત્તરાયણ પર્વને આડે હવે થોડા દિવસો બાકી છે. ત્યારે સમગ્ર ચરોતર પંથકમાં તેના કારખાના પુર જોશમાં જોવા મળી રહ્યા છે. તેમાં ખાસ કરીને નડિયાદ અને ખંભાત શહેર પંતગો માટેનું મોટામાં મોટું હબ ગણાય છે. અહીંયા પંતગો બનાવવાનો વ્યવસાય ઘેર ઘેર ચાલી રહ્યો છે. જોકે ચાલુ વર્ષે પતંગ ઉદ્યોગોને કોરોનાનું ગ્રહણ નડ્યું છે. જેના કારણે આ વ્યવસાયને મોટું નુકશાન થયું હોવાનું વેપારીઓ માની રહ્યા છે. કોરોનાના વિશચક્રમાં નડિયાદના કેટલાક નાના પતંગ ઉદ્યોગો ઝપેટમાં આવી ગયા છે અને કારખાના બંધ થવાના આરે પહોંચી ગયા છે. તો કેટલાક કારખાના બંધ પણ થઇ ગયા છે. એક પછી એક એમ છેલ્લા ચાર વર્ષથી આ ઉદ્યોગોને આફતોનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે પતંગ ઉદ્યોગોની દયનિય સ્થિતિ આવી ઉભી છે. અને ક્યાંક નુકસાન તો ક્યાંક વ્યાજે રૂપિયા લાવી આ વ્યવસાય કરવાની નોબત આવી ચઢી છે.

‌સૌનો લોકપ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ આ પર્વની ઉજવણી તમામ ધર્મના લોકો કરે છે. ગગનમાં પતંગો ઉડાડી આ તહેવાર મનાવવામાં આવે છે. ખેડા જિલ્લાના વડામથક નડીઆદમાં અનેક વિસ્તારોમાં પંતગોના કારખાના દિવસ રાત ધમધમે છે. જે બાબતથી તમે સૌ વાકેફ હશોજ. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માર્ચથી જ તૈયારીઓ શરૂ કરી દે છે અને છેક ઉત્તરાયણ સુધી પંતગો બનાવી જ રાખે છે. પરંતુ ચાલુ વર્ષે આવું ન બન્યું. આ ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને કોરોના અને લોકડાઉનના કારણે આ વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો વેઠવો પડી રહ્યો છે. જેની સીધી અસર નાના પતંગ ઉદ્યોગો ઉપર પડી છે. નડિયાદમાં આવા નાના એકમના પતંગોના કેટલાક કારખાના પણ બંધ થઇ ચૂક્યા છે. હાલ ઓછું ઉત્પાદન હોવાને કારણે ઘટ પણ જોવા મળી રહી છે. તો વળી આવા નાના એકમના એટલેકે ઘરે ઘરે ચાલતા ગૃહઉદ્યોગોની દયનિય સ્થિતિ આવી ઉભી છે. આ વ્યવસાયને ચલાવવા માટે નુકશાન વેઠવું પડી રહ્યું છે. તો ક્યાંક વ્યાજે રૂપિયા લાવી આ વ્યવસાય કરવાની સ્થિતિ ઉત્પન્ન થઇ છે. જો આમ ન કરે તો ઘર કઈ રીતે ચાલે ? દરેક ધંધાની એક ખાસિયત હોય છે કે તેમાં એક વાર ફાવટ આવી ગઈ તો તમે એ ધંધાને વળગેલા રહો. અને જો ધંધો પેઢીઓથી ચાલતો આવતો હોય તો તેમાં લોકોની કુશળતા હોય છે. હાલના સંજોગોમાં નડિયાદ શહેરમાં ઠેક ઠેકાણે ચાલતા કેટલાક નાના પતંગ ઉદ્યોગો બંધ થઇ ગયા છે. અને બેકાર બની ચૂકેલા લોકો છૂટક શાકભાજીનો વ્યવસાય અને ખાનગી કંપનીમાં લેબરની નોકરી કરવા લાચાર થઇ ગયા છે. આવા બેબાકડાં બનેલા લોકોના ઘરની સ્થિતિ દયનિય છે. કોરોના અને તેમાં પણ લાંબા સમયના લોકડાઉનના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે. લોકડાઉનના સમયમાં કાચો માલ નહિ મળતા લોકો પતંગો બનાવવાનું પ્રોડક્શન ઓછું કરી દીધું અને રાતોરાત ઘર ચલાવવા માટે બીજા વ્યવસાય તરફ વળી ચુક્યા હતા. આ તો થઈ આ વર્ષની જ વાત પણ તમે નહી જાણતા હોય કે છેલ્લા ચાર વર્ષથી પતંગ ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો એક પછી એક હાડમારીનો સામનો કરી રહ્યા છે. જેની સીધી કે આડકતરી અસર આ વ્યવસાય ઉપર પડી રહી છે. અને આ જ કારણે પતંગ ઉદ્યોગોની કમર તૂટી છે. પહેલા મંદી તો હતી અને એમાં પણ વર્ષ 2016 થી 2020 એમ ચાર વર્ષ સુધી સતત એક પછી એક આફતો આવતા દાજાયા ઉપર ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે. નોટબંધી, જીએસટી, ભેજ તેમજ કમોસમી માવઠું અને કોરોનાના કારણે એમ એક પછી એક સતત ચાર વર્ષ સુધી આફતોનું વંટોળ ચાલુ રહ્યું હોવાથી આ પતંગના વ્યવસાયને ભારે અસર પડી છે. જોકે આ તમામ બાબતો વચ્ચે કેટલાક વ્યવસાયકારો પોઝિટિવ રીતે વિચારે છે અને જેમ જેમ પર્વ નજીક આવશે તેમ તેમ પતંગોની બજારમાં માંગ વધશે અને તેથી બે પૈસાની આવક મળી રહેશે તેવી આશા સેવી રહ્યા છે.

_________________________________________1
પંતગો બનાવવા માટે કાચો માલસામાન જેમાં કમાન, કાગળ, સ્ટીકર, દોરો, ગુંદર વગેરેની જરૂર પડે છે. આ કાચોમાલ મોટેભાગે કલકત્તા, મુંબઈ, અમદાવાદ, વડોદરા , સુરત જેવા શહેરોમાંથી જથ્થાબંધના ભાવે લાવવામાં આવે છે. નડીઆદમાં પીવીસી પતંગ (ચરકાટ)ની પણ બોલબાલા છે. સીએમપી કાગળ જ પતંગોમાં વપરાય છે. જયારે કેટલાક ચાઈનાના હલકી ગુણવત્તા વાળા કાગળો પણ વાપરે છે.

_________________________________________2
*છેલ્લા ચાર વર્ષથી પતંગ ઉદ્યોગોને નડતરરૂપ બનેલા કારણો*

– વર્ષ : 2016માં નોટબંધી
– વર્ષ : 2017માં જીએસટી
– વર્ષ : 2018-2019માં ભેજ અને કમોસમી વરસાદ વાળું વાતાવરણ.
– વર્ષ : 2020માં વિશ્વમહામારી કોરોનાની તબાહી અને લોકડાઉન.

_________________________________________3
નડિયાદમાં ગાઝીપુરવાડ, ન્યુ ગાઝીપુરવાડ, વ્હોરવાડ, પાંચહાટડી, સલુણ બજાર વગેરે વિસ્તારોમાં પંતગોના કારખાના આવેલા છે. આ તમામ વિસ્તારોમાંથી આશરે 300થી વધુ વ્યક્તિઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.

_________________________________________4
નડિયાદના કારીગરોએ બનાવેલી પતંગો ગુજરાતના અનેક વિસ્તારોમાં જાય છે

નડિયાદમાં બનેલી પતંગો રાજ્યના ખુણે ખુણે પહોચાડાય છે. ઉપરાંત ખંભાતની ખંભાતી પતંગો પણ બહુ જાણીતી છે. માટે જ નડિયાદ અને ખંભાત શહેર પંતગો માટેનું મોટામાં મોટું હબ ગણાય છે. અને અહીંયા ઉત્તરાયણના બે માસ પહેલા જ પતંગોની બોલબાલા રહે છે. અને બજારમાં પતંગો જ પતંગો દેખાય છે.

-આલેખન :- સિધ્ધાંત મહંત,
જર્નાલિસ્ટ નડિયાદ-ખેડા 9998527193
Siddhantmahant@gmail.com