ગોંડલમાં ચોરીની શંકાએ યુવકની હત્યાઃ પાલિકાના ર સદસ્યો સહિત ૬ની સંડોવણી

રવિ કાલરીયા, શૈલેષ ફૌજી, અજય ઉર્ફે ભાણો, વિનોદ, અશોક રૈયાણી, આશિષ ટીલવાએ પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારીને મોતને ઘાટ ઉતાર્યો’તો

ગોંડલ, તા.૭: ઔદ્યોગિક ઝોન તરીકે ઉભરી રહેલ ભુણાવા-ભરૂડી ગામ પાસે હત્યા કરાયેલી હાલતમાં યુવાનની લાશ મળી આવતાં તાલુકા પોલીસ, એલસીબી પોલીસ સહિત જિલ્લાભરની પોલીસે દોડી જઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં ચોરીના શંકામાં પાલિકાના ૨ સદસ્યો સહિત ૬ શખ્સોની સંડોવણી ખુલ્લી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભુણાવા ભરૂડી પાસે યુવાનની લાશ પડી હોવાની માહિતી પોલીસને મળતા તાલુકા પીએસઆઇ અજયસિંહ જાડેજા સહિતનો કાફલો દ્યટનાસ્થળે દોડી ગયો હતો, યુવાનની લાશ પાસે મોબાઇલ ફોન તેમજ પાણીની બોટલ મળી આવતા તેને કબજે કરી હતી. અજાણ્યા યુવાનની ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષની જણાતી હોય પોલીસને પ્રથમ નજરે યુવાનની પીઠ, ડાબો હાથ તેમજ બેઠકના ભાગે ઇજાના નિશાનો જણાયા હતા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી હતી.

નાના એવા ભુણાવા ભરૂડી ગામ પાસે યુવાનની લાશ પડી હોવાની ગ્રામજનોને જાણ થતા લોકોના ટોળા એકઠા થઇ જવા પામ્યા હતા જેમાં ચર્ચાઈ રહ્યું હતું કે ગતરાત્રીના કેટલાક કારખાને દારો દ્વારા યુવાન પર ચોરીની શંકા કરી માર મારવામાં આવ્યો હતો હાલ પોલીસે લાશનો કબજો લઇ મોતનું કારણ જાણવા પીએમ માટે ખસેડી હતી.