અમદાવાદ: એક તરફ કોરોનાએ દેશની આર્થિક કમર તોડી નાખી છે તો બીજી તરફ ચાઈનીઝ પ્રોડક્ટ પણ વેપારીઓને પરેશાન કરી રહી છે. ત્યારે મોરબીના ઓરેવા ગ્રૂપ અને ઘડિયાળ ઉત્પાદકો દ્વારા શરૂ કરવામાં આવી છે અનોખી મુહિમ. બોયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ ના નારા અને બેનર્સ સાથે આજે અમદાવાદમાં ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખભાઈ પટેલના નેઝા હેઠળ વેપારીઓ એકત્ર થયા ને અન્ય વેપારીઓ અને ગ્રાહકોને સમજાવ્યા કે શા માટે ચાઈનીઝ પ્રોડકટનો બહિષ્કાર જરૂરી છે.?
એક બાજુ દિવાળીમાં બજારમાં ધૂમ ખરીદી ચાલી રહી છે ત્યારે લોકો ભારતીય અર્થતંત્ર ને મજબૂત કરવા પોતાનું યોગદાન આપે અને ભારતીય પ્રોડક્ટ જ ખરીદે તે માટે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખભાઈ પટેલે જણાવ્યું કે સવારે વ્યક્તિ ઉઠે ત્યારે ટૂથપેસ્ટથી લઈને રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી મોટા ભાગે આપણે ચાઈનીઝ પ્રોડક્ટ સીધી કે આડકતરી તરીકે વાપરીએ છીએ.
આત્મનિર્ભર ભારત નું સ્વપ્ન સાર્થક કરવું હોય તો તમામ વેપારીઓએ ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવો જોઈએ. વેપારીઓ એક તરફ ચાઈનીઝ પ્રોડક્ટ ચાઇનાથી મંગાવે છે બીજી તરફ કેટલાક વેપારીઓ ટેક્ષની ચોરી કરે છે પરિણામે ભારતની પ્રોડક્ટ સામે ચાઈનીઝ પ્રોડક્ટ વધુ સસ્તી મળે છે. ત્યારે વેપારીઓએ એ પ્રવૃત્તિ બંધ કરી દેશમાં બનતી દેશી પ્રોડક્ટ પર ભાર આપવો જોઈએ, જેથી કરીને દેશના વેપારીઓને ફાયદો થશે અને ભારત આત્મનિર્ભર પણ બનશે.
વધુમાં જયસુખભાઈ પટેલે જણાવ્યું કે ચાઈનીઝ પ્રોડક્ટના બહિષ્કારની શરૂઆત અમદાવાદથી થઈ છે જે ધીરેધીરે દેશભરના બજાર સુધી પહોંચશે. અને જેમજેમ લોકો જાગૃત થશે અને ભારતીય પ્રોડક્ટ નો ઉપયોગ શરૂ કરશે તો ભારત દેશ અને દેશના વેપારીઓ ઝડપી આત્મનિર્ભર બનશે.