પ્રજા સાથેના પોલીસના વર્તાવનો અનુભવ કરવાનો નિર્ણય પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ખુદ ત્રણ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા.

અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતાં પ્રજા સાથેના પોલીસના વર્તાવનો અનુભવ કરવાનો નિર્ણય પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે લીધો હોય તેવી ઘટના આજે વહેલી સવારે બની હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર ખુદ આજે શહેરના ત્રણ પોલીસ સ્ટેશનમાં સામાન્ય વ્યક્તિની જેમ મોબાઈલ ચોરીની ફરિયાદ કરવા માટે ત્રણ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા. જેમાં પ્રજા સાથેના પોલીસના વર્તાવનો ખુદ પોલીસ કમિશનરને પ્રત્યક્ષ અનુભવ થયો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આજે રવિવારે વહેલી સવારે ચાંદખેડા, સાબરમતી અને રાણીપ પોલીસ સ્ટેશનમાં સામાન્ય વ્યક્તિની જેમ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ મોબાઈલ ચોરીની ફરિયાદ કરવા માટે ઉપડી ગયા હતા. પોલીસ સ્ટેશનોમાં મોબાઈલ ચોરીની ફરિયાદ લેવામાં કોઈ પણ પોલીસ કર્મચારીએ આનાકાની કરી ન હતી. જો કે હિન્દી ગુજરાતી મિક્સ ભાષામાં વાત કરતા પોલીસ કમિશનરને ઓળખી ના શકેલા પોલીસ કર્મચારીઓએ તેમના વતન અંગે પૂછી લીધું હતું. ફરિયાદી ઉત્તરપ્રદેશના વતની હોવાનું જાણતા જ પોલીસ કર્મચારીઓએ ઉત્તરપ્રદેશની વાતચીત કરી બાદ ગુજરાત પોલીસના વખાણ કર્યા હતા.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની ફરિયાદ લેવામાં કોઈ પણ પોલીસ સ્ટેશનમાં બહાનાબાજી કે આનાકાની કરવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસ સ્ટાફ આરામમાં હોવાનું અને સમયસર ફરજ પર આવ્યો ન હોવાનું પોલીસ કમિશનરે જોયું હતું.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવએ ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી બની ફર્યા બાદ પોલીસ સ્ટેશનમાં પોતાની ઓળખ આપતા પોલીસ કર્મચારીઓ શોક થઈ ગયા હતા. પોલીસ કર્મચારીઓ રીતસરના ફફડી ગયા હતા જો કે પોલીસ કર્મચારીએ એક પણ પોલીસ જવાન પર સહેજ પણ ગુસ્સો કર્યો ન હતો કે તેઓ પર કોઈ રૂઆબ જમાવ્યો ન હતો.