*લો બોલો.. કોરોનાની ગાઈડલાઈન ભૂલી આરોપીનું સરઘસ કાઢી સોલા પોલીસ સિંઘમ બનવા ગઈ અને વિવાદમાં ફસાઈ..*

અમદાવાદ: લોકો પર તો ફિલ્મની અસર જોવા મળતી હોય છે પરંતુ સમાજની સુરક્ષા કરનારા પોલીસ કર્મચારીઓ ઉપર ફિલ્મોની અસર જોવા મળે ત્યારે સામે આવે છે વિવાદ. આવી જ ઘટના અમદાવાદ શહેર ખાતે બનવા પામી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનના પીઆઈને પણ સિંઘમ બનવાની ઈચ્છા થઈ પરંતુ સિંઘમ બનવાની હોડમાં કરી દીધું સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન. કોરોનાની ગાઈડલાઈન મુજબ સામાજિક અંતર રાખવું અત્યંત જરૂરી છે ત્યારે સામાજિક અંતરના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

અમદાવાદની સોલા પોલીસે દારૂના એક કેસમાં પકડેલા આરોપી સંજય દુબેને દોરડું બાંધી 500 લોકોના ટોળા સાથે ફેરવ્યો. પીઆઈ પોતાને જાણે સિંઘમ સાહેબ સાબિત કરવા માંગતા હોય કે તેમના વિસ્તારમાં કડકપણે દારૂબંધીનાં કાયદાનો અમલ થાય છે. પરંતુ કોરોના વાયરસ જેવા ગંભીર રોગ ને સંભવતઃ નોતરું આપવાનું કામ કર્યું અને જાહેરનામનો સરેઆમ ભંગ કર્યો હોવાની ફરિયાદ ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવી છે જેને લઈ પોલીસ બેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે.

આરોપીના વકીલ અયાઝ શેખ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે સોલા પોલીસ સ્ટેશન ના પી.આઈ. અને તેમના સ્ટાફ દ્વારા આરોપીને ઢોર માર માર્યો હતો અને દોરડું બાંધી ઘાટલોડિયા સહિતના અનેક વિસ્તારોમાં ફેરવ્યો હતો. પોલીસે 500 લોકોના ટોળા સાથે સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ કર્યો હતો. આરોપીને જે વિસ્તારમાં ફેરવવામાં આવ્યો ત્યાં ત્રણ સોસાયટી માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે તેમ છતાં સોલા પોલીસ સ્ટેશન સરકારની ગાઈડલાઈન ભૂલી ગયા હતા અને વધુ એક વખત વિવાદમાં આવ્યા છે. કારણકે અગાઉ થોડા મહિના પહેલા પણ એક બુટલેગર દ્વારા પોલીસ સ્ટેશનના વહીવટદાર ઉપેન્દ્રસિંહ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા ત્યારે પણ આ બાબતે વહીવટદાર ઉપર કોઈ પગલાં ન લેવાતા પી.આઈ. જાડેજા ઉપર અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.આમ આ પ્રકરણે ભારે વિવાદ ઊભો કરી દેતા સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. રક્ષક જ જ્યારે ભક્ષકનું કામ કરવા લાગે ત્યારે પ્રજાનો વિશ્વાસ પોલીસ પરથી ઉઠવા લાગે છે. હવે આ બાબતે શું પગલાં ભરાશે તે જોવું રહ્યું કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચુપની જેમ ચાલ્યા કરશે.