શ્રાદ્ધ શા માટે? શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કૉલેજ.

શ્રાદ્ધ એક નૈમિત્તિક ધર્મ છે એટલે જે નિમિત્ત પ્રમાણે કરવું પડે તેવું કર્તવ્ય. આપણે સૌ જાણીએ છીએ કે જન્મની સાથે જ આપણે ઘણા લોકો સાથે જોડાઈ જઈએ છીએ. માતા-પિતા, ભાઈ-બહેન, સગા-સંબંધી, ગામ, દેશ, કુટુંબ વગેરે વગેરે. વળી જન્મથી મૃત્યુ સુધી દરેક જીવે નિમિત્ત બની પરમાત્માએ નક્કી કરેલા કાર્યો એટલે કે પોતાના કર્તવ્યો અદા કરવા જ પડતા હોય છે. પરંતુ આવા દરેક કર્તવ્યો જયારે ઊંડી સમજણપૂર્વક થાય ત્યારે તેમાં વ્યક્તિ અને સમાજનું કલ્યાણ સમાયેલું હોય છે. ટૂંકમાં સમય અને કાળ અનુસાર તમારી સામે આવતા કાર્યો (કર્તવ્યો) જે આપણે નિમિત્ત બની અદા કરવા જ પડતા હોય છે તેને નૈમિત્તિક કર્મો કહે છે જેમ કે શ્રાદ્ધ. હિંદુધર્મ અનુસાર મનુષ્યનું મરણ થતા જે ચેતનતત્વ શરીરમાંથી ચાલ્યું જાય છે તેને શાસ્ત્રો આત્મા કહે છે. આત્મા મર્યા પછી કોઈ માર્ગ ન મળે ત્યા સુધી ભટક્યા કરે છે અને કર્મ પ્રમાણે સ્વર્ગ-નર્કમાંથી પસાર થાય છે. પરમ આત્મા મોક્ષ પામે છે જયારે બાકીના પુર્નજન્મ લઈ ૮૪ લાખ યોનીમાં ફરે છે. આત્માની આ પ્રમાણેની સફર શાસ્ત્રોમાં લખેલ છે. જેને બુદ્ધિજીવીઓ સ્વીકારી શક્તા નથી પરંતુ હવે તો વિજ્ઞાને પણ એ સ્વીકાર્યું છે કે મૃત્યુ જીવનનું પૂર્ણવિરામ નથી પરંતુ અલ્પવિરામ છે. શક્તિસંચયનો નિયમ (law of conservation) જણાવે છે કે શક્તિનો ક્યારેય નાશ થતો નથી તેનું માત્ર રૂપાંતરણ થાય છે. એ જ વાત ભગવદ ગીતામાં લખેલ છે કે આત્મા કદી મરતો નથી માત્ર શરીર બદલે છે. (આમ શક્તિનું માત્ર રૂપાંતરણ થાય છે નાશ નહી) વ્યક્તિના પોતાના કર્મોની છાપ આત્મા પર અંકિત થાય છે. જે મૃત્યુ પછી જીવની યોની નક્કી કરે છે. હિકલ્સ નામના વૈજ્ઞાનિકે ગર્ભમાં રહેલાં ભૃણનું સંશોધન કરી જણાવ્યું છે કે ગર્ભ-ધારણથી ગર્ભના પુરા વિકાસની અવધી ૯ માસ ૧૦ દિવસની છે (એટલે ૨,૪૨,૯૨૦૦૦સેકંડની) જેમાં ગર્ભ લગભગ ૮૪ લાખ વાર જુદા-જુદા આકારો અને સ્થિતિઓમાંથી પસાર થાય છે. વ્યક્તિ જે-જે યોનીમાં રહીને આવ્યો છે તેના છાયાચિત્રો હોલોગ્રમની જેમ તેના બીજમાં (જીન્સમા) સમાયેલા હોય છે અને બાળકરૂપે જન્મ લેતા પહેલા તે તમામ અનુભવમાંથી પસાર થાય છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ બનાવેલું એક સાધન ‘પ્લેનચેટ’ મૃત આત્માઓનો સંપર્ક સાધવામાં મદદરૂપ થયાનું નોંધાયું છે. ઉપરાંત ‘ડાયનામીસ્ટોગ્રાફ’ નામનું યંત્ર પણ મૃતાત્માના સંદેશાઓ સમજાવે છે તેવું સંશોધનો જણાવે છે. ‘ગોનીઓમીટર’ નામનું યંત્ર આત્માનો અવાજ રેકોર્ડ કરી શકે છે. ટૂંકમાં મૃત્યુ પછી પણ જીવન છે અથવા મૃતાત્માઓની પણ સૃષ્ટિ છે તેની આનાથી મોટી બીજી કઈ સાબિતી હોઇ શકે? ટૂંકમાં મૃત્યુ પછી આત્માના કલ્યાણ માટે તેના સગાઓ દ્વારા થતી ચોક્કસ પ્રકારની વિધિ તેઓને શાંતિ આપી શકે છે. પૂર્ણ શ્રદ્ધાથી પૂર્વજોના નરસા કાર્યોની કોઈ ખરાબ અસર તેની હયાત પેઢી પર ન પડે તેમજ તેમના શુભ કાર્યોની ઉમદા અસર પ્રાપ્ત કરવા માટે જે કર્મો (સદ્કાર્યો) તેમની પાછળ કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. નામ અનુસાર આવા કાર્યોમાં શ્રધ્ધાનું હોવું આવશ્યક છે. શ્રદ્ધાથી અર્પણ એટલે શ્રાદ્ધ. જેમ પિતાની સંપતિનો વારસદાર પુત્ર છે તે રીતે પિતાના શુભ તેમજ અશુભ કાર્યો પુત્રે ભોગવવા જ પડતા હોય છે. જેને પિતૃદોષ કહે છે. માણસના મૃત્યુ બાદ ૧૨ દિવસ સુધી આત્માનો શરીરના તરંગો સાથે સંબંધ છૂટતો નથી તેમજ બાળકના જન્મથી ૧૨ દિવસ સુધી તેનો આત્મા પૂર્વજન્મ સાથે સંકળાયેલો રહે છે તેવું હિન્દુશાસ્ત્રોમાં જણાવેલ છે. જેથી મૃતાત્માની સદગતિ માટે મૃત્યુના બારમાં દિવસે શ્રાદ્ધ થાય છે તેમજ દર વર્ષે ભાદરવા મહિનાના કૃષ્ણ-પક્ષમાં મૃત્યુતિથીએ શ્રાદ્ધ કરવાનું વિધાન ધર્મશાસ્ત્રોમાં છે. વળી શ્રાદ્ધપક્ષમાં પિતૃગણોનું ભ્રમણ પૃથ્વીલોકમાં વધુ હોય છે. શ્રાધ્ધના ૧૫ દિવસ યમલહેરો પૃથ્વી પર વિશેષ પ્રમાણમાં આવે છે જેની સાથે મૃતાત્માઓ પણ આપણા ઘર સુધી પહોંચી આવે છે. જેથી ચોક્કસ પ્રકારના ઉમદા કાર્યો અને વિધિ દ્વારા તેઓને તૃપ્તિ આપી, આશીર્વાદ મેળવી શકાય છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ શ્રાદ્ધપક્ષમાં સૂર્ય પૃથ્વીની વધુ નજીક હોય છે. આમ ચન્દ્રમંડળ અને સૂર્યમંડળ પૃથ્વીની ખુબ નજીક હોવાથી શ્રાદ્ધ વિજ્ઞાન સંમત છે. આમ દરેક જીવે કોઈના પુત્ર રૂપે તેના નૈમિત્તિક ધર્મો જેવા કે શ્રાદ્ધ વગેરે કરવા જોઈએ. પ્રવર્તમાન શ્રાદ્ધ નિમિત્તે દરેક વાંચક યથાર્થ લાભ મેળવે અને સર્વનું કલ્યાણ થાય એવી પરમકૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના.