અમદાવાદ/ગાંધીનગર: રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં નવા DGP તરીકે આશિષ ભાટિયાના નામ પર ગૃહ વિભાગે મહોર લગાવી છે. ત્યારે અમદાવાદમાં આવેલી કમિશનર કચેરીમાં નવ નિયુક્ત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે ગાંધીનગર જઈ ચાર્જ સંભાળ્યો હતો. આગામી સમયમાં શહેર પોલીસ કમિશનરની નિમણૂક થશે જેમાં અજય તોમર અને સંજય શ્રીવાત્સવના નામ મોખરે છે.
રાજ્યના નવા DGP તરીકે આશિષ ભાટિયાની સત્તાવાર રીતે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે કમિશનર તરીકે આશિષ ભાટિયાએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. શહેર કમિશનર કચેરીમાં અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ગૃહ વિભાગે જણાવ્યું હતું કે આ આગામી સમયમાં અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનરની પણ નિમણૂક કરવામાં આવશે. પોલીસ કર્મીઓ દ્વારા તેમની ગાડીને રસ્સા વડે ખેંચી સન્માન સાથે વિદાય આપી હતી. મૂળ હરિયાણાના આશિષ ભાટિયા 1985 ના આઇપીએસ અધિકારી છે અને તેઓ તેમના તટસ્થ કાર્ય માટે જાણીતા છે.