ભાવનગર: આ અમારું ભગાતળાવ…!

અમદાવાદનો ખાડીયા વિસ્તાર બરોબર શહેરની વચ્ચે આવેલો છે અને જગપ્રસિધ્ધ છે તેની વસતિની ગીચતાના કારણે અને બ્રહમસમાજની વિપૂલ જનસંખ્યાના લીધે. ભાવનગરનું ભગા તળાવનું પણ આવું જ છે કે તે પણ શહેરની મધ્યમાં આવેલું છે. વસતિ પણ ગીચ છે અને બધા જ સંપ્ર્દાયના બ્રાહમણોની બહોળી વસતિનો વસવાટ ખાસ કરીને વડનગરા નાગર અને પ્રશ્નોરા નાગર બ્રાહમણોની સંખ્યા મોટી. અન્ય જ્ઞાતિના લોકોમાં જૈન, વૈષ્ણવ, સોની વાણિયા, લુહાણા, સુખડીયા અને ઈતર જ્ઞાતિનો વસવાટ પણ ભગા તળાવમાં.

ભગા તળાવનો વિસ્તાર ભાવનગરના ઘણાં છેડાને આવરી લે. દિવાનપરા રોડ, હેરિસ રોડનો ખૂણો, ખારગેટનો ખૂણો, વોરા શેરી, કાઝીવાડ, મામાકોઠા રોડમાંથી જતી ભગાતળાવમાં જતી શેરીઓ. વોરા બજારમાં મહાલક્ષ્મી માતાના મંદીરની સામે હવેલી વાળી શેરી, ભગા તળાવની અંદર ભીખા ઠક્કરની શેરી, અસ્તરની આંબલી, લાલગર બાવાનો મઠ, દેસાઈ શેરી, નીલકંઠ મહાદેવની શેરી, કલ્યાણ ભટ્ટની ખડકી, ડબગર શેરી, ગઢની રાંગ, વોરા વાડ વગેરે વિસ્તાર આવી જાય.

બ્રાહણો અને ઉચ્ચ વર્ણના મધ્યમ વર્ગના લોકોની વસતિથી બનેલુ ભગાતળાવ એક શિક્ષિત, સભ્ય અને સામાજીક રીતે શહેરના ઈતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મોટાભાગના લોકો નોકરિયાત વર્ગના હોવાથી સ્વભાવે શાંત, ધીરજશીલ અને કરકસરિયા સ્વભાવના ખુલ્લા દિલના અને જતું કરવાની ભાવનાવાળા. એમને સમયની કદર હોય છે. તેઓ નાની-નાની વાતોમાં બોલાચાલીમાં સમય વેડફતા નથી.
ભગાતળાવના લોકો ખુબ કામઢા. ઘણાં એવા લોકો છે જે આરામના સમયમાં પણ કામ કરતા હોય છે. અહીં નાત-જાતના વાડા નથી. કોઈ કોઈની પંચાત કરતુ નથી. પણ એનો અર્થ એ નથી કે મુશ્કેલીના સમયમાં કોઈ એકબીજાને મદદ નથી કરતુ. બસ અહીં કોઈ બીજાની અંગત જીવનમાં ખાંખાખોળા નથી કરતુ.

ગુજરાતીઓ વિષે કહેવાય છે કે જગતના કોઈ પણ ખૂણે ફરી આવો પરંતુ તમને ક્યાંય પણ ગુજરાતી જેવા માણસો નહીં જ મળે! પેંડાનો સ્વાદ કેવો હોય તે કોઈને પૂછાય ખરું! બસ, ગુજરાતી એટલે મીઠી અને કડક ચા ! ગામ બદલાય, દેશ બદલાય ત્યાં ચાનો રંગ, રૂપ ભલે બદલાય પરંતુ તેમાં ચાની પત્તી તો એની એજ રહે છે, આવું કંઈક ગુજરાતીઓનું છે અર્થાત ગુજરાતીનો સ્વભાવ એટલો મિલનસાર કે અથાણામાં જેમ ગોળ ભળી જાય તેવો જ સ્વભાવ ગુજરાતીઓનો અને આ સ્વભાવ કે વાત ભગાતળાવના રહેવાસીઓને સંપૂર્ણ લાગુ પડે છે.

ભગાતળાવના લોકો કહેતા હોય છે કે, આ અમારા સપનાઓનો વિસ્તાર છે. સતત જીવાતી, દોડતી, ભાગતી જિંદગીની સાથે અમે એટલા ઘનિષ્ટતાથી ગોઠવાઈ ગયા છે કે પોતાની એક અલગ આગવી ઓળખ ઉભી કરી છે. ધરાવીએ છીએ. આ લોકોનો સ્વભાવ, આદતો, ઉત્સાહ અને ખાસ તો જીવવાની રીત જ કંઈક અનોખી છે. ભગાતળાવવાસી જે કંઈ પણ કરશે તે હંમેશા ઉદારતાથી કરશે. પછી તે ઉઘરાણી હોય કે ઉજાણી. તહેવારો તેમની જીવાદોરી છે. જરૂર માટે વ્યાજે રૂપિયા લઈ આવશે પણ દિવાળીની ખરીદી કર્યા વિના ન ચાલે. ઉતરાયણ હોય કે હોળી, ધુળેટી હોય કે જન્માષ્ટમી,પર્યુષણ હોય કે તહેવારોની રંગત તો વટથી માણવાની.

ભગાતળાવના લોકો અતયંત ધર્મિષ્ટ અને ઈશ્વરમાં શ્રધ્ધા રાખનારા, સવાર સાંજ મંદીર, હવેલી, દહેરાસર જવાનો અચૂક નિયમ પાળે. પૂરા ભક્તિભાવથી ભગવાનને અનુસરે. આ એક ચાલી આવતી પરંપરાગત રૂઢી છે જેને દરેક કુટુમ્બ અનુસરતું હોય છે. રવીવારે સવારે નાસ્તામાં ગાંઠિયા અને ચા હોય તો બપોરના ભોજનમાં પણ ફરસાણ અને શ્રીખંડ, દૂધપાક કે બાંસુદી હોય. આ સ્વભાવની એક લહેરીપણાની અસર હોય છે.

દુનિયાના કોઈ પણ ખૂણે ગોઠવાઈ જઈ શકે તેવો સ્વભાવ છે આ ભગાતળાવવાસીઓનો. કારણકે તેમની રગેરગમાં ગાંઠિયા, જલેબી, ગોટા, ભજીયા, ફાફડા વસતા હોય છે. જાણે દરેક માણસ બધાં જ રંગોમાં રંગાયેલો છે .અહીંનું વાતાવરણ જ કંઈક ખુશનુમા છે. અહીની શેરીઓમાં પગ રાખતાની સાથે જ ચહેરો મલકાઈ જાય અને ચાલવામાં સ્ટાઇલ આવી જાય. માવાના પેંડાની સાથે જાફરાની કે ૧૩૫ નો માવો પણ ભગાતળાવમાં ખવાય. અહીં લોકો શોખ માટે કાંઈ પણ કરવામાં શરમાતાં નથી. પછી એ કોઈ દિવાલના ખૂણે પાનની પિચકારી મારવાની હોય કે સામાજિક સેવા કરવાની હોય.

ભગાતળાવવાસીનું એક જ સપનું કે એક સરકારી નોકરી, સમજદાર સાથી અને નાનકડું પોતાનું એક ઘર હોય. જેમાં હસતો રમતો પરિવાર હોય.

રાજેશ ઘોઘારી :

છબિઓમાં ભગાતળાવની પ્રતિકાત્મક તસ્વીરો