મહારાષ્ટ્ર અને દિલ્હીથી આવતા શહેરીજનોને 14 દિવસ માટે સેલ્ફ કોરન્ટાઇન થવા સુરત મહાનગરપાલિકા કમિશનરનો અનુરોધ. – કેડીભટ્ટ.



સુરતવાસીઓને મહારાષ્ટ્ર તેમજ નવી દિલ્હીની મુસાફરી કરવાનું હાલપૂરતું ટાળવા મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ અપીલ કરી છે. સુરતના જે નાગરિકો દિલ્હી, મહારાષ્ટ્ર ગયા હોય તો પરત આવ્યાં પછી સાવચેતીના ભાગરૂપે ફરજિયાતપણે ૧૪ દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહે એમ પણ તેમણે જણાવ્યું છે.

મ્યુ.કમિશનરે વધુમાં જણાવ્યું કે, કોમોર્બિડ સ્થિતિ ધરાવતાં તેમજ ૫૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો ઘરની બહાર ન જાય. પરિવારના સભ્યો પણ વડીલો ઘરની અંદર જ રહે તેની પૂરતી કાળજી લે. ઇન્ડોર સ્થળો જેમાં હવા ઉજાસ આવતાં ન હોય, એર કંડીશન હોય એવા સ્થળે લોકો એકઠાં ન થાય, કારણ કે હવાની અવરજવર વિનાની ઈન્ડોર જગ્યાઓમાં સંક્રમણનું જોખમ વધુ રહે છે. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો. ખાંસી, શરદી, તાવ, અશક્તિ જેવા લક્ષણો માત્ર કોરોના નહીં, પરંતુ મેલેરિયા, ડેન્ગ્યુંના લક્ષણો પણ હોઈ શકે છે, જેથી સાવચેતી રાખવી સાથોસાથ પરિવારના કે અન્ય લોકોના સંપર્કમાં ન આવીએ તે બાબતે પણ સચેત રહેવા કમિશનરે જણાવ્યું હતું. શહેરમાં હાલમાં કોરોનાના સંક્રમણમાં જે વધારો થયો છે તેમાં બહારગામથી આવનારા લોકોને કારણે પણ સતત વધારો થઇ રહ્યો છે અને પરિસ્થિતિ ભયજનક રીતે વકરી રહી હોવાથી તમામ લોકોને સતર્ક રહેવા માટે પણ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.