*રાજ્યના 13,000થી વધુ MSME-મધ્યમ ઊદ્યોગ એકમોને રૂ. 1370 કરોડની સહાય ઓનલાઇન એટ વન કલીક આપવાની ગુજરાતની પહેલ.*

*મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી કરાવ્યો પ્રારંભ*-
*કોરોના સંક્રમણની
આપત્તિને અવસરમાં પલટાવી પહેલાં કરતાં વધુ તેજ ગતિ-સારી ગુણવત્તા-વધુ ઉત્પાદનના લક્ષ્ય સાથે ગુજરાતની વિકાસ યાત્રા આગળ ધપાવીએ:- MSME – મધ્યમ ઊદ્યોગોને મુખ્યમંત્રીશ્રીનું આહવાન*
…..
*કોરોના પછીની બદલાતી વૈશ્વિક આર્થિક સ્થિતીનો મહત્તમ લાભ લેવા ગુજરાત સજ્જ છે*-મુખ્યમંત્રીશ્રી
…..
-: *વિજયભાઇ રૂપાણી* :-
*કોરોના સંક્રમણ સામે ‘જાન હૈ-જહાન હૈ’ના ધ્યેય સાથે રોજિંદા જીવન વ્યવહારો-વેપાર-ધંધા ઊદ્યોગો ફરી ધમધમતા કરવા છે*
*રાજ્યના વિકાસનો આધાર ૩૩ લાખ MSME એકમો ભારત સરકારના આત્મનિર્ભર ભારત પેકેજનો પણ વધુને વધુ લાભ મેળવે*
*૧.૩૦ લાખ MSMEને રૂ. ૮ર૦૦ કરોડની સહાય મંજૂર થઇ છે*
*રૂ. ૧૪ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ કોરોનાથી બહાર આવી અર્થતંત્રને વેગવંતુ કરનારૂં દેશભરમાં સૌ પ્રથમ પેકેજ*
*અર્થતંત્ર-ઇકોનોમીને બળ આપવા સરકારે નાણાં-સહાયનો ધોધ નાના-મધ્યમ ઊદ્યોગ- MSME એકમોને બેઠા કરવા વહાવ્યો છે*
*ગુજરાતે કોરોના સામે જંગ આદરીને કોરોનાના રોદણા નહિ-કોરોનાને હરાવવાનો પડકાર ઝિલ્યો છે*
…..
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના-કોવિડ-19 સંક્રમણ પછીની બદલાતી વૈશ્વિક આર્થિક સ્થિતીનો મહત્તમ લાભ લઇ આફતને અવસરમાં પલટાવવા રાજ્યના લઘુ-મધ્યમ અને MSME ઊદ્યોગકારોને આહવાન કર્યુ છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોના સંક્રમણ સામે ‘‘જાન હૈ-જહાન હૈ’’ના ધ્યેય સાથે રોજિંદી જીવન પ્રવૃત્તિઓ, વેપાર, ઊદ્યોગ, ધંધા-રોજગાર ફરી ધમધમતા-ધબકતા કરવા રાજ્ય સરકાર આવા ઊદ્યોગ-ધંધા-વેપારને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યભરના જિલ્લાઓના ૧રર૪૭ MSME ઊદ્યોગકારોના બેન્ક ખાતામાં રૂ. ૭૬૮ કરોડ અને ટેક્ષટાઇલ ઊદ્યોગ સહિતના અન્ય મોટા ઊદ્યોગોના ૮૩પ એકમોને રૂ. ૬૦૧ કરોડની સહાય મળી કુલ ૧૩ હજાર એકમોને રૂ. ૧૩૬૯ કરોડની સહાય એક જ કલીકથી ગાંધીનગર બેઠા આ ઊદ્યોગકારોના બેન્ક ખાતામાં DBTથી જમા કરાવવાની અભિનવ પહેલનો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જિલ્લા મથકોએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા ઊદ્યોગ-વેપાર પ્રતિનિધિઓને આ સહાય અર્પણ વેળાએ પ્રેરણા આપતાં કહ્યું કે, ઊદ્યોગ વેપાર તો ગુજરાતના DNAમાં રહેલા છે ત્યારે કોરોના કોરોના કરીને બેસી રહેવાને બદલે કોરોના સાથે કોરોના સામે જંગ આદરીને કોરોનાને હરાવવા આપણે સતર્કતા-સાવચેતી સાથે વેપાર, ઊદ્યોગો, ધંધા રોજગારને પહેલાં કરતાં પણ વધુ તેજ ગતિ, વધુ ઉત્પાદન, વધુ સારી ગુણવત્તા સાથે આગળ ધપાવી વિકાસની રફતારને નવી ગતિ આપવી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના અર્થતંત્રને કોરોના સંક્રમણ વચ્ચે પણ ત્વરાએ બેઠું કરવા પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરીને તેમની ભલામણોના ત્વરિત અસરકારક અમલ રૂપે ભૂતકાળમાં કદી ન અપાયું એવું સૌથી મોટું રૂ. ૧૪ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ આ સરકારે જાહેર કર્યુ છે તેની વિશદ ભૂમિકા આપી હતી.
તેમણે ઉમેર્યુ કે, માત્ર પેકેજ જાહેર કર્યુ છે એટલું જ નહિ, એ અંગેની GR સહિતની પ્રક્રિયા એક જ સપ્તાહમાં પૂર્ણ કરી તેનો અમલ પણ શરૂ કરી દેવાની દિશા આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના વિકાસનો આધાર એવા ૩૩ લાખ MSME દોઢ કરોડ જેટલા લોકોને રોજગારી આપે છે.
આ MSME સહિતના અન્ય મધ્યમ-મોટા ઊદ્યોગોને કોરોના અને લોકડાઉનને કારણે પડેલી અસરમાંથી પૂન: ચેતનવંતા બનાવવાના ધ્યેય સાથે આ રૂ. ૧૪ હજાર કરોડના પેકેજ ઉપરાંત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જાહેર કરેલા આત્મનિર્ભર ભારત પેકેજમાં MSME માટે જાહેર કરેલી સહાયનો મહત્તમ લાભ ગુજરાતને મળે તે માટે આયોજનબદ્ધ કામગીરી ગુજરાતે કરી છે તેની વિગતો તેમણે આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારત સરકારના આ પેકેજ અન્વયે ૧ લાખ ૩૦ હજાર MSME એકમોની લોન-સહાય એપ્લીકેશન મંજૂર કરીને બે જ સપ્તાહમાં રૂ. ૮ર૦૦ કરોડની સહાય મંજૂર કરીને દેશભરમાં સૌથી વધુ રૂ. ૪૧૭પ કરોડની લોનનું તો વિતરણ પણ ગુજરાતમાં કરી દેવામાં આવ્યું છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાના રોદણા રોતાં બેસી રહેવાને બદલે પ્રજા અને તંત્રની સહભાગીતાથી કોરોના સામે જંગ આદરીને દિલ્હી, મુંબઇ, પૂના, લખનૌ જેવા અન્ય મોટાં શહેરો કરતાં ગુજરાતમાં કોરોના સંક્રમણનો વ્યાપ નિયંત્રણમાં રાખીને સાચી દિશા પકડી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યની ઇકોનોમીને વેગ આપવા-બૂમ આપવા નાણાં સહાયનો ધોધ વહાવ્યો છે તેનો ઉપયોગ કરીને લઘુ-મધ્યમ અને MSME ઊદ્યોગકારો આગળ વધી વિશ્વ બજારમાં આગવી પહેચાન બનાવે અને ભૂતકાળ કરતાં વધુ સક્ષમતા સમૃદ્ધિ સાથે ગુજરાતને વેપાર-ઊદ્યોગમાં દેશનું અગ્રેસર રાજ્ય બનાવે.
મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ અને ઊદ્યોગ અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસે કોવિડ-19ની કપરી સ્થિતીમાં પણ રાજ્યના વેપાર-ઊદ્યોગ-ધંધા- MSMEને પૂરતી સહાય-ટેકો આપી વિકાસ પ્રક્રિયા જાળવી રાખવાની મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતાની ભૂમિકા આપી હતી.
તેમણે મુખ્યમંત્રીશ્રીના આવા ઉદાત્ત અભિગમને પગલે રૂ. ૧૪ હજાર કરોડના માતબર સહાય પેકેજથી ગુજરાતના ઊદ્યોગ-વેપાર-રોજગાર સહિતની સમગ્ર આર્થિક ગતિવિધિઓને નવી દિશા મળી છે તેનો આનંદ વ્યકત કર્યો હતો.
તેમણે MSME એકમોના લોન-સહાય સહિતના પ્રશ્નોના નિવારણ માટે મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રિયકૃત બેન્કો સાથે તત્કાલ બેઠક યોજીને સુચારૂ નિરાકરણ લાવી આપ્યું છે તેની પણ વિગતો આપી હતી.
રાજ્યના ૩૩ જિલ્લાના જે ૧૩ હજાર ઊદ્યોગ-એકમોને એટ વન કલીક સહાયની રકમ મળી છે તેમાં સૌથી વધુ સુરતમાં ૬૧૦૮ એકમોને રૂ. ર૯૪ કરોડ અને અમદાવાદમાં ર૦૮૬ એકમોને રૂ. ૧રપ કરોડ મુખ્યત્વે છે.
આ ઓનલાઇન સહાય વિતરણ વિડીયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી ઊદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા તેમજ MSME કમિશનર શ્રી રંજીથકુમાર અને જિલ્લા મથકોએ ઊદ્યોગ-વેપાર એસોસિયેશનના પ્રતિનિધિઓ જોડાયા હતા.
સી.એમ-પીઆરઓ/અરૂણ ……