અષાઢસ્ય પ્રથમ દિવસે….
આ પંક્તિ આપણા હૈયા પર છે… મહાન કાલીદાસનું એકસો વીસ જેટલા શ્લોક ધરાવતું મહાકાવ્ય મેઘદૂતની અષાઢસ્ય પ્રથમ દિવસે પંક્તિ કાવ્ય સાથે અમર થઈ ગઇ…
મેઘદૂત સાવ સરળ વાર્તા છે, આપણને ઘણા લેશન શીખવે છે. આપણે માનવજાત, આપણને શું શીખવા મળે એ આપણો સ્વાર્થ.
યક્ષ કુબેર પાસે કામ કરે છે. યક્ષને એક જવાબદારી સોંપવામાં આવી છે, સવારે કુબેરની શિવપૂજા પહેલાં તાજા કમળના પુષ્પો ભેગા કરી યથાસ્થળે પહોંચતા કરવા.
યક્ષનું લગ્ન થાય છે, પત્ની પાછળ દિવાનો કહી શકાય. નવા લગ્ન હોવાથી આકર્ષણ પણ ખરું.
વહેલી સવારે પુષ્પો એકઠા કરવા કરતાં પત્ની સાથે રહેવું યક્ષને ગમતું, એટલે ચાલાકી કરી. રોજ રાત્રે જ પુષ્પો એકઠા કરીને યથાસ્થળે મૂકી દેવાના.
એક દિવસ પૂજા કરતાં કુબેરને ભમરો કરડે છે. કુબેર સમજી જાય છે કે ફૂલ ફ્રેશ નથી. પોતાના સેવકો દ્વારા તપાસ કરતાં ખબર પડે છે કે યક્ષ આગલી રાત્રે જ ફૂલ એકઠા કરે છે.
કુબેરને ગુસ્સો આવે છે અને યક્ષને પ્રિય પત્નીથી એક વર્ષ વિયોગ કરવાનો શ્રાપ મળે છે.
યક્ષ હિમાલયના અલકાપૂરીથી દૂર રામગીરી પર્વત પર વસવાટ કરે છે. પહેલું મેનેજમેન્ટ લેસન, બોસ ઇઝ ઓલ્વેઝ રાઇટ. જે કામ બોસ કરવા કહે એમાં બહુ હોંશિયારી મારવી નહીં. આપણા કરતાં તે વધુ સમજદાર છે એવું માની લેવું. જો હોંશિયારી મારો તો વિયોગની તૈયારી રાખવી… ક્લિયર?
જોતજોતામાં સમય પસાર થાય છે અને સજાના અંતિમ ભાગમાં અષાઢ મહીનો આવે છે. યક્ષ અષાઢ મહીનાના પ્રથમ દિવસે પોતાની પાસેથી આકાશમાં પસાર થતાં મેઘને પોતાની પ્રિયતમા માટે સંદેશો મોકલે છે. જે દિવસે સંદેશો મોકલે છે એ અષાઢસ્ય પ્રથમ દિવસે… સમજ્યા?
ઓકે, પ્રશ્ન એ પણ થાય કે પ્રિયતમાને સંદેશો આપે એ સંદેશાવાહક કેવો હોવો જોઈએ? શા માટે મેઘને પસંદ કરવામાં આવ્યો?
એક તો સંદેશો આપનારો હોંશિયાર અને અત્યંત વિશ્વાસુ હોવો જોઈએ. ભગવાન રામે વિશ્વાસુ અને સમજદાર હનુમાનજી ને પસંદ કર્યા હતાં. આ જ પ્રણાલી મુજબ યક્ષને મેઘ પર ભરોસો હતો.
આપણે આ શીખવાનું છે કે આપણો સંદેશો લઇને જતી વ્યક્તિ વિશ્વાસુ હોવી જોઈએ. ઘણી વાર એવું બનતું હોય છે કે સંદેશો લઇ જનારો પાછો આવીને સામાની વાત સાચી હોય એ રીતે આપણને શીખવાડતી હોય… હા, એ એટલો પણ હોંશિયાર ન હોવો જોઈએ કે પોતાનું સેટિંગ કરી લે.
યક્ષને પ્રિયતમાનો વિરહ હતો પણ કુબેર માટે નિષ્ઠા પણ હતી. સજાના આઠ મહીના પૂરા કર્યા પછી સંદેશો મોકલવાની તૈયારી કરી. કોઈને સંદેશો આપવા પણ યોગ્ય સમયની રાહ જોતાં શીખવું જોઈએ.
જેટલું દર્દ યક્ષને હશે એટલું તેની પ્રિયતમાને પણ હશે. અલગ પડ્યા ને બીજી મિનિટમાં જ મેસેજ મેસેજ રમવાનું ચાલુ ન કરાય. પ્રેમને થોડો તપવા દેવાય. નહીં તો પ્રેમ સસ્તો ગણાઇ જાય… સમજે?
વાત આગળ વધારીએ… મેસેજ ક્યાં પહોંચાડવાનો છે એ માર્ગનું વર્ણન કરવું પડે. રસ્તામાં આવતા સ્થળ, લોકોનો પહેરવેશ, સ્ત્રીઓ કેવી દેખાતી હશે, લોકોની માનસિકતા વગેરે સંદેશાવાહકને વિગતે સમજાવવું પડે.
આપણા માટે એટલું કે મેસેજ મેસેજ રમતા પહેલા યોગ્ય ભૂમિકા તૈયાર કરવી પડે. તમારી પ્રોડક્ટ વેચતા પહેલાં વાતાવરણ બનાવવું પડે, પેકેજીંગના યુગમાં માનસિકતા તૈયાર કરવી સૌથી મહત્વની છે. ગરમી શરૂ થતાં પહેલાં દુનિયાનું તાપમાન વધતું જાય છે, ભવિષ્યમાં દરિયો ઉંચો આવશે જેવા આર્ટિકલ વાંચી વાંચીને એસીનું વેચાણ વધી ગયું…. શું સમજ્યા? મેનેજમેન્ટના નિષ્ણાતો, વાતાવરણ તૈયાર કરો… અને પ્રેમી પંખીઓ, તમારા વગર નહીં ચાલે એ જ્ઞાન આપવાનું શરૂ કરો…
એની વે, આગળ…યાત્રાના સ્થળોનું વર્ણન છે…કાલીદાસના યુગથી આ વાત કહેવામાં આવે છે કે પ્રકૃતિ વચ્ચે રખડો. વૈશ્વિક નાગરિક બનવું હોય તો દુનિયા જોવી પડે. રોજ આપણે જ મહાનની ફોર્મ્યુલા છોડીને ખભે કોથળોને દેશ મોકળો કરવો પડે. મોબાઈલ સર્વસ્વ નથી, એની બહાર દુનિયા છે…
કોરોના યુગ પછી ખાસ યાદ રાખજો, જે જીવ્યા, જે જોયું એ જ આપણું છે… બાકી ચાર દિન કી ચાંદની… લોકો ભૂલી પણ જશે…
અહીં મેઘદૂતનો એક ભાગ પૂરો અને બીજો ભાગ જેને ઉત્તર મેઘ કહે છે એ શરૂ…
યક્ષ મેસેજ પહોંચાડવાનો સમય પણ જણાવે છે, બહુ વહેલી સવાર નહીં પણ વહેલી સવાર તો ખરી…મેસેજ આપતાં ઠંડો પવન વહેવો જરૂરી… ત્યાં પણ વાતાવરણ રોમેન્ટિક બનવું જરૂરી છે.
આટલી વાત કર્યા યક્ષ પછી ફીની વાત પણ કરી લે છે… કોઈ મફતમાં કામ કરતું નથી. યક્ષ એડવાન્સ ચૂકવે છે, જા મેઘ તારી પ્રેમિકા વીજળીથી તારો ક્યારે પણ વિયોગ નહીં થાય…
અને છેલ્લે… આ કાવ્ય જેટલું લાંબુ લખવું હોય એટલું લખાય પણ એકસો વીસ શ્લોકમાં પુરું… મિન્સ એક્ઝિટ સમય પર લેતાં આવડવું એ પણ એક કળા છે… સમજે?
Deval Shastri🌹