આજે વિશ્વ સંગીત દિવસ….- દેવલ શાસ્ત્રી.

આજે વિશ્વ સંગીત દિવસ….લયના દિવસને તાલબદ્ધ કરવાનો યોગ દિવસ. જિંદગીના લયને યોગબદ્ધ સમજાવનારને આજે ફાધર્સ ડે…
પિતા અને સંતાનનો સંબંધ રેલ્વેના પાટા જેવો છે. લક્ષ્ય એક જ હોય પણ માર્ગ જૂદા હોઇ શકે. વર્ષોથી એક શબ્દ પ્રચલિત છે, જનરેશન ગેપ….જો કે હવે તો ચાર પાંચ વર્ષનો ગેપ ધરાવતા ભાઇ બહેનો વચ્ચે પણ જનરેશન ગેપ હોય તો બે પેઢી વચ્ચે થઈ શકે.
ગેપ વધે તો સંગીત બેસુરું અને ગેપ ઘટે તો સંગીત તાલબદ્ધ. જ્યારે છત્રછાયા ગુમાવો ત્યારે ખબર પડે કે સંગીત ભલે બેસુરું હતું પણ રોજ વાગે એ ગમતું હતું….
ભગવાન વિષ્ણુની નાભિમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઇ. બ્રહ્માને આસપાસ કશું ન દેખાતા કન્ફયુઝ રહેતા વિષ્ણુએ આદેશ આપ્યો કે સૃષ્ટિ રચના માટે તમારો જન્મ થયો છે, કામે લાગો.
બ્રહ્માએ પ્રારંભ કર્યો પણ સંતોષ ન થયો. નવા પ્રયોગો શરુ કર્યા, ચાર મુનીઓ પેદા થયા. આ ચારે નિવૃત્ત માર્ગે ચાલવા લાગ્યા. બ્રહ્મા એ તેમને રોકવા પ્રયત્ન કર્યો, પણ સફળતા ન મળી. આ ચાર મુનિઓ વચ્ચે એક રુદ્ર નામનું બાળક આવ્યું.
ભગવાન વિષ્ણુએ દશ પુત્રો ઉત્પન્ન કર્યા. મરિચી, અત્રિ, અંગિરા, પુલત્સ, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ.
બ્રહ્માના મુખમાંથી સરસ્વતી આવ્યા. બ્રહ્માને હજી સંતોષ ન હતો. પોતાના શરીરને બે ભાગમાં વહેંચ્યું. એક ભાગ મનુ અને બીજો શતરુપા. એમને બે પુત્રો અને ત્રણ પુત્રી… પ્રિયવ્રત અને ઉત્તાનપાદ…ત્રણ પુત્રીઓ આકૂતિ, દેવહૂતી અને પ્રસૂતિ… આકૂતિનું રુચિ પ્રજાપતિ સાથે, દેવહૂતીનુ કર્દમ અને પ્રસૂતિનું દક્ષ સાથે… ધીમે ધીમે વસ્તાર વધવા લાગતા રહેશે ક્યાં એ પ્રશ્ન થયો.
પાણીથી ભરેલી પૃથ્વી પર ધરતી લાવવા માટે વરાહ અવતાર…
ભગવાને આપણને બનાવ્યા છે, આપણા માટે ધરતી આપી. મનુની ત્રીજી પુત્રી પ્રસૂતિ એટલે ભગવાન શિવના પ્રથમ પત્ની શક્તિના માતા. અદભૂત કહેવાતા પિતા અને સંતાન વચ્ચેના સંબંધમાં પહેલો બળવો…
દરેક સંબંધને સાચી સરખી રીતે સમજાવવા જેટલી ક્ષમતા કોઈ અન્ય ધર્મ ગ્રંથોમાં નહીં હોય. દશરથની આજ્ઞા માનવાવાળા ભગવાન રામ હોય કે ખોટી વાત હોવા છતાં રાવણના પક્ષે મૃત્યુ હોવા છતાં પુત્ર ઇન્દ્રજીતની લડાઈ.
માનવ સંબંધોને કળાના માધ્યમથી સર્વોચ્ચ એ આપણી વિશેષતા છે.
ભારતીય પરંપરા નાદની પરંપરા છે, અહીં મૌન પણ સંગીત છે. મનની પ્રસન્નતા માટે હમેશા નિતનવા માર્ગ શોધતા જ રહ્યાં છે. ભગવાન પણ સમસ્યાઓ વચ્ચે મૌન રહેવાને બદલે સંગીત તરફ વળ્યાં છે. સ્ટ્રેસ સામે લડવા માટે ગીત સંગીત નૃત્ય આપણી પાસે અદભૂત વિરાસત છે.
ભગવાન વિષ્ણુએ તો નારદને કહ્યું છે કે, હું વૈકુંઠમાં પણ નથી, યોગીઓના મનમાં પણ નથી વસતો..જ્યાં મારા ભક્તો ગાન કરે છે,ત્યાં હું હમેશાં વસુ છું.
ભગવાન પણ આનંદ અને ઉલ્લાસ માણે છે. ભારતીય પરંપરામાં ઇશ્વરની સૌથી સુંદર ભેટ હોય તો ગીત સંગીત છે. સ્મૃતિઓ પણ કહેવામાં આવ્યું છે કે, સાત સૂરો જેને ખબર છે તેનો કોઈ પણ પ્રયાસ વગર મોક્ષ નક્કી છે.
સૃષ્ટિ સતત પરિવર્તનશીલ છે, એટલે તો શિવનું નટરાજ સ્વરૂપ છે. પ્રતિક્ષણ પરિવર્તિત થવું એ નટરાજ છે. ડમરું લઈને પ્રચંડ નૃત્ય કરતાં મહાદેવ મહેશ્વર કહેવાયા. સંગીતના તાલ શિવના વાહન નંદીમાથી આવે છે. તંન્ડુમુનીએ ભગવાન શિવને તાંડવ શીખવ્યું હતું, જેમાં એક આનંદ તાંડવ પણ છે. તાંડવ છ પ્રકારના છે. આનંદ તાંડવ, સંન્ધ્યા તાંડવ, કાલિકા તાંડવ, ગૌરી તાંડવ, ઉમા તાંડવ અને ત્રિપુર તાંડવ….
એક હાથમાં આનંદ સ્વરૂપ ડમરુ અને બીજા હાથમાં વિનાશક અગ્નિ. બંનેને એક સાથે રાખીને નૃત્ય કરતાં શિવ વિશ્વને આનંદ અને દુઃખને સતત અવિરત બેલેન્સ કરતાં શીખવે છે. વિશાળ જટાઓ સાથે તોફાની નાગ, આનંદ અથવા ક્રોધની ચરમસીમા સાથે સ્ફૂર્તિ કોને કહેવાય એ માત્ર શિવ જ વ્યક્ત કરી શકે…
ખુલ્લી આંખો હોવા છતાં નજરે ન ચડતું હોય તો માનવજાતની કમનસીબી જ કહી શકાય. આ પરથી કહી શકાય કે ભારતીય સંસ્કૃતિના ચાર પાયા ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં સંગીત રહેલું છે. સંગીત જ માણસના મનનું દ્વાર ખોલી શકે, બાકી કોઇ નહીં.
ભગવાન શિવ જ નહીં, પણ આખું પરિવાર નૃત્ય અને સંગીતનું મહત્વ સમજાવે છે. આપણા વૈદિક સાહિત્યમાં પણ કહ્યું છે કે ગણેશજીની પ્રતિમા બનાવવી હોય તો હાથમાં લાડુ, વલય, અંકુશ, પાશ, કુઠાર, એકદંત અને સમગ્રતા સાથે નૃત્ય ભંગિકા હોવી જોઈએ.
ગણેશજીની મોટા ભાગની મૂર્તિઓ નૃત્યની વિવિધ ભાવના પ્રગટ કરતી હોય છે. આ કારણે તાંડવ નૃત્ય કરતાં ગણેશજીના સ્થાપત્ય મળે છે. નૃત્ય કરતાં ગણેશજીના ચહેરા પર સંતોષનો આનંદ પ્રગટ થતો જોવા મળે છે, તેમનો ગમતો પ્રસાદ મોદક પણ મોહક નૃત્ય શૈલીમાં આરોગતા મળે છે. માનવજાત ઇશ્વરને અતિ ગંભીર બનાવી રહી છે, તેના ચિદાનંદઆનંદસ્વરૂપ સમજવા તૈયાર નથી.
ઇશ્વરની પ્રતિમાઓમાં જે મહત્વ આયુધોને આપ્યું છે એ જ મહત્વ સંગીત, ગીત અને આનંદને પણ એ જ પ્રતિમાઓએ આપ્યું છે.
યુદ્ધની વ્યાખ્યા બદલાતી ગઇ છે, નવા જમાનામાં હરીફાઈ, ટાર્ગેટ કે માર્કેટ… જે કહો તેના સ્ટ્રેસ સામે લડવા માત્ર ઉન્માદ જરૂરી નથી, મન પણ હળવું હોવું જોઈએ. મનમાં જીતના લય આકાર પામવા જરૂરી છે. મન પ્રફુલ્લિત હશે તો વિચારો પણ કરી શકાશે. જેલમાં રહેતા મોટા ભાગના ક્રિમિનલ ક્ષણિક આવેશના જ ભોગ બનેલા હોય છે.
આપણા દરેક ભગવાનો પાસે આયુધ છે, તો સંગીત પણ છે. સંગીત અને ઇશ્વર એકાકાર છે. સામ વેદનું ગાન સંગીતનો પ્રારંભ છે. ભારતીય સંસ્કૃતિમાં સંગીતના એક ગુરુ શ્રીકૃષ્ણનો છે. બીજા હનુમાનજી પણ ગણાયા છે, જે ગાન્ધર્વ ગાનના રચયિતા હતાં. વીણાધારી સરસ્વતી તો સંગીતના માતા છે. કૃષ્ણની વાંસળી માત્ર મનુષ્ય જ નહીં પણ પશુ, પ્રાણી હોય કે પ્રકૃતિ… તમામ માટે મોહક હતી. શિવ ડમરુ વિના હોઇ જ ન શકે, તો નારદ તુંબરુ સાથે જ હોય. ગણપતિ પાસે વિશાળ મૃદંગ, તો માતા પાર્વતી પણ વીણા સાથે જોવા મળે છે. વીણા પણ અલગ અલગ….શિવ પાસે લમ્બી, સરસ્વતી પાસે કચ્છપી વીણા, નારદ પાસે મહતી, શિવના અનુચરો પાસે પ્રભાવતી વીણા કે રાવણ પાસે રાવણહત્થા…વીણા, શંખ, ઘંટડી…
મૃત્યુ પણ સંગીત સાથે હતું. રાવણ અને દશરથના અગ્નિસંસ્કાર વખતે સંગીત વગાડવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ રામાયણમાં મળે છે. માત્ર કામ, આનંદ કે વિલાસ સાથે જ સંગીત નથી, પણ મોક્ષમાર્ગ પણ સંગીત જોડાયેલું છે. શિવનું નટરાજ હોય કે વિષ્ણુનું મોહિની સ્વરૂપ, કનૈયાનું રાસ હોય કે ઇશ્વરનો સાક્ષાત્કાર કરવા નૃત્ય સંગીતની પરંપરા ભારતમાં હજારો વર્ષોથી છે. મીરાં, ચૈતન્ય મહાપ્રભુજી હોય કે પ્રેમાનંદ અને નરસૈંયો….આખો ભક્તિયુગ સંગીત સાથે જોડાયેલો છે. સંગીત ભારતની રગરગમાં છે. વિદેશોમાં અસંખ્ય લોકો એવા છે કે જેમને ભારતીય ફિલ્મો કે ભાષા સમજાતી નથી પણ બોલિવૂડ મ્યુઝિક અને બોલિવૂડ ડાન્સ પસંદ છે. આ ભારતનો સોફ્ટ પાવર છે જે દુનિયામાં કોઈ દેશ પાસે નથી.
આપણી સંસ્કૃતિમાં છ પ્રકારના નૃત્યો છે. નાટ્ય, લાસ્ય, તાન્ડવ, લાઘવ, વિષમ અને મુશ્કેલ. નાટ્યમાં અભિનયનું મહત્વ છે. લાસ્યમાં ભંગિકા, તેથી સ્ત્રીઓ માટે છે. તાન્ડવમાં મક્કમ મન છે, લાઘવમાં ઉલ્લાસ અને ઇંતેજારી છે. લાંબા પગલાં સાથે ભ્રમણ દર્શાવવું વિષમ નૃત્ય છે, તો ક્રૂરતા અથવા હાથથી ભાવ વ્યક્ત કરવા માટે વિકટ નૃત્ય શૈલી છે. નૃત્ય પ્રસ્તુત કરવા માટે નૃત્યાંગના, નૃત્યકાર, અભિનેતા, વૈતાલ, ચારણ તથા લતિકા કરતાં. પુરુષો તાન્ડવ તથા નર્તકી લાસ્ય વધુ કરે છે. સૌંદર્ય સાથે નૃત્ય ભારતની પરંપરા છે. વર્ષાઋતુ પણ કુદરતનુ અદભૂત નૃત્ય છે. મન ત્રસ્ત છે, મન વ્યગ્રતા અનુભવે છે…..અરે મન હળવું છે….તો સંગીત સૌથી શ્રેષ્ઠ મિત્ર છે. મૌન થવું છે….તો પણ સંગીત તમારી રાહ જુએ છે…..નૌશાદ, શંકર જયકિશન, મદન મોહન, એસ ડી બર્મન, આર ડી બર્મન, સલિલ ચૌધરી, પંડિત રવિશંકર, શીવ હરિ, જગજીત સિંઘ, મુકેશ, લતા, આશા, રફી, તલત, હેમંતકુમાર…..આ બધા અમરત્વ લખાવીને આવ્યા હતાં. ભારતીય સંગીત છે, તો ઇશ્વર ભરોસે ચાલતા દેશનો નાગરિક સ્ટ્રેસ ફ્રી જીવી શકે છે.
જ્યારે જ્યારે દેવ દેવતાઓના આયુધ પર નજર પડે તો સંગીતના આયુધ પણ જોઈ લેવા. કદાચ એક નાનું હળવું સ્મિત આપી જાય….
વર્ષાઋતુમાં બોલતો દેડકો હોય કે મોરલો….સંગીત સમગ્રતામાં વ્યાપેલું છે…સંગીત અપે પિતૃઓને યોગબદ્ધ કરવાનો આજનો દિવસ છે. આ વાત નહીં સમજાય તો ભગવાને વિશેષમાં ગ્રહણ પણ મોકલ્યું છે…
આખી વાતનો સાર શું? રોજ ચીનના પ્રોડક્શનને પાડી દેવાના દેકારો પાડે છે. આપણે સંગીત, યોગ , એન્ટરટેઇન, પિતૃક સાહિત્યમાં ઘણા આગળ છીએ. જે વિષયમાં આવડત હોય એમાં આગળ વધવાનું હોય, પણ માસ પ્રોડક્શન આપણો વિષય ન હોય તો છોડી દેવાનો.
આપણે લેપટોપ બનાવી શક્તા ન હોય તો ઓકે, પણ શાનદાર પ્રોગ્રામિંગ તો કરી શકીએ છીએ. આપણે દવાઓનું રો મટિરિયલ બનાવી શક્તા ન હોય પણ પરફેક્ટ કોમ્બિનેશન તો બનાવી શકીએ છીએ. જે આવડે છે એનું પણ વિશાળ માર્કેટ છે. આપણું ફૂડ, આપણું સાહિત્ય, આપણી વૈદિક જીવન પદ્ધતિ, આપણી ડિઝાઇનિંગ, આપણું દરેક વિસ્તાર મુજબનું આર્કિટેક્ચર, આપણા સ્થાપત્યો… આ બધું વૈશ્વિક કરી શકાય.
આપણી સત્યના માર્ગ પર ચાલવાની ક્ષમતા, આપણી ધ્યાન, વાસ્તુ કે આયુર્વેદ પરંપરા, મન શાંત રાખવાની અપ્રતિમ પદ્ધતિઓ, આપણા વીરપુરુષો, આપણા દેવ દેવીઓ, પંચતંત્રની વાતો, મહાભારત, ભાગવત, ગીતા, રામાયણ, પુરાણોથી માંડી બુદ્ધ અને ગાંધી સુધી અદભૂત પરંપરા…. શું નથી આપણી પાસે? ચાલો આ વિચારો દુનિયામાં ફેલાવીએ……

Deval Shastri🌹