ફુરસદ મિલે પાની કી તહરીરો કો પઢ લેના,
હર એક દરિયા સાલો કા અફસાના લીખતા હૈ…
‘રોજા તો હું વર્ષોથી રાખું છું પણ આ વર્ષે આ થાકેલા શ્રમિકોને ટ્રેનમાં બેસતા પહેલા પાણી પહોંચાડવાની કામગીરી કરું છું એટલે ખુદા-પાક વધારે પુણ્ય આપશે’: આ શબ્દો છે દરિયાપુરમાં રહેવાસી મોહંમદ સાદ્દીકના. અમદાવાદ રેલવે સ્ટેશનથી શ્રમિકોને લઈ જતી ટ્રેનને પાણીની બોટલ પહોચાડતી એજન્સીમાં સાદ્દીકભાઈ કામ કરે છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પરથી રોજની સરેરાશ ૧૦ જેટલી ટ્રેન શ્રમિકોને લઈને નીકળે છે. સાદ્દીકભાઈ અને તેમના ૩ સાથી અંદાજે ૧૫૦૦૦ જેટલી બોટલનું લોડિંગ-અનલોડિંગનું કામ પણ કરે છે.
સામાન્ય પગારની નોકરી કરતા સાદીકભાઈ કહે છે કે, સામાન્ય દિવસો કરતા હાલ પાણીની બોટલ પહોંચાડવાની કામગીરી વધુ રહે છે. પરંતુ આ નોકરીની સાથે શ્રમિકોની સેવાનું કામ છે એટલે દોડીને ઉત્સાહથી કામ કરીએ છીએ.
તેઓ કહે છે કે, બીજાની જેમ અમે પણ મહામારી વચ્ચે સતત કાર્યરત રહ્યા છીએ માટે અમે પણ “કોરોના વોરિયર્સ” છીએ.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ‘હું પણ કોરોના વોરિયર્સ’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે સાદ્દીકભાઈ જેવા અનેક લોકોએ કર્તવ્ય પરાયણતાની મશાલ કાયમ રાખી છે તે સર્વવિદિત છે.
પવિત્ર રમઝાનમાં રોજા રાખી આકરા તાપમાં શ્રમીકોને પાણી પાવાની નોકરી કરતા સાદ્દીકભાઈને જોઇ જાણીતા શાયર બશીર બદ્રનો શેર સ્વાભાવિક જ યાદ આવે :
‘ફુરસદ મિલે પાની કી તહરીરો કો પઢ લેના,
હર એક દરિયા સાલો કા અફસાના લીખતા હૈ…’