રઘુવંશમાં ભગવાન રામના પૂર્વજો અને વંશજોની કથા લખી છે, રઘુનો પુત્ર અજ અત્યંત બહાદુર હતો, તેની પત્ની ઇન્દુમતિ અત્યંત સ્વરૂપવાન અને કોમળ હતી. તેની નાજુકતા અથવા નજાકત પર કાલિદાસે લખ્યું છે કે, ઇન્દુમતી પોતાના બગીચામાં ફરતી હતી અને આકાશમાં વિહરતા નારદની વિણામાંથી એક ફૂલ પડ્યું. આ ફૂલ ઇન્દુમતીને વાગ્યું અને તેનું મૃત્યુ થયું. ફૂલ વાગવાથી પણ મૃત્યુ થઇ શકે…. જે પળો મળી છે એ પળોમાં આનંદ મેળવી લેવો…
આવી ઇન્દુમતી જેવી કોમળતા આનાથી વધારે ન હોઇ શકે….રાજા અજે ખૂબ વિલાપ કર્યો, જળસમાધિ લઈ લીધી…. વિરહની ચરમસીમા આ જ હોઇ શકે…આ વર્ણન મહાકવિ કાલિદાસ જ કરી શકે. રઘુવંશી અંતિમ રાજા અગ્નિવર્ણ દારૂના નશામાં જ રહેતો અને બારીમાંથી પગ બહાર કાઢીને બેસતો. પગ જોઇને લોકોને ખબર પડે કે આપણો રાજા જીવે છે….
સગર્ભા પત્નીને મૂકીને મૃત્યુ પામ્યો અને કાલિદાસે સસ્પેન્સ મુકી દીધું કે પત્નીના ગર્ભમાં પુત્ર છે કે પુત્રી… કથા ખતમ….વીર રઘુવંશમાં પણ કલંક પેદા થઇ શકે… અગ્નિવર્ણ જેવી વ્યક્તિ પેદા થાય પછી એ વંશ વિશે આગળ લખવા જેવું નથી….
🌹
કુંતી જ્યારે મહાભારતના યુદ્ધ પૂર્વે કર્ણને મળી અને કર્ણ પાસે પાંડવો હમેશાં પાંચ જ રહેશે એ વચન લીધા પછી બહુ સરળ આશીર્વાદ આપ્યા હતાં. “અનામયં સ્વસ્તિ” સરળ શબ્દોમાં કહીએ તો મરતાં સુધી સ્વસ્થ રહેજે. તને કોઈ રોગ કે બિમારી ના આવે….. આ જમાનામાં જિંદગી બડી હોય કે લંબી…. અગત્યતા સ્વસ્થતાની છે….
🌹
કુછ સમજે?
જીવનમાં બધું હોવા છતાં હતાશા આવી શકે. દિપીકા પદુકોણ તેનું જીવંત ઉદાહરણ છે. આખા દેશના યુવાનો માટે પ્રેરણાદાયી બનેલા ભય્યુજી મહારાજ સ્વયં નિરાશામાંથી બહાર નીકળી શક્યા ન હતા…
સતત પ્રવૃત્ત રહેલાં એ ઘરમાં બેસવું પડે તો કોરોનાયુગમાં હતાશાની પળો ઘેરી લેતી હોય છે. મગજ કામ કરતું બંધ થઇ જાય, મેન્ટલ બ્લોક આવી જાય. સારો મૂડ બનાવવા કોશિષ કરતાં હોય પણ નકારાત્મક વિચારો પીછો પકડી રાખતાં હોય…. હસી નાખવું
એક વાત હમેશા જોવા મળતી હોય કે નિરાશામાં ફિલોસોફર બનવાની ક્ષમતા પણ વધી જતી હોય છે. તકલીફમાં નવા વિચારો અને ઉત્સાહ આપતી કવિતાઓ સૂઝતી હોય. જેમ પરીક્ષાની આગલી રાત્રે વાચેલુ યાદ રહેતું હોય કે કોર્પોરેટમાં છેલ્લી રાત્રે ટેન્શનમાં બનેલું પ્રેઝન્ટેશન શ્રેષ્ઠ હોય… ચમત્કાર થતાં હોય છે.
આમ પણ જિંદગી ચમત્કારોથી ભરપૂર છે, રોજ કાર કે બાઇક લઇને ફરનારાને ખબર હશે કે જરામાં વેહિકલ અડી જતું રહી ગયું. કોઈ થાંભલા સાથે, ડિવાઇડર સાથે કે સામે આવતા વાહન સાથે અકસ્માત થાય એવું હોવા છતાં બચી ગયાં, સામા પક્ષે ખૂબ સંભાળીને વાહન ચલાવવા છતાં અકસ્માતનું મુહૂર્ત થોડું હોય છે?
અને હા, અકસ્માત થાય અને ઝઘડો થાય, વાત મારામારી સુધી કે પોલીસ સુધી પહોંચે એ પહેલાં વગદાર કે તાકતવર આવીને સામે ઉભો રહે અને મદદ મળે, એટલે પહેલો વિચાર આવે કે ચમત્કાર થયો અને મદદ મળી…
મોડી રાત્રે રસ્તા પર ગાડી બગડે કે સરકારી કામમાં અચાનક ઓળખીતું મળી આવે એટલે થાય કે ચમત્કાર થયો…
જિંદગીની ઉમ્મીદો હોય કે અરમાન, ગમતું મળી જાય એટલે ચમત્કાર. ચમત્કાર થાય છે એટલે તો ઇ-શ્વરને નમસ્કાર થાય છે, બાકી એકસરખી મોનોટોનસ લાઇફ હોત તો કોણ ઉપરવાળાને ય પૂછતું હોત….? ફરજિયાત ઘરે બેઠા તો પ્રભુ યાદ આવે છે, બાકી ફોર્માલિટી ચાલતી હતી…
જિંદગી એક રીતે જોવા જઇએ તો ચમત્કારથી ભરપૂર છે. રોજ નવું નવું જોવા મળે, અપેક્ષિત કે અનેપક્ષિત….એ કોઈક તો નક્કી કરે છે… સવાલ ખાલી એટલો જ છે કે એ ચમત્કાર કરનારા પર ભરોસો રાખવો પડે….
બસ ભગવાન પર ભરોસો રાખો, એકાદું ચમત્કાર થશે… ઘરમાં રહો, હસતાં રહો, નવું વિચારો, આવનારો સમય કોરોના પછીના યુગ તરીકે ઓળખવામાં આવશે…. નવી ચેલેન્જ તમારી રાહ જુએ છે. એ ચેલેન્જ કે એ યુગની પરીક્ષા માટે તૈયારીઓ માટે આ સમય મળ્યો છે, હસતાં હસતાં રિલેક્સ થઈને નવું વિચારીએ…
Deval Shastri🌹