સેમ્પલ લેવાના હોય તે દર્દીઓને પાલનપુરથી લકઝરીમાં લેવા જાય છે. બસમાં લાવેલા કેટલાક દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છતાં ડ્રાયવરે હિંમત હારી નથી
ચહેરા પર માત્ર સાદો માસ્ક પહેરી પાલનપુર શહેરનો લકઝરીવાનનો ડ્રાયવર રોજ સેમ્પલ લેવાના હોય તે દર્દીઓને પાલનપુરથી લકઝરી બસ લઇ જુદા જુદા સ્થળોએ લેવા જાય છે. તેની બસમાં લાવેલા કેટલાંક દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છતાં આ ડ્રાયવરે હિંમત હારી નથી. શ્રી શંકરભાઇ ગોહિલ છેલ્લા ૨૦ વર્ષથી ભારતભરમાં લકઝરી ચલાવે છે. જો કે હાલમાં લોકડાઉન દરમ્યાન પોઝીટીવ દર્દીઓની ક્લોઝ હિસ્ટ્રીમાં આવનાર દર્દીઓના સેમ્પલ લેવા લકઝરી લઈને એકલાજ જાય છે. તેમણે જણાવ્યું કે “દર્દીઓને લેવા મુકવા જતી વખતે મનમાં ડર રાખીશ તો ગાડી કેવી રીતે ચલાવીશ. હું મોઢા પર માસ્ક પહેરુ છું. ખિસ્સામાં સેનેટાઈઝરની બોટલ રાખું છું. અને હૃદયમાં ઉપરવાળા પર ભરોસો રાખું છું. બનાસકાંઠા જિલ્લા પંચાયતના જિલ્લા મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝરશ્રી દિનેશસિંહ પરમારે જણાવ્યું કે ” શ્રી શંકરભાઈ ગોહિલને ગમે ત્યારે ફોન કરો તરત બધું જ કામ પડતું મૂકી કોઈપણ ભય વિના દર્દીઓને લેવા મુકવા જાય છે. તેઓ એક કોરોના વોરિયર તરીકેની ઉમદા સેવા બજાવી રહ્યા છે. અત્યાર સુધી ૧૦૦થી વધુ દર્દીઓને તેઓ લેવા અને મુકવાનું કામ કરી ચુક્યા છે. તેમની બસને રોજ સેનેટાઈઝ કરવામાં આવે છે.”