NCCના કેડેટ્સને કચ્છ, જામનગર અને આણંદમાં સ્વયંસેવકો તરીકે નિયુક્ત કરાયા.

અમદાવાદ: NCC યોગદાન કવાયતના ભાગરૂપે NCCના 210 કેડેટ્સને જામનગર, પૂર્વ કચ્છ અને નડિયાદના માર્ગો પર કોવિડ-19 સામેની લડાઇમાં નાગરિક વહીવટીતંત્રની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

લેફ્ટેનન્ટ કમાન્ડર ચંદ્રેશ મિત્તલના નેતૃત્વમાં 8 ગુજરાત નવલ યુનિટ અને 27 ગુજરાત બટાલિયનના 07 ANO, 02 JCO અને 12 કાયમી ઇન્સ્ટ્રક્ટર સાથે 68 સ્વયંસેવક કેડેટ્સને ગુરુવારે સમગ્ર જામનગર શહેરમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. નિયુક્તિ પૂર્વે, કેડેટ્સે પોલીસે સાથે મળીને શહેરમાં ફ્લેગમાર્ચ કરી હતી. ત્યારબાદ, કેડેટ્સ સાત રસ્તા સર્કલ, દિગ્જામ સર્કલ અને ખંભાળીયા ગેટ સહિત 12 સ્થળોએ ટ્રાફિક વ્યવસ્થાપનની કામગીરીમાં સામેલ થયા હતા. વિવિધ બેંકો અને રેશનની દુકાનો પર કતાર વ્યવસ્થાપનમાં પણ કેડેટ્સની સક્રિય સહભાગીતા જોવા મળી હતી. શુક્રવારે, જામનગરમાં 15 સ્થળે 16 કાયમી ઇન્સ્ટ્રક્ટર સ્ટાફ અને 08 ANO સાથે 68 કેડેટ્સને નિયુક્ત કરવામાં આવ્યા હતા.

6 નવલ યુનિટ અને 1 કોય ભૂજના 13 કાયમી ઇન્સ્ટ્રક્ટર, 05 ANO અને 01 ઓફિસર સાથે 93 કેડેટ્સ (47 છોકરા અને 46 છોકરી કેડેટ્સ)ને પૂર્વ કચ્છમાં ચાર પોલીસ સ્ટેશન- આદીપૂર, ગાંધીધામ એ, ગાંધીધામ બી અને અંજાર હેઠળ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ કેડેટ્સે ટ્રાફિક વ્યવસ્થાપન અને લૉકડાઉન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવતા ચેકિંગમાં તેમને મદદની કામગીરીમાં ભાગ લીધો હતો.

નડિયાદ ખાતે, 49 કેડેટ્સ, 06 કાયમી ઇન્સ્ટ્રક્ટર અને 05 ANOને 05 મુખ્ય સ્થળે પોલીસની મદદ માટે 2 શિફ્ટમાં વહેંચી દેવામાં આવ્યા છે.

આ કેડેટ્સની નિયુક્તિ કરતા પહેલાં, 28 બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર અને પોલીસ સ્ટેશનના પ્રતિનિધિ દ્વારા તેમને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. કેડેટ્સ ખૂબ જ સમર્પણ અને ઉત્સાહ સાથે તેમની ફરજ બજાવતા જોવા મળ્યા હતા. પ્રોત્સાહિત કેડેટ્સ સ્થાનિક લોકોને કોવિડ-19 અંગે સમજણ આપવા માટે તેમની સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. NCC ડાયરેક્ટોરેટ ગુજરાતના ADGએ તમામ સ્વયંસેવકો, ANO અને કાયમી ઇન્સ્ટ્રક્ટર સ્ટાફ તેમજ કમાન્ડિંગ ઓફિસરોને આ કામગીરીમાં ભાગ લેવા બદલ તેમની પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, NCC કોવિડ-19 સામેની લડાઇમાં સ્થાનિક વહીવટીતંત્રને જરૂરી તમામ સહાય અને સહકાર આપવા માટે પ્રતિબદ્ધ છે. ADGએ વધુમાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં વધુ સ્વયંસેવકો નિયુક્ત કરવામાં આવશે જેના માટે જરૂરી મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે.