રામનવમીએ બાળસ્વરૂપે ભગવાન શ્રી રામ, અયોધ્યામાં પ્રગટ થયા ત્યારે,’ ચંદ્રે’ લીધેલી બાળહઠ: નિર્મળ, નિર્દોષ, રમ્ય, કલ્પના સભર પ્રસંગ
રામ નામ પણ સરળ અને એમની લીલા પણ સરળ રામલાલાની ઉદારતા, દીનવત્સલતા અજોડ છે. રામ એટલે રામ.
પરમ પવિત્ર સમય આવ્યો. ચૈત્રમાસ.. શુકલપક્ષ.. નવમીતિથિ અને મધ્યાહન સમય. આવા પરમ પવિત્ર સમયે અયોધ્યાનગરીમાં દશરથરાજાને ત્યાં, કૌશલ્યામાતાની કૂખે સાક્ષાત્ પરબ્રહ્મ શ્રી હરિ બાળસ્વરૂપે પ્રગટ થયા. જે નિર્ગુણ છે તે ભક્તોના પ્રેમવશ આજે સગુણ થઈને પ્રગટ થયા.
‘ભયે પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી,
વિદ્ર, ઘેનુ, સુર, સંત હિત, લિન્હો મનુજ અવતારા,
કરુણા સુખસાગર, સબ ગુનસાગર,
જેહિ ગાવાહિ શ્રુતિ-સંતા.
અયોધ્યામાં રામજન્મોત્સવ દરેકને માટે આનંદોત્સવ બની ગયો. દેવગંધર્વ સૂક્ષ્મરૂપે’ રામલાલાનાં’ દર્શન કરવા આવ્યાને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી મંગલકારી પ્રસંગને વધાવવા લાગ્યા. કૌશલ્યામાતાની ગોદમાં રામલાલા મરક મરક હસવા લાગ્યા.
બપોરનો સમય હતો. શ્રી રામલાલાનાં દર્શન કરતાં કરતાં સૂર્યનારાયણ સમાધિનો અનુભવ કરતા હોય તેમ સ્તબ્ધ બની સ્થિર બની ગયા. આ જોઈ ચંદ્રમાને થયું’ અરે ! આ સૂર્યનારાયણતો સ્થિર થઈ ગયા છે ! મારે શ્રીરામલાલાનાં દર્શન કરવાં છે. પણ કેવી રીતે કરું ? સૂર્યજી ખસે અને અસ્તાચળ તરફ જવા માંડે તોને ? ચંદ્રમાં દુઃખી થયા.
ચંદ્રમાએ ખરા હૃદયથી નિર્દોષભાવે રામલાલાને વિનંતી કરી કહ્યું,’ મારે તમારાં દર્શન કરવાં છે. પણ આ સૂર્યમહારાજ વચ્ચેથી ખસતા નથી. એ અસ્ત થવા જાય તો જ હું તો તમારાં દર્શન કરી શકું. હે પ્યારા રામલાલા ! સૂર્યનારાયણને સમજાવી ખસી જવાનું કહો. હું તમારાં દર્શન કરવા ઘણો જ આતુર છું.’ એમ કહી ચંદ્રમા તો રડવા લાગ્યાને સૂર્યને ખસેડવા બાળહઠ લઈ બેઠા.
શ્રી રામલાલાએ ચંદ્રને આશ્વાસન આપતાં કહ્યું,’ અરે ! ચંદ્ર ! તું રડ નહિ. હું તારા ઉપર ખુશ છું. જો આજથી હું તારું નામ, મારા નામ પછી જોડી દઈશ. ‘રામ’ અને ‘ચંદ્ર’ એમ ભેગા મળી મારું નામ બોલાશે ‘રામચંદ્ર’… હવે તો તું ખુશ ને ?’
તોયે ‘ચંદ્ર’ શાંત ન થયો એટલે તેને પંપાળીને રામલાલાએ કહ્યું,’ ધીરજ રાખ. આ વખતે મારા જન્મ વખતે સૂર્યનારાયણને દરશનનો લાભ આપ્યો છે. પણ, ભવિષ્યમાં હું જ્યારે ‘કૃષ્ણવતાર’ ધારણ કરીશ ત્યારે તને એકલાને જ હું દર્શન આપીશ કૃષ્ણવતારમાં હું રાત્રે બાર વાગે આવીશ (જન્મીશ) એટલે તને જ દર્શનનો લાભ મળશે.’ આ સાંભળી ચંદ્ર પ્રસન્ન થયો. મનોમન તે રામલાલાની જય બોલાવવા લાગ્યો. શ્રી રામચંદ્રકી જય…
રામ નામ પણ સરળ અને એમની લીલા પણ સરળ રામલાલાની ઉદારતા, દીનવત્સલતા અજોડ છે. રામ એટલે રામ.
ઐસા કો ઉદાર, જગમાંહી ?
બિન સેવા, જો દ્રવેદીનપર, રામ સરિસ કોઈ નાહી.
નિર્મળ, નિર્દોષ, રમ્ય, મધુર કલ્પનાસભર, રસપ્રદ આ પ્રસંગ હૃદયને પ્રસન્નતાથી ભરી દે છે.
‘બનાદાસ’ પ્રભુ હૈ કહાં ? મન કરિ દેખ વિચાર,
દયા, દાન, કરુણા જહાં, પ્રકટ દેખ કિરતાર
– લાભુભાઈ ર.પંડયા