માણસજાત એ જ સ્વાર્થી છે., જે મહાભારતમાં હતી એ જ કળિયુગમાં છે. – દેવલ શાસ્ત્રી.

Good Morning…

મહાભારતમાં એક વાર્તા છે, વિશ્વામિત્ર પાસે ગાલવ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે, અભ્યાસના અંતે તે ગુરૂદક્ષિણા માટે આગ્રહ કરે છે. વિશ્વામિત્ર ના પાડે છે પણ ગાલવની હઠ જોઇને ગુસ્સો આવે છે અને આઠસો અશ્વમેઘ ઘોડા લાવવા માટે કહે છે.
ગાલવ રખડે છે પણ ઘોડા મળતા નથી. અંતે દાનવીર રાજા યયાતિના આશ્રમમાં પહોંચે છે. યયાતિને ઉકેલ મળતો નથી, પોતાની પુત્રી માધવી યાદ આવે છે. માધવીને ગાલવને સોંપીને કહે છે, માધવીને અશ્વમેઘી રાજા પાસે છોડી દે જે. પુત્રીને આશીર્વાદ આપે છે તેના પેટે ચક્રવર્તી રાજા જન્મશે.
ગાલવને મહાન ઋષિ બનાવતી અને વચનપાલન માટે અદભૂત કહેવામાં આવેલી આ કથામાં માધવીની દુઃખ દાયી જિંદગી શરૂ થાય છે. તેને રાજા હર્યશ્વ, રાજા દીવોદાસ અને ઉશીનગર નરેશને સોંપીને તેમની પાસેથી છસો ઘોડા લેવામાં આવે છે. આ ત્રણેય રાજાઓને માધવી સંતાનો આપે છે. બાકી ઘોડા માટે માધવીને વિશ્વામિત્રને સોંપી દે છે. ગાલવની પ્રતિજ્ઞા પૂર્તિના વખાણ થાય છે. વિશ્વામિત્ર સંસ્કૃતિ અને સંસ્કારના વખાણ કરે છે.
ભિષ્મ સાહનીને માધવી સ્પર્શી ગઇ અને માધવીને કેન્દ્રમાં રાખીને એક અદભૂત નાટક લખ્યું.તેમણે માધવીના પાત્ર પાસે સ્ત્રીને સંપત્તિ ગણતા સમાજ પર આક્રોશ વ્યક્ત કર્યો.
પુત્રનો જન્મ થાય એને જે તે રાજાને સોંપી દેતા માધવી રડી પડતી, તો ગાલવ તેને નબળા મનવાળી સ્ત્રી કહેતો. માધવી કહેતી કે આ નબળા મનવાળી મહિલા ખસી જશે તો તારી હાલત ખરાબ થઈ જશે, તું જે કંઈ છે એ આ નબળા મનવાળીને લીધે છે.
રાજા દીવોદાસ પણ માધવીની મજાક કરતાં પૂછે કે તને પ્રેમ કરતાં આવડે છે?
માધવી ઘરે પરત ફરતા તેના પિતા સ્વયંવર રચે છે, જેમાં માધવીએ પેદા કરેલા સંતાન પણ આવે છે. ગાલવ ધીમે ધીમે માધવીના પ્રેમમાં પડે છે, માધવીને વરદાન હતું કે તે યુવાન થઈ શકે છે પણ તે જેવી હતી એવી જ રહેવા માંગે છે, થોડી વૃદ્ધ અને નિસ્તેજ… ગાલવ તેને સમજાવે છે અને લગ્ન કરવા કહે છે. માધવી આ દેખાવ સાથે સ્વીકાર કરવાની વાત કરે છે તો ગાલવ બદમાશી કરતાં કહે છે કે તું વિશ્વામિત્ર સાથે રહી હતી, મારી માતા સમાન કહેવાય…. જેના માટે ભોગ આપ્યો હતો એ ઋષિપદ માટે સ્ત્રીને મૂર્ખ બનાવે છે. અંતે માધવી સંસાર પરથી આસ્થા ગુમાવી સન્યસ્ત તરફ વધે છે…
કહાનીઓ આજે પણ આ જ છે, ફોર્મ્યુલા બદલાય છે. માણસજાત એ જ સ્વાર્થી છે., જે મહાભારતમાં હતી એ જ કળિયુગમાં છે…

Deval Shastri🌹