*કોણ છે એ શિક્ષક, જે બીમાર થતાં સમગ્ર શાળાના બાળકોના હૈયા ભારે રુદનથી ભરાઈ ગયા*
એબીએનએસ, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગૌશાણા ગામ ખાતે ધોરણ 1 થી 8 ની સુંદર વ્યવસ્થા સાથેની પ્રાથમિક શાળા ચાલે છે આ શાળાના શિક્ષિકા શ્રીમતી અંજનાબેન દલસુખ ભાઈ પરમાર કોઈ અગમ્ય કારણસર અચાનક શાળામાં જ સખત બીમાર થતાં બાળકો ધ્રુસકે ધ્રુસકે રડયા. શાળાના શિક્ષિકાના બીમાર થવાના કારણે બાળકો અને સમગ્ર શાળા શિક્ષણ પરિવાર ઓચિંતો ચિંતામાં પડી ગયો.
ગૌશાણા પ્રાથમિક શાળામાં નિષ્ઠા પૂર્વક અને પ્રામાણિકતાથી ફરજ બજાવતા શ્રીમતી અંજના બેન દલસુખભાઈ પરમાર સંગીત શિક્ષકે તરીકે સૌપ્રથમ ધાંગધ્રા તાલુકાના ગુજરવદી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યારબાદ તાલુકા ફેર બદલી માં તેમની બદલી પાટડી તાલુકા માં વધારે વસ્તી ધરાવતા વડગામ ખાતેની પ્રાથમિક શાળામાં વર્ષ 2008 માં થઈ હતી. વડગામ પ્રાથમિક શાળામાં તેમણે તેમના શિક્ષણના શ્રેષ્ઠતમ પ્રયાસો થકી સમગ્ર ગ્રામજનો, વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત શાળા પરિવાર સ્ટાફગણમાં અપ્રિતમ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી.
સરકારી નિયમ પ્રમાણે ફરી એક વખત તેમની વડગામ થી બદલી થતાં તેમની પાટડી તાલુકાના ગૌશાણા પ્રાથમિક શાળા ખાતે વર્ષ 2020 માં થતા તે ફરજ ઉપર હાજર થયા હતા તેમણે તેમના શિક્ષક તરીકેના એક આગવા અનુભવ અને ગુજરાત સરકારના શિક્ષણ સુધારણા અભિયાન થકી સમગ્ર ગૌશાણા ગામમાં ટૂંકા ગાળામાં આગવી ઓળખ ઊભી કરી છે.
સમસ્ત ગ્રામજનો, શાળા પરિવાર અને બાળકો માટે લોકપ્રિય થયેલા શિક્ષિકા શ્રીમતી અંજના પરમારને અચાનક છાતીમાં દુખાવો ઊભો થતા ગભરામણ થતાં બીમાર થઈ જતા સમગ્ર સ્ટાફ પરિવાર અને બાળકો પણ થોડી ક્ષણ ગભરાઈ ગયા હતા. શાળાના બાળકો ચોધાર આંસુએ રડવા માંડ્યા તો વળી કેટલાક બાળકોએ ગામમાં આવેલ રામાપીર મંદિર તો કેટલાક બાળકોએ ગામમાં આવેલ માતાજીના મંદિર ખાતેની તેમના બાળ સહજ માનસ મુજબ શાળાના શિક્ષક પ્રત્યેની લાગણીઓથી ભગવાન માતાજી ની બાધા માની લીધી કે આવતીકાલે અમારા શિક્ષિકા બેન શાળામાં આવવા જોઈએ.
જ્યારે બીજી તરફ શાળાના શિક્ષકોએ તાત્કાલિક અસરથી નજીકના બહુચરાજી ખાતે આવેલ એક પ્રાઇવેટમાં હોસ્પિટલમાં શ્રીમતી અંજના પરમારને લઈ જતા ત્યાં હાજર રહેલા ડોક્ટર અને સ્ટાફે સારવાર શરૂ કરી થોડી ક્ષણોમાં વિવિધ રિપોર્ટો બહાર આવ્યા ડોક્ટર એ કહ્યું ગભરાવાની ચિંતા નથી કોઈ હાર્ટ એટેક આવ્યો નથી કે કોઈ મોટી બીમારીના લક્ષણો દેખાતા નથી પરંતુ ક્યારેક દૈનિક જીવનમાં ભોજન સંબંધિત સમયના ફેરફાર થતા હોય ત્યારે શરીરમાં પૂરતા વિટામિનનો અભાવ સર્જાય છે તેવા સમયે ડાયજેસ્ટ પ્રોબ્લેમોના કારણે આવું થતું હોય છે. તાત્કાલિક આસર થી થયેલ તકલીફોના નિવારણ માટે દવા ઇન્જેક્શન આપ્યા અંતે રાહત થઈ. દવાખાને આવેલ શિક્ષકોએ પણ રાહતનો ઊંડો શ્વાસ લીધો.
હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટરની સલાહ મુજબ આરામની જરૂરિયાતો હોઈ શ્રીમતી અંજના પરમારના પરિવારના સભ્યોને ત્વરિત કરાયેલી જાણના કારણે બહુચરાજી ખાતે આવી ગયેલા તેમના કુટુંબીઓ સાથે દવા કરાવ્યા બાદ મહેસાણા ખાતે મોકલી આપ્યા.
શાળાના નિયત સમયના સમયે બીજા દિવસે શ્રીમતી અંજના પરમાર સ્કૂલમાં આવે છે બાળકો તેમને જોઈને દોડીને ભેટી પડે છે ભારે હૈયે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે બાળકોના રડવાથી અને કીકીયારીઓથી સમગ્ર શાળા પરિવારનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું .એક શિક્ષક પ્રત્યે માસુમ બાળકોની લાગણીઓ આજે તોકંઈક અલગ જ હતી.
ખૂબ જ ગમગીન વાતાવરણમાં એક દીકરી આગળ આવે છે અને કહે છે કે બહેન અમે તો માનતા રાખી છે તમારે અમારી સાથે માતાજીના મંદિરે આવવું પડશે ત્યાં જ બીજો બાળક કહે છે બહેન અમે પણ માનતા રાખી છે તમારે અમારી સાથે રામદેવપીરના મંદિરે આવવું પડશે અમે તમારા માટે માનતા રાખી હતી કે તમે આજે ફરીથી સ્વસ્થ બનીને શાળાએ આવો એટલે અમે અમારી માનતા પૂરી કરીશું.
સાચા અર્થમાં ભારતની ગ્રામ્ય સંસ્કૃતિ એ લાગણીઓથી ભરેલી છે એ કોઈ નાનેરા બાળકો હોય કે પછી મોટેરા વ્યક્તિ હોય ગ્રામ્ય સંસ્કૃતિમાં આજે પણ લાગણીઓનો ઘોડાપૂર અવરીત સચવાયેલા છે.
બાળકોની લાગણીઓથી ભારે હૈયે શિક્ષિકા બેન અંજનાબેન પરમાર ભાવવિભોર થઈ જાય છે તે પણ ચોધાર આંસુએ બાળકોની આ અપાર લાગણીઓને અને તેમની આંખોના આંસુઓને જોઈને રડી પડે છે. શાળાના શિક્ષકો પણ આ ઘટના ક્રમથી ભાવવિભોર થઈ જાય છે.
શાળાના અન્ય શિક્ષિકા બહેન અને શિક્ષકો શ્રીમતી અંજનાબેન પરમારને કહે છે કે બાળકો એ તમારા માટે માનતા રાખી છે તો આવો આપણે પણ તેમની તમારા માટેની જે શ્રદ્ધા છે ઈશ્વર માટે તેમણે તમારા માટે સ્વસ્થ સુખમય આરોગ્યની પ્રાર્થના કરી હતી તેને પરિપૂર્ણ કરવા માટે આપણે પણ બાળકો સાથે મંદિરે દર્શન કરવા જઈએ.
બધા જ બાળકો તેમના વહાલા શિક્ષિકા બહેન શ્રીમતી અંજના પરમારને લઈને મંદિરે જાય છે ત્યાં તેમની કાલી ઘેલી ભાષામાં પ્રાર્થના કરે છે અને તેમના લાંબા આયુષ્યની ઈશ્વરને વિનંતી કરે છે. ત્યાં જ અન્ય એક બહેન તેની બેબીને લઈને આવે છે કે અંજના બહેન ગઈકાલે તમે બીમાર થઈ ગયા મારી દીકરી ઘરે આવી અને રાત્રે પણ જમી નથી અને મને કહ્યું કે અમારા બહેન સાજા થઈ જશે પછી જ હું જમીશ લો બહેન તમે તમારા હાથે તેને જમાડો ત્યાં જ શ્રીમતી અંજના પરમારની આંખો મા ફરી એક વખત ચૌધાર આંસુ સરી પડે છે. ઉપર આકાશ સામે જોઈને શ્રીમતી અંજના પરમાર રડતી આંખે ભગવાનનો આભાર પ્રગટતા કરે છે કે સાચે જ ભગવાન તમે આ બધા બાળકોના કારણે આજે મને નવજીવન આપ્યું છે તેનો મને આનંદ છે.
સમગ્ર ઘટનાક્રમ સાચે જ ગુજરાત સરકારની કર્મચારીઓને જે કર્મયોગીની નીતિ છે તે અહીંયા શ્રીમતી અંજના પરમારના બાળકો સાથેના તાદાત્મયને જોઈને સાકાર થતી જોઈ શકાય છે
બાળકોને આમ તો સ્કૂલ માં જવું નથી ગમતું પરંતુ ગુજરાત સરકારની શાળા સુધારણા શિક્ષણનીતિની સાથે ગૌશાણા પ્રાથમિક શાળાના શિક્ષકોની વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણીના કારણે બાળકો રોજ સ્કૂલે આવવા માટે ઉત્સુકતા દર્શાવે છે. બાળકોને સ્કૂલ આવવા માટે વાલીઓને પણ ઉત્સુકતા રહે છે. જેને લઈને ગૌશાણા પ્રાથમિક શાળાનું શિક્ષણ પણ વધ્યું છે .