*ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ મંત્રી તેમજ રાજ્ય શિક્ષણની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ ઓન NEP-૨૦૨૦’ યોજાઈ*

*ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ મંત્રી તેમજ રાજ્ય શિક્ષણની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ ઓન NEP-૨૦૨૦’ યોજાઈ*

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયાસોના ભાગરૂપે ૩૪ વર્ષ બાદ, પાંચ વર્ષના વ્યાપક વિચાર-વિમર્શ તેમજ લાખો સૂચનો ઉપર લાંબા મંથન પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ને તૈયાર કરી અમલી બનાવવામાં આવી છે. આ નીતિની આજે દેશભરમાં વ્યાપક ચર્ચા ચાલી રહી છે. અલગ-અલગ ક્ષેત્રો-વર્ગ વિચારધારાના લોકો આ નીતિ અંગે પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમીક્ષા કરી રહ્યા છે. આ નીતિનો ચારે બાજુથી સ્વીકાર એ જ દર્શાવે છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના ૧૪૦ કરોડ લોકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે તેમ, ગાંધીનગર ખાતે વાઈસ ચાન્સેલર સમિટને સંબોધતા ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું. વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષસ્થાને તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાની ઉપસ્થિતિમાં એક દિવસીય ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ ઓન NEP-૨૦૨૦’ યોજાઈ હતી.

મંત્રી ઋષિકેશભાઈએ કહ્યું હતું કે, ભારતે વિકાશીલ દેશમાંથી વિકસિત દેશોની હરોળમાં સ્થાન મેળવવા માટે વૈશ્વિક કક્ષાની શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવી પડશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૧મી સદીના ભારતનો, એક નવા ભારતનો પાયો તૈયાર કરવાની છે. ૨૧મી સદીના ભારતને, આપણાં યુવાનોને જે રીતનું શિક્ષણ આપવું જોઈએ, જે પ્રકારના સંસ્કારની સાથે કૌશલ્ય પૂરાં પાડવા જોઈએ તે બાબતો ઉપર આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, યુનિવર્સિટીઓ અને તેની સંલગ્ન કોલેજો નવી શિક્ષણ નીતિ મુજબ પોતાની ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાની નીતિ-અભ્યાસક્રમ નક્કી કરશે તો ઈચ્છિત પરિણામ મેળવી શકાશે. નવી નીતિમાં માત્ર ઉચ્ય શિક્ષણ નહી પણ પ્રાથમિક શિક્ષણને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

આ નીતિના અમલમાં પડતી મુશ્કેલીઓ, પડકારો અને સમાધાનો માટે મુદ્દાસર પ્રયાસો કરવા પડશે છે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુખ્ય પાંચ પાયા પર રચાયેલી છે જેમાં એક્સેસ-બધાને તક, ઇક્વિટી-સમાનતા, એકાઉન્ટેબીલિટી-જવાબદેહિતા, એફોર્ડેબીલીટી-બધાને પોસાય તેવું શિક્ષણ તેમજ એકસેલન્સ-ઉત્કૃષ્ટતાનો સમાવેશ થાય છે.

આ નીતિમાં આપણને જે પહેલું લક્ષ્ય આપવામાં આવ્યું છે તે છે એક્સેસ. વધુમાં વધુ લોકોને ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક આપવી. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કોલેજો અને યુનિવર્સિટીઝમાં એનરોલ્મેન્ટ દર વધારવા વર્ષ : ૨૦૩૫ સુધી આપણો GER ૫૦ ટકા સુધી લઇ જવાનો છે, તે આ નીતીનું પહેલું લક્ષ્ય છે.અત્યારે આપણા દેશનો GER ૨૯ ટકા છે. આપણા રાજ્ય ગુજરાતનો GER પણ છે. હવે આપણે તેને ૫૦ % સુધી લઇ જવાનો છે. એટલે કે દસ વર્ષમાં GER ડબલ કરવાનો છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.

મંત્રીએ કુલપતિઓને આહ્વાન કરતા કહ્યું હતું કે, યુનિવર્સિટીમાં યોજાતા પદવીદાન સમારંભોમાં આસપાસની શાળાના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવા જોઈએ. જેથી તે શાળાનું નાનું બાળક મોટું સપનું જોઈ શકે . આપણો પદવીદાન તે બાળક માટે પ્રેરણાદાયક બની શકે.

મંત્રીએ ઉપસ્થિત તમામ વાઇસ ચાન્સેલર્સને મહત્વની કામગીરી સોંપતા કહ્યું કે, યુનિવર્સિટી પોતાનો ગોલ નક્કી કરે અને વર્ષ દરમિયાન તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે. આવતી મીટીંગમાં આવો ત્યારે તમારી યુનિવર્સિટીનો હાલનો GER અને તેને વધારવા માટે તમે આવતા પાંચ વર્ષમાં શું-શું કરવાના છો તેની નક્કર વિગતો- પરફેક્ટ પ્લાનિંગ લઈને આવશો તે રોડમેપ તૈયાર કરો. મંત્રીએ કહ્યું હતું કે, હવે નવી નીતિમાં તો મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝીટની વાત છે. નવી નીતિમાં તો મલ્ટીડીસીપ્લીનરી શિક્ષણની વાત છે. નવી નીતિમાં તો ભારતીય જ્ઞાન પરંપરાની વાત છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે AI (Artificial Techonolgy) જેવી ટેક્નોલોજી, જે ગઈકાલ સુધી વિજ્ઞાન સાહિત્યમાં હતી, તે હવે આપણા જીવનનો એક ભાગ બની રહી છે. રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજી આપણા દરવાજા પર ખટખટાવી રહી છે. તેથી, આપણે જૂના વિચારોમાંથી બહાર નીકળીને નવા ક્ષેત્રોમાં વિચારવું પડશે.

મંત્રી કહ્યું હતું કે, દેશનું ટેલેન્ટ આજે વિદેશોમાં જઈને તેની આગવી ઓળખ ઉભી કરી છે. વૈશ્વિક કક્ષાની આઈ.ટી. કંપનીઓ ભારતીય વિદ્યાર્થીઓનો દબદબો છે. ભારતનું આ ટેલેન્ટ ભારતના વિકાસમાં કાર્યરત રહીને દેશને વિકસિત દેશોની હરોળમાં સ્થાન અપાવે તે માટે આપણે સૌએ વિશેષ પ્રયાસો કરવા પડશે તો જ નવી શિક્ષણ નીતિનો હેતુ સર થશે. હાલમાં દર વર્ષે ભારતના ૮ લાખ યુવાનો વિદેશ ભણવા માટે જાય છે અને બહારથી માત્ર ૪૫ હજાર વિદ્યાર્થીઓ દર વર્ષે ભારતમાં ભણવા આવે છે. આ સ્થિતિને જોતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિશ્વની ટોપ ૧૦૦ રેન્ક ધરાવતી યુનિવર્સિટીઓને તેમના કેમ્પસ ભારતમાં સ્થાપવા માટે આમંત્રિત કરવાની વાત કરી છે. જે સ્વાગત યોગ્ય છે. આ નીતિ ભારતના યુવાનને ૨૧મી સદીના જરૂરી કૌશલ્યો સાથે અર્જુન જેવો ઓજસ્વી, નચિકેતા જેવો નીડર અને એકલવ્ય જેવો જ્ઞાન પિપાસુ બનાવવાનું લક્ષ્ય રાખે છે. આ લક્ષ્ય જરાય સહેલું નથી તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ્લભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, NEP-૨૦૨૦ અમલીકરણ એ વિકસિત ભારતના વિકાસ પથનો પાયો છે. પૂર્ણ વિકસિત ભારત ૨૦૪૭ના નિર્માણમાં આજે વાઈસ ચાન્સેલર સમિત NEP-૨૦૨૦માં યુનિવર્સિટીઓએ કોઈ પણ વિદ્યાર્થીઓને ડીગ્રી આપતું શિક્ષણ નહિ પરંતુ તેના જીવનમાં કારકિર્દી ઘડતું શિક્ષણ આપવું જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે ગુજરાત સમગ્ર દેશમાં NEP-૨૦૨૦ના અમલીકરણમાં સમગ્ર દેશમાં આગળ વધી રહ્યો છે.

વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, જામનગરમાં UNO અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સંસ્થા સાથે મળીને આપણી આયુર્વેદિક અને એલોપેથી પદ્ધતિ દ્વારા દુનિયાને નવું શું આપી શકીએ તે અંગે શોધ થઇ રહી છે.

ટેકનિકલ શિક્ષણ કમિશનર બંછાનિધી પાનીએ ગાંધીનગર ખાતે આયોજિત ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ’ના અંગે જણાવ્યું હતું કે, NEP-2020માં મલ્ટિપલ એન્ટ્રી અને એકઝિટ વિશે કુલપતિઓ સાથે સંવાદ સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે. એકેડેમિક બેન્ક ક્રેડિટ-ABCમાં ગુજરાતે ૪ લાખ આઈ ડી ક્રિએટ કર્યા છે જે નોંધનીય છે.GTU દ્વારા ટોયટો સાથે કરાર કરીને વિદ્યાર્થીઓને તાલીમની સાથે રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે .

આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ્લભાઈ પાનશેરિયાના હસ્તે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક ૨૦૨૩-૨૪ હેઠળ ફાઈવ સ્ટાર પ્લસ અને ફાઈવ સ્ટારનું રેટિંગ પ્રાપ્ત ગુજરાતની ટોપ ૧૬ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા .

i-Hub અને AICTE શૈક્ષણિક ક્ષેત્રમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા સંયુક્તપણે પ્રયાસના ભાગરૂપે GKS વિદ્યાર્થીઓને આવશ્યક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ગ્રીન સ્કિલ્સથી સજ્જ કરવા એડયુનેટ ફાઉન્ડેશન સાથે એક MoU પર કરવામાં આવ્યા હતા.

આ સમિટમાં ઉચ્ચ શિક્ષણ નિયામક ગુરવ દિનેશ રમેશે સ્વાગત પ્રવચન તેમજ ઉચ્ચ શિક્ષણ અધિક કમિશનર વી.સી.બોડાણાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, દિલ્હીના રાષ્ટ્રીય સચિવ અતુલ કોઠારી તેમજ ગુજરાતની સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલર અને પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *