*અંબાજી ખાતે ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો*
અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૨૦૨૪ અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે. આજે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુ માઇભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મા અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે. જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ્રના ચેરમેન મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઇભકતોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કૅમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોચાડતા પત્રકારો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં તમામ સેવા કેમ્પોના આયોજકો, જિલ્લા માહિતી કચેરી પાલનપુર ટીમ અને પત્રકારો ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
વહીવટી તંત્ર અને સેવા કૅમ્પો ના આયોજકો ના સંકલનથી માઈ ભક્તોની તમામ સુવિધાઓ સચવાઈ હતી. જ્યારે મેળાના પ્રસાર પ્રચારની કામગીરી પત્રકારોએ સુપેરે નિભાવી હતી. આ પ્રસંગે ભાદરવી પૂનમના મેળાનું સતત કવરેજ આપતા અંબાજીના પત્રકારો લક્ષ્મણ ઠાકોર, દેવેન્દ્ર પ્રજાપતિ, શક્તિસિંહ રાજપૂત, ઉમેશ ઠાકોર, પિયુષ પ્રજાપતિ ઉપરાંત અમદાવાદથી અંબાજી ખાતે મેળાના પ્રારંભ થી અંત સુધી સતત કવરેજ આપેલ એકમાત્ર પત્રકાર સંજીવ કુમાર રાજપૂતનું સહિત જિલ્લાના અન્ય પત્રકારોનું જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
પત્રકારોએ સમગ્ર મેળાને ઘર ઘર સુધી અને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી અનન્ય સેવા કરી છે. મેળાના જીવંત પ્રસારણ દ્વારા લોકોને ઘરે બેઠાં મેળાની અનુભૂતિની કરાવી છે. વહીવટીતંત્રનું ધ્યાન દોરી વ્યવસ્થામાં સહયોગ આપ્યો છે. માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. આપ સૌની સેવા ભાવનાને બિરદાવીન જીલ્લા કલેક્ટરે હૃદય પૂર્વક આભાર માન્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે અને જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા, મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી, નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ, સેવા કેમ્પોના આયોજકો, જિલ્લા માહિતી કચેરી સ્ટાફ અને જિલ્લાના ઇલેક્ટ્રોનિક/ પ્રિન્ટ મીડિયાના તંત્રીઓ અને અંબાજીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.