*ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેતા સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ*

*ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેતા સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ*

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ચેઓંગ મિંગ ફૂંગ- Cheong Ming Foong અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી.

ભારત સરકારના નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા ગુજરાતમાં યોજાઇ રહેલી ૪થી આર.ઇ. ઇન્વેસ્ટ સમીટમાં સહભાગી થવા તેઓ ગુજરાત આવેલા છે.

 

મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે રિન્યુએબલ એનર્જી સમિટની સફળતા માટે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

 

સિંગાપોરના કોન્સ્યુલ જનરલએ ગુજરાત સાથે આર્થિક અને રીન્યુએબલ એનર્જી, અર્બન ડેવલોપમેન્ટ તથા સેમીકોન સેક્ટરમાં સહભાગીતાની ઉત્સુકતા દર્શાવી હતી.

 

તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું કે, ગુજરાતમાં સેમિકન્ડક્ટર માટેની એક સારી ઇકોસિસ્ટમની ક્ષમતા છે. એટલું જ નહીં, સિંગાપોરની પ્રતિષ્ઠિત સેમિકોન કંપનીઝના પ્લાન્ટ માટે રાજ્ય સરકારનો અભિગમ પણ પ્રોત્સાહક છે.

 

એનર્જી સેક્ટરમાં ગુજરાત ઓફશોર વિન્ડ એન્ડ સોલાર એનર્જીમાં મહત્વપૂર્ણ લોકેશન છે તેની પણ તેમણે સરાહના કરી હતી.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં સિંગાપોર ગુજરાત વચ્ચે સ્માર્ટ સિટીઝ, અર્બન ડેવલપમેન્ટ, સેમિકોન અને રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણો તથા સબંધો વધુ સુદ્રઢ બનાવવા પરસ્પર વાતચીત-ડાયલોગની પ્રખર હિમાયત કરી હતી.

 

આ મુલાકાત બેઠક દરમિયાન સિંગાપોર ગુજરાત વચ્ચે સિંગાપોર એરલાઇન્સની વધુ સેવાઓ વિકસાવવા અંગેની માહિતી પણ શ્રીયુત ચેઓંગ ફૂંગે આપી હતી.

 

મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવશ્રીઓ પંકજ જોશી, એમ. કે. દાસ, તેમજ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર આ મુલાકાત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

……..