*ગુજરાતના સંરક્ષણ PRO અને MoDના પ્રવક્તા ગ્રૂપ કેપ્ટન એન. મનિષ વિશિષ્ટ સેવા બાદ ભારતીય વાયુસેનામાંથી નિવૃત્ત થયા*

*ગુજરાતના સંરક્ષણ PRO અને MoDના પ્રવક્તા ગ્રૂપ કેપ્ટન એન. મનિષ વિશિષ્ટ સેવા બાદ ભારતીય વાયુસેનામાંથી નિવૃત્ત થયા*

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતના સંરક્ષણ જનસંપર્ક અધિકારી (PRO) અને સંરક્ષણ મંત્રાલય (MoD)ના પ્રવક્તા ગ્રૂપ કેપ્ટન એન. મનીષ 26 વર્ષ કરતાં વધુ સમયની વિશિષ્ટ કારકિર્દીમાં સેવા આપ્યા પછી નેતૃત્વ અને શ્રેષ્ઠતાનો વારસો છોડીને 15 જુલાઈ 2024ના રોજ સેવામાંથી નિવૃત્ત થયા છે.

 

આ અધિકારીનો જન્મ દિલ્હીમાં થયો હતો અને પોતાના શાળાકીય અભ્યાસ પછી, તેઓ પુણેના ખડકવાસલા ખાતેની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમીમાં જોડાવા માટે પસંદગી પામ્યા હતા. તેમણે એરફોર્સ એકેડેમીમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા પછી, તેમને 20 ડિસેમ્બર 1997ના રોજ ભારતીય વાયુસેનાની ફાઇટર સ્ટ્રીમમાં તેમને નિયુક્તિ આપવામાં આવી હતી. તેમના સેવાકાળ દરમિયાન, તેમણે મીગ-21 ટાઇપ-75, મીગ-21 ટાઇપ-77, ISKARA, KIRAN, HPT-32 અને કેનબેરા ફાઇટર/બોમ્બરના વિવિધ વેરિઅન્ટ્સ જેવા એરક્રાફ્ટ્સ ઉડાડ્યા છે. આ અધિકારી આકાશ, MRSAM અને રશિયન મૂળની પેચોરા મિસાઇલ સિસ્ટમ્સ જેવા વિવિધ પ્રકારના સરફેસ-ટુ-એર ગાઇડેડ હથિયારો પર પણ ક્વોલિફાઇ થયેલા છે.

 

ગ્રૂપ કેપ્ટન મનીષ 2016 થી 2018 દરમિયાન IAFમાં સૌથી મોટા કોમ્બેટ સ્ક્વૉડ્રનમાંથી એકની કમાન્ડ પર સેવા આપી ચુક્યા છે. તેમણે અત્યંત પ્રતિષ્ઠિત ઇન્ટેલિજન્સ નિદેશાલયમાં દિલ્હીમાં એર હેડક્વાર્ટર સંયુક્ત નિદેશક તરીકે પણ સેવા આપી છે. આ કાર્યકાળના ભાગ રૂપે, તેમણે મધ્ય યુરોપ (ચેક રિપબ્લિક) અને થાઇલેન્ડની સત્તાવાર વિદેશ યાત્રાઓ કરી હતી અને ત્યાં વિશ્વના અન્ય સશસ્ત્ર દળોની સમૃદ્ધ ઓપરેશનલ આંતરસૂઝ મેળવી હતી.

 

સ્વૈચ્છિક નિવૃત્તિ પહેલાંના પોતાના છેલ્લા કાર્યકાળમાં આ અધિકારીની ગુજરાત રાજ્ય અને દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી આ બંને સંલગ્ન કેન્દ્રશાસિત પ્રદેશો માટે સંરક્ષણ PRO અને સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા તરીકેની અત્યંત મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી હતી.

 

ગુજરાતના સંરક્ષણ PRO તરીકે, આ અધિકારીએ ગાંધીનગરમાં ‘ડિફેન્સ એક્સ્પો-2022’ની 12મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું જેમાં 1000 કરતાં વધારે ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંરક્ષણ કંપનીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું અને 450 કરતાં વધુ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. બેંગલુરુમાં યોજવામાં આવેલા એરો ઇન્ડિયા-2023ના સુચારુ સંચાલનમાં પણ તેમણે ભૂમિકા નિભાવી હતી.

 

ભારતે ડિસેમ્બર-2022માં G-20ની અધ્યક્ષતા સંભાળ્યા બાદ આ અધિકારીએ જાપાનમાં વીર ગાર્ડિયન નામની પ્રથમ આંતરરાષ્ટ્રીય કવાયતમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જે દરમિયાન બંને દેશો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. આ અધિકારીના સમર્પિત પ્રયત્નોના પરિણામ સ્વરૂપે, આ કવાયતે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું વ્યાપક ધ્યાન ખેંચ્યું હતું અને પ્રસિદ્ધિ મેળવી હતી.

 

અધિકારીના ગૌરવપૂર્ણ માતાપિતા, શ્રી એસ. નાગરાજન અને શ્રીમતી જાનકી નાગરાજને તેમના બંને પુત્રોને રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યા છે. તેમના નાના પુત્ર કમાન્ડર એન. નિશાંત ભારતીય નૌકાદળમાં અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે અને દિલ્હીમાં નૌકાદળના હેડક્વાર્ટરમાં નિયુક્ત છે. શ્રીમતી જાનકી નાગરાજને દિલ્હીમાં એર હેડક્વાર્ટરમાં સંરક્ષણ નાગરિક તરીકે અને શ્રી નાગરાજને કેબિનેટ સચિવાલયમાં પણ સેવા આપી હતી.

 

ગ્રૂપ કેપ્ટનના લગ્ન જાનકી મનીષ સાથે થયા છે અને 23 વર્ષ કરતાં વધુ સમયથી તેઓ દાંપત્યજીવનમાં છે. શ્રીમતી જાનકી મનીષે જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને તે સર્ટિફાઇડ લાઇફ કોચ છે. આ દંપતીને સંતાનમાં એક દીકરી મીનાક્ષી મનીષ જે તેના 5-વર્ષના ઇન્ટિગ્રેટેડ લૉ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી છે અને એક દીકરો સૂર્ય મનીષ જે ગાંધીનગરમાં દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે.