*’એક પેડ મા કે નામ’ : રાજ્યપાલના પૌત્ર આર્યમાને દાદીમા અને દાદાજી સાથે વૃક્ષારોપણ કર્યું*

*’એક પેડ મા કે નામ’ : રાજ્યપાલના પૌત્ર આર્યમાને દાદીમા અને દાદાજી સાથે વૃક્ષારોપણ કર્યું*

 

ગાંધીનગર, સંજીવ રાજપૂત; રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી સાથે રાજભવનના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી થતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પૌત્ર આર્યમાને પણ દાદીમાં અને દાદાજી સાથે વૃક્ષારોપણ કર્યું હતું.

 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પરિવારજનો સાથે પ્રાંગણમાં વૈદકશાસ્ત્ર અને આયુર્વેદમાં વિશેષ મહત્વના એવા બીલી ( Aegle marmelos) અને બહેડા ( Terminalia bellirica) ના વૃક્ષ વાવ્યા હતા. રવિવારે સાંજે વરસતા વરસાદમાં વૃક્ષારોપણ કરીને તેમણે દરેક નાગરિકને ઘર આંગણે પરિવારજનો સાથે વૃક્ષ વાવીને તેનું જતન કરવાની અપીલ કરી હતી.

 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આપણા સૌના જીવનમાં માનું વિશેષ મહત્વ છે, કારણ કે મા આપણું પાલન-પોષણ કરે છે. ધરતી મા પણ આપણી જન્મદાત્રી મા જેટલું જ આપણું પોષણ કરે છે. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન માટે વૃક્ષારોપણ કરીએ. ધરતી મા ને રસાયણમુક્ત અને પ્રદૂષણમુક્ત બનાવીએ.  રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સનો બેફામ ઉપયોગ બંધ કરીને આપણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીએ એ વર્તમાન સમયની તીવ્ર માંગ છે.

 

વરસાદની આ મોસમમાં પ્રત્યેક વ્યક્તિ વૃક્ષ વાવે, એટલું જ નહીં તેનું જતન-સંવર્ધન કરે એ જરૂરી છે. ધરતીમા નું ઋણ ચૂકવવા વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી જેવા પ્રયાસોને પ્રત્યેક વ્યક્તિએ પ્રોત્સાહન આપવું જોઈએ.

—————