*અધ્યાપન કરતાં અધ્યયનની પ્રેરણા…*

*અધ્યાપન કરતાં અધ્યયનની પ્રેરણા…*

 

શિક્ષક અને વિદ્યાર્થી અન્યોન્ય શિક્ષક હોય છે, જેમ અન્યોન્ય મિત્ર એક બીજાનાં મિત્ર હોય છે, બે ભાઈ એકબીજાનાં ભાઈ હોય છે, તેમ શિક્ષક ને વિદ્યાર્થી એકબીજાનાં શિક્ષક હોય છે. આપણે કોઈને શીખવી રહ્યા છીએ, તે વિચાર જ છોડી દેવો જોઈએ. જે કંઈ શીખવાય છે અને શીખાય છે, તે સહજ ભાવે થતું રહે છે. શિક્ષક પોતે શિક્ષણનું કેન્દ્ર છે અને તેની સમીપ રહેવાથી શિક્ષણ મળતું રહે છે.

વળી, શિક્ષક કાંઈ નવું નથી કરતા. પોતે નિમિત્ત માત્ર બને છે, એમ તેમણે માનવું. વિદ્યાર્થીને જ્ઞાન શિક્ષક નથી આપતા, જ્ઞાન તો વિદ્યાર્થીનાં દિમાગમાં ભર્યું જ છે. શિક્ષક તે જ્ઞાનને પ્રગટ કરવામાં મદદગાર થાય છે. શિક્ષકે વિદ્યાર્થીમાં જ્ઞાન ભરવાનું નથી, તેમણે એનામાં જ્ઞાન માટેની પિપાસા પેદા કરવાની છે, જ્ઞાન મેળવવાની શક્તિ ઊભી કરવાની છે. બાકી તો વિદ્યાર્થી પોતે જ શીખતો હોય છે.