*ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઢોરવાડાઓ અને દબાણો દુર કરાયા*
ગાંધીનગર, સંજીવ રાજપૂત:
ગાંધીનગર શહેરમાં ઘણા સમયથી ગેરકાયદેસર રીતે દબાણ કરીને ઢોરવાડા ઊભા કરનારા ઇસમો સામે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજ રોજ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા સીએનસીડી શાખા દ્વારા ડ્રાઇવ ચલાવી સરકારી જમીન પર થયેલા ઢોરવાડાના દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૦૬ ઢોરવાડા અને અંદાજે ૬૫ જેટલા પશુઓને હટાવવામાં આવ્યા તેમજ ૨૩,૦૦૦ ચો.મી જેટલી સરકારી જગ્યા ખાલી કરાવેલ છે. જેમાં સેક્ટર ૨૬ ન્યુ (ચેહરનગર) માંથી ૦૬ ઢોરવાડા અને અંદાજે ૬૫ જેટલા પશુઓ હટાવવામાં આવ્યા હતા. આ ઢોરવાડાઓ દુર કરવામાં આવતા શહેરીજનોને ગંદકી અને ઢોરના ત્રાસથી મુક્ત કરવામાં અસરકારતા જોવા મળી છે અને કેટલાક પશુ માલિકો ઢોર-ઢાંખર સાથે અન્ય વિસ્તારમાં સ્થળાંતરીત થયા છે.
આ સમગ્ર ઝુંબેશ દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકાની સીએનસીડી શાખા તથા એસ્ટેટ શાખાની બે-બે ટીમ, એસઆરપીએફના હથિયારધારી જવાનો, લેડીઝ અને જેન્ટ્સ કોન્સ્ટેબલ સહિત એક પીસીઆર વાન, વિડિયો રેકોર્ડિંગ માટે કેમેરા પર્સન, જેસીબી તથા જરૂરી અન્ય મશીનરી સાથે કામગીરી કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.