*અમદાવાદ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન વેગવંતુ બનાવવા માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળી બેઠક*
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યભરમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન વધુ વ્યાપક બનાવવામાં આવનાર છે. અમદાવાદ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન વેગવંતુ બનાવવા માટે કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને બેઠક મળી. જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે સહિત જાહેર વહીવટી તંત્રના પદાધિકારીઓ અને અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લામાં જાહેર સ્થળો, સરકારી કચેરીઓ, ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં સફાઈ અભિયાન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંબંધિત તમામ અધિકારીઓ સાથે જીલ્લા/તાલુકા/ગ્રામ્યકક્ષાએ સફાઇ કામગીરીનું અસરકારક મોનીટરીંગ થાય તથા સફાઇ કામગીરીમાં મહત્તમ જનભાગીદારી સુનિશ્ચિત થાય તે બાબતે હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ અભિયાનમાં જિલ્લા/તાલુકા/રાજ્ય કક્ષાના પદાધિકારીઓ, સ્થાનીક સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, સખી મંડળો, એન.સી.સી, એન.એસ.એસ,આર.ડબ્લ્યુ.એ, વિવિધ એસોસિયેશન સહિત એન.જી.ઓ જેવી સંસ્થાઓ સહભાગી થાય તે માટે સૂચનો પૂરા પાડવામાં આવ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાહેર વહીવટી તંત્ર દ્વારા આગામી બે મહિના દરમિયાન દર સપ્તાહે ગ્રામ્ય તથા શહેરના તમામ વિસ્તારોમાં જેવા કે, બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન વિસ્તાર, મંદિર, બાગ બગીચા, ટુરિસ્ટ પ્લેસ,રોડ જંકશન વગેરે તમામ જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ઘર થી લઇ માર્કેટ સુઘી ઉત્પન્ન થતા કચરાનું તે જ દિવસે ડમ્પ સાઈટ ઉપર યોગ્ય નિકાલ કરાય તે માટેના આયોજનો હાથ ધરવામાં આવનાર છે. જિલ્લાના તમામ તાલુકાઓ અને શહેરી વિસ્તારમાં અલગ અલગ સ્થળો નક્કી કરીને આયોજનપૂર્વક સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે.