ભરૂચ જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૫૫૦ રેશનકીટનું વિતરણ
જિલ્લા પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાઉન્ડ ધ કલૉક સહાયની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મનિષ કંસારા દ્વારા
ભરૂચ: ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા પૂરનાં કારણે ભરૂચ અને અંક્લેશ્વર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લા પ્રશાસનની ભારે જહેમત બાદ આ તમામ વિસ્તારોમાંથી પૂરનાં પણીનો નિકાલ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં આ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં કાદવ-કીચડની સફાઈ કામગીરી પણ કરવામાં આવી છે.
જ્યાં વધુ કાદવ-કીચડ થયો હતો એવા વિસ્તારોમાં વૉટર બ્રાઉઝર થી સફાઈ કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક સહાયની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા પ્રશાસન દ્વારા તથા સ્વૈચ્છિક સેવા તરફથી સંસ્થાઓનાં સહયોગથી ભરૂચ અને અંક્લેશ્વર શહેરમાં રાશન કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું છે. અંક્લેશ્વરમાં ૧૬૦૦ રેશનકીટ અને ભરૂચ શહેરમાં ૧૦૦૦ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ૯૫૦ સહિત કુલ ૩૫૫૦ રેશનકીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત પૂર અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાભાવી સંસ્થાઓનાં સહયોગથી અસરગ્રસ્તોને ૧૫૦૦ જેટલી સાડીઓનું વિતરણ કરવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રેશનકીટમાં પાંચ કિલો ઘઉં નો લોટ, બે કિલો ચોખા, એક કિલો તુવેરદાળ, એક કિલો મીઠું, એક કિલો તેલ, ૨ કિલો બટાકા,એક કિલો ડુંગળી, ૧૦૦ ગ્રામ મરચુ અને ૧૦૦ ગ્રામ હળદર સાથે તૈયાર કરવામાં આવી છે.