*પોતાના બાળપણમાં ભણતા ઘરશાળાની મુલાકાત લેતા રાજ્ય શિક્ષણમંત્રી* 

*પોતાના બાળપણમાં ભણતા ઘરશાળાની મુલાકાત લેતા રાજ્ય શિક્ષણમંત્રી*

 

જીએનએ ભાવનગર: રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તેમના ભાવનગર શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિરની મુલાકાત લીધી.

શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાનાં વિકાસમાં પૂજ્ય ગુરુજનો, મહાનુભાવો, શ્રેષ્ઠીઓ અને સાહિત્યકારોએ પોતાનું યોગદાન આપીને સંસ્થાને સમગ્ર વિશ્વમાં આગવી પ્રસિદ્ધિ અપાવી છે, ત્યારે આ તકે માન. રાજ્ય શિક્ષણ મંત્રીશ્રીએ સંસ્થાના ઉત્તમ શૈક્ષણિક પ્રવૃતિઓને બિરદાવી હતી.

 

રાજ્ય શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, મારા બાળ ઘડતરમાં શાળાઓમાં મળેલા સંસ્કારનો મોટો ફાળો રહ્યો છે. જે શાળામાં બાળપણમાં ભણ્યા હોઈએ ત્યાં વર્ષો પછી ફરી જવાનું થાય ત્યારે તેનો આનંદ અવર્ણીય હોય છે. ભાવનગર જિલ્લાના શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત ઘરશાળામાં જઈને ભૂતકાળ જાણે કે ફરી જીવંત થઈ ગયો. આ શાળામાં અભ્યાસ દરમિયાન કરેલ વિવિધ સામાજિક પ્રવૃતિઓ અને સેવાકીય કાર્યોની યાદો તાજી થઈ.

 

મુલાકાત દરમ્યાન મારા પૂજ્ય ગુરૂજનો અને આચાર્યશ્રીને મળી સન્માન કરી જૂની યાદો તાજા કરવાનો અવસર મળ્યો. સહાધ્યાયી મિત્રોને મળીને જુના સંસ્મરણો વાગોળયા હતા, શાળા પરિવાર સાથે વાર્તાલાપ કરવાનો અનુભવ પણ ખુબજ ભાવપૂર્ણ રહ્યો. શાળામાં ભણાવતા શિક્ષકોને જીવનના ઘડતર અંગે તેમજ વિદ્યાર્થીઓ પ્રત્યે કઈ રીતે વર્તન કરી શકાય તેં અંગે સમજણ આપી.

 

જનકલ્યાણ અને રાજ્યની સેવા કરવાનું દાયિત્વ શ્રેષ્ઠ રીતે નિષ્ઠાપૂર્વક નિભાવી શકું તેવા સંસ્કાર ઘડતર બદલ હું આ ઘરશાળા સંસ્થાનો સદાય ઋણી રહીશ તેવું જણાવ્યું હતું.