*જામનગરના ધ્રોલ ખાતે કૃષિમંત્રીના અધ્યક્ષ સ્થાને 74માં વન મહોત્સવની ઉજવણી કરાઈ*

*જામનગરના ધ્રોલ ખાતે કૃષિમંત્રીના અધ્યક્ષ સ્થાને 74માં વન મહોત્સવની ઉજવણી કરાઈ*

જીએનએ જામનગર; કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના 74 માં વન મહોત્સવની ધ્રોલ ખાતે ઉજવણી કરાઈ હતી.જેમાં મંત્રી સહિત સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી વન મહોત્સવની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વૃક્ષો એ ઓક્સિજન માટેનાં કુદરતે બનાવેલાં કારખાના છે.અને માટે જ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સઘન વૃક્ષારોપણને પ્રાધાન્ય આપી વન મહોત્સવ જેવાં ઉત્સવોનો સમગ્ર રાજ્યમાં પ્રારંભ કરાવી જન જન ને આ અભિયાનમાં જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.દ્વારકા, ભુચરમોરી, નાગેશ્વર, પાવાગઢ વગેરે સ્થળોએ 25 જેટલાં સાંસ્કૃતિક વનો સરકારે ઉભા કર્યા છે તો 75 જેટલાં વડ વનનું નિર્માણ કરી રાજ્યના ભવિષ્યની ચિંતા કરી છે.સરકાર વર્ષોથી વન મહોત્સવ ઉજવી લોકોને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત કરવાનું કામ કરી રહી છે.ત્યારે આપણે પણ પોતાની નૈતિક જવાબદારી સમજી સઘન વૃક્ષારોપણ કરી આવનારી પેઢીને ઉજ્જવળ ભવિષ્ય આપવાની પહેલ કરવી જોઈએ.ફળ, ફૂલ, બળતણ, ઔષધિઓ આપતાં આ ઋષિતુલ્ય વૃક્ષોનું વાવેતર અને જતન કરી એક સુવર્ણ ભવિષ્યના નિર્માણમાં સહભાગી થવા તેઓએ ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે હવે અસંતુલિત પર્યાવરણને કારણે ગ્લોબલ વોર્મિંગ ભૂતકાળ બન્યું છે અને ગ્લોબલ બોઇલિંગ તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે.ત્યારે આ વિકટ સ્થિતિને પહોંચી વળવાનો એકમાત્ર ઉપાય વૃક્ષારોપણ છે.સાંસદએ આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વૃક્ષારોપણના વારસાને આગળ લઈ જવા અને માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ તેનું જતન કરી ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સૌને અનુરોધ કર્યો હતો.

 

આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.તેમજ કાર્યક્રમમાં વૃક્ષારોપણ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર નાગરિકો તથા કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.જ્યારે મદદનીશ વન સંરક્ષક હર્ષાબેને શાબ્દીક સ્વાગત વડે સૌ મહાનુભાવોને આવકાર્યા હતા તો કાર્યક્રમની આભારવિધિ આર.એફ.ઓ. શ્રી સોરઠીયાએ કરી હતી.

 

કાર્યક્રમમાં ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ગીતાબા જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન લગધીરસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નાયબ વન સંરક્ષક ધનપાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી, પ્રાંત અધિકારી વિજય વર્ગીય, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, સમીરભાઈ સુકલ, પી. ડી. કરમુર, ડો.અશોકસિંહ જાડેજા, નવલભાઈ મૂંગરા, ભરતભાઇ દલસાણીયા તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.