રવિવારે કચ્છ ભાજપ દ્વારા ગાંધીધામમાં વિરાટ જનસભા

રવિવારે કચ્છ ભાજપ દ્વારા ગાંધીધામમાં વિરાટ જનસભા

સમગ્ર ભારતવર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના યશસ્વી નવ વર્ષની ઉજવણીના ભાગરૂપે સાર્વત્રિક ધોરણે વિશેષ જનસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આગામી તા. 2જી જુલાઈ રવિવારે ગાંધીધામ શહેરમાં ડીપીટી ગ્રાઉન્ડ ખાતે એક વિરાટ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને સંબોધવા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલ કચ્છ આવી રહ્યા છે. પ્રમુખ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ અને સી. આર. પાટિલની ઉપસ્થિતિમાં કચ્છની ધરતી પર યોજાઈ રહેલી આ મહા જનસભાને સફળ બનાવવા તેમજ તૈયારીઓમાં કોઈ પણ પ્રકારની અપૂર્ણતાના રહે તેની સંપૂર્ણ તકેદારી સાથે જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે તમામ મંડળમાંથી ઉપસ્થિત અપેક્ષિત શ્રેણીના કાર્યકરો સાથે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ બેઠકને સંબોધતા પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મોદીજીના માર્ગદર્શન હેઠળ 156 બેઠકો જીતીને શ્રી પાટિલે અભૂતપૂર્વ ઈતિહાસ રચ્યો છે. જેમના નેજા હેઠળ સમગ્ર ગુજરાત ભાજપનું સંગઠન અનેરી ઊર્જા અને જોશ સાથે સંગઠિત થઈને પાર્ટીની વાત અને વિચારને ગૌરવભેર જન જન સુધી પહોંચાડી રહ્યા છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, કાર્યકરોને સંબોધવા કચ્છ આવી રહેલા સી. આર. પાટિલને આવકારવા કચ્છ જિલ્લા ભાજપ સંપૂર્ણ સજ્જ છે. આ બેઠકમાં આ ઉપસ્થિત જિલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી તેમજ ત્રિકમભાઈ છાંગાએ પણ ગાંધીધામ ખાતે યોજાઈ રહેલી જનસભા અંગે ઉપસ્થિતોને સુચનો-માર્ગદર્શન આપ્યું હતું. આ સમીક્ષા બેઠકનું સંચાલન અને આભારવિધિ જિલ્લા ભાજપ મહામંત્રીઓ વલમજીભાઈ હુંબલ અને શીતલભાઈ શાહે કર્યા હતા. આ બેઠકમાં તમામ મંડળ પ્રમુખો, મહામંત્રીઓ, ચુંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપરાંત અપેક્ષિત શ્રેણીના કાર્યકરો હાજર રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.