*ભુજ ખાતે વાવાઝોડા બાદ તંત્રની કામગીરી અંગેની સમીક્ષા કરતા પ્રભારી અને રાજ્ય શિક્ષણમંત્રી*
જીએન ભુજ: કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને બિપરજોય વાવાઝોડા બાદ જિલ્લામાં વહીવટીતંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રભારીમંત્રીએ અધિકારીશ્રીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવીને સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કચ્છની સર્વગ્રાહી કામગીરીની વિગતો આપીને પ્રભારીમંત્રીને માહિતગાર કર્યા હતા.
પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરીયાએ તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, રાજ્ય અને કેન્દ્ર સરકારી એજન્સીઓને અભિનંદન આપીને જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની આફત દરમિયાન સર્વેએ મહેનત, ખંતથી રાત-દિવસ જોયા વગર કામગીરી હતી જેના લીધે ઝીરો કેઝ્યુઆલટીના લક્ષ્યાંકને પાર પાડી શકાયો છે. કોઈપણ ક્ષેત્રમાં કચાશ રાખ્યા વિના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી તે બાબતને પ્રભારીમંત્રીશ્રીએ બિરદાવી હતી. તમામ નાગરિકો, સંસ્થાઓએ ખડેપગે રહીને તંત્રને કપરી પરિસ્થિતિમાં મદદ કરી તેની નોંધ લઈને પ્રભારીમંત્રીશ્રીએ જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.
બિપરજોય વાવાઝોડા અંગેની સમીક્ષા બેઠકમાં પ્રભારીમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી મકાન સહાય, વીજ પુન:સ્થાપનની કામગીરી, ઘરવખરી સહાય, પાક નુકશાની સરવે, પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થા, કેશ ડોલ્સની ચૂકવણી, વાવાઝોડા બાદ આરોગ્યલક્ષી પગલાઓ, શાળામાં વાવાઝોડાના લીધે નુકસાની, માછીમારી-અગરિયાઓને આર્થિક નુકસાની, ધરાશાયી વૃક્ષોને દૂર કરવાની કામગીરી વગેરેની વિગતો મેળવીને સમીક્ષા કરી હતી. ખેતીના વીજજોડાણો યુદ્ધના ધોરણે પુનસ્થાપિત થાય તે બાબતે સંબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.
બિપરજોય વાવાઝોડા સાથે જિલ્લા આયોજન મંડળના કામોની પણ સમીક્ષા પ્રભારીમંત્રી દ્વારા કરવામાં આવી હતી. જુના પેન્ડિગ કામો ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રભારીમંત્રીએ સૂચના આપી હતી. જિલ્લા આયોજન અધિકારીશ્રી જે. કે. ચાવડાએ કચ્છ જિલ્લામાં ચાલી રહેલા કામોની વિગતવાર માહિતી પ્રભારીમંત્રીશ્રીને આપી હતી.
આ સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પારૂલબેન કારા, ધારાસભ્યો સર્વેશ્રી કેશુભાઈ પટેલ, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, શ્રી પદ્યુમ્નસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, પીજીવીસીએલના જોઈન્ટ એમડી શ્રીમતિ પ્રીતિ શર્મા, કચ્છ પશ્ચિમ પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, પ્રાંત અધિકારીશ્રીઓ, ડિઝાસ્ટર મામલતદાર કલ્પનાબેન ગોંદિયા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.