*ગાંધીનગર ખાતેથી વર્ષ ૨૦૨૩ ના ટિટેનસ(ધનૂર) ડિપ્થેરીયા રસીકરણના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવતા આરોગ્યમંત્રી*

*ગાંધીનગર ખાતેથી વર્ષ ૨૦૨૩ ના ટિટેનસ(ધનૂર) ડિપ્થેરીયા રસીકરણના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવતા આરોગ્યમંત્રી*

જીએનએ ગાંધીનગર: આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી TD(ટિટેનસ(ધનુર) અને ડિપ્થેરીયા) રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરની જે.એમ. ચૌધરી કન્યા વિદ્યાલયમાં વર્ષ ૨૦૨૩ ના TD રસીકરણ અભિયાનના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બાળકોનું રસીકરણ કરીને સશક્ત અને તંદુરસ્ત ભારતના પાયાનું મજબૂતીકરણ કરવામાં આવી રહ્યું છે. ઘોરણ ૫ અને ૧૦ મા અભ્યાસ કરતા રાજ્યના ૨૩ લાખ વિદ્યાર્થીઓમાં TD (ધનૂર અને ડિપ્થેરીયા)નું રસીકરણ કરીને તેમને ગંભીર બિમારીઓ થી રક્ષિત કરવામાં આવશે.

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, આ રસીકરણ અભિયાનને સફળ બનાવવા રાજ્યની આરોગ્ય ટીમ અને ખાસ કરીને RBSKની ટીમના પ્રયાસો સરાહનીય છે. રાજ્યમાં ૫૧,૬૬૭ શાળાઓમાં અંદાજીત ૨૩ લાખ જેટલા બાળકોનું RBSK ની ટીમ દ્વારા TD રસીકરણ કરવામાં આવશે જે પ્રશંસાને પાત્ર છે. મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું કે, નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે રાજ્યના અબાલવૃધ્ધના આરોગ્યની ચિંતા કરી હતી. જેના પરિણામે જ ગર્ભ રહેલ બાળક થી વૃધ્ધ વ્યક્તિને લાભાન્વિત કરતી આરોગ્ય વિષયક વિવિધ યોજનાઓ કાર્યાન્વિત કરી.

મિશન ઇન્દ્રધનુષ હેઠળ પણ વિવિધ રોગો સામે આરક્ષિત રસી આપીને બાળકને તંદુરસ્ત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

 

આ ક્ષણે તેમણે ૨૧ મી સદી ભારતની સદી હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું નેતૃત્વ આજે વિશ્વ એ સ્વીકાર્યું છે. ૨૦ મી સદીને અમેરિકાની સદી તરીકે ઓળખવામાં આવતું હતું. આજે ૨૧ મી સદીમાં અમેરિકા જેવી મહાસત્તાએ ભારતના નેતૃત્વ અને સહકાર માટે હાથ લંબાવ્યો છે. જે સશક્ત ભારતની નેમ વ્યક્ત કરે છે.

 

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, TD વેક્સિન, સાર્વત્રિક રસીકરણ હેઠળની વિવિધ રસીઓ દ્વારા બાળકોને સશક્ત અને તંદુરસ્ત બનાવવામાં આવી રહ્યા છે. કારણ કે આ જ બાળકો અને યુવાનો આવનારા ઉજ્જવળ ભારતનું ભવિષ્ય છે. સશક્ત ભારતના ભવિષ્યનો પાયો મજબૂત હશે તો ચોક્કસ થી ભાવિ પણ ઉજજ્વળ બનશે તેવો ભાવ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વ્યક્ત કર્યો હતો.