*માંડવીના નાની ખાખર ગામની મોટી દિલેરી- : પીજીવીસીએલની કામગીરીમાં ગ્રામજનોએ ખભેખભા મિલાવી લાઈટ પાણી શરૂ કરાવવા જોતરાઈ ગયા*

*માંડવીના નાની ખાખર ગામની મોટી દિલેરી- : પીજીવીસીએલની કામગીરીમાં ગ્રામજનોએ ખભેખભા મિલાવી લાઈટ પાણી શરૂ કરાવવા જોતરાઈ ગયા*

૦૦૦૦

*જેસીબી ટ્રેક્ટર લોડર સહિત સાધન સામગ્રી રાતોરાત પૂરી પાડી અધિકારીઓની મદદ કરતા ગ્રામજનો*

 

૦૦૦૦૦

 

*ભુજ, રવિવાર:*

 

કુદરતી આફતો સામે મુશ્કેલીના સમયે જ્યારે લોકો ખભે ખભા મિલાવીને એક સંપ સાથે જોતરાઈ જાય ત્યારે કોઈ કામ મુશ્કેલ હોતું નથી.

આવી જ એક વાત છે કચ્છના માંડવી તાલુકાના નાના ખાખર ગામની. બિપરજોય વાવાઝોડું આવ્યા બાદ માંડવીના પાંચ હજારની વસ્તી ધરાવતા નાની ખાખર ગામમાં અનેક વૃક્ષો ધરાશાયી થતા વીજ થાંભલાઓ પડી ગયા હતા. પીજીવીસીએલની ટીમ તેમની કામગીરી આરંભે તે પહેલા ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે વહેલા મેં વહેલી તકે ગામને પૂર્વવત કરવું છે, એટલે ૧૦૦થી વધુ ગ્રામ લોકોએ કુહાડી, પાવડા, ધારિયા સહિતના હથિયારો લઈને રસ્તા પર પડેલા ઝાડને કાપવાનું શરૂ કર્યું અને રોડ ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરી. સાથોસાથ ઝાડ પડી જવાથી અનેક વીજ પોલ પડી ગયેલા જેને કારણે વીજ પુરવઠો પૂર્વવત કરવા, વીજપોલ ફરીથી ઊભા કરવા પીજીવીસીએલની ટીમ સાથે ગ્રામજનોએ જેસીબી, લોડર ,ટ્રેક્ટર સહિત‌‌ સાધનો પુરા પાડી પીજીવીસીએલ ટીમને પૂરો સહયોગ આપ્યો. માત્ર એટલું જ નહીં તેઓને ભોજન તેમજ ફૂડ પેકેટ, ચા પાણીની વ્યવસ્થા પણ કરી આપી તેમ ગામના આગેવાન મયુરસિંહ જાડેજા જણાવ્યું હતું.

આ ઉપરાંત ગતરોજ જ્યારે ગામમાં વીજળી ન હતી ત્યારે પીજીવીસીએલની ટીમના સહયોગથી ટ્રાન્સફોર્મર ઉતારી ડાયરેક્ટ લાઈન કરી પાણી પુરવઠાની કામગીરી શરૂ કરાવવામાં આવી હતી. ગ્રામલોકોએ જણાવ્યું હતું કે, પીજીવીસીએલ દ્વારા વીજ પોલ ઉભા કરી આપવામાં આવ્યા છે તેમજ માંડવીથી જરૂરી સાધન સામગ્રી આવી જતા આજ સાંજ સુધીમાં જ જ્યોતિગ્રામ યોજના તળે ગામમાં વીજ લાઈન પૂર્વવત થઈ જશે.

આવા જ ગામના આગેવાન દિલીપસિંહ જાડેજા જણાવે છે કે, વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડું આવ્યું તે પૂર્વે જ વીજપોલ વાયર તેમજ આનુસંગિક સાધન પૂરા પાડી દેવામાં આવ્યા હતા. જેને પરિણામે સમયસર તમામ સાધન સામગ્રી ઉપલબ્ધ હોય વીજ પુરવઠો ખૂબ ઝડપથી પૂર્વવત થઈ રહ્યો છે. આ પ્રકારના આગોતરા આયોજનના કારણે લોકોને તકલીફ ખૂબ ઝડપથી દૂર થઈ રહી છે તે માટે તેમને સરકારશ્રીનો પણ આભાર માન્યો હતો.

આમ ગ્રામજનોના સહયોગથી ગ્રામજનોની જરૂરિયાત પૂરી કરવા એકબીજા સાથે સહયોગ અને સંકલન સાધી એક નમૂનારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે

રાજકુમાર

૦૦૦૦