જીએનએ યુએઇ: યુએઈના દુબઈમાં ગુજરાતની અમદાવાદની નૃત્યભારતી સંસ્થાની ટીમ દ્વારા ભરતનાટ્યમની સુંદર પ્રસ્તુતિએ ચાર ચાંદ લગાવી દીધા હતા. દુબઈના પ્રેક્ષકો એ પ્રસ્તુત થયેલ તમામ ૯ નૃત્ય કૃતિઓને દિલથી માણ્યા હતા અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
દુબઈના જાણીતા અમીરાત મૉલ ના ‘The Theatre માં આ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ગુરુ શ્રી ચંદન ઠાકોર દ્વારા કરવામાં આવેલી કલાત્મક અને સર્જનાત્મક નૃત્ય ગૂંથણીને દુબઈના પ્રેક્ષકોએ અદભૂત પ્રતિસાદ આપ્યો હતો.
૫ મી જૂને , દુબઈ ની ખૂબ જાણીતી ઈવેન્ટ કંપની “કલાસિક કોન્સેપ્ટ – સોનલ રાવલ”દ્વારા આયોજીત “નૃત્ય ગુર્જરી” કાર્યક્રમનુ દુબઈમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં ગજાનન સ્તુતિ, કૃષ્ણ લીલા, મીરા પદમ, પંચાયતન દેવતા, મહિષાસુર મર્દીની અને શિવ તાંડવની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેની સાથે સાથે ગુજરાતની ગાથા વિશે પણ ભરતનાટ્યમ દ્વારા રજૂઆત થઈ હતી.
આ સમગ્ર કાર્યક્રમે દુબઈના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ નૃત્ય સંયોજન કલાગુરુ ચંદન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી નિરાલી ઠાકોર, આત્મન શાહ, દેવાંશી જરીવાલા, ઝીલ ખત્રી, તનુશ્રી જાડેજા, આયુષી ત્રિપાઠી, સ્વધા પંચોલી, અનંતા દેસાઈ અને હરીક મહેતાએ નૃત્યની રજૂઆત કરી હતી.