જામનગરમાં આજે વિહિપ દ્વારા હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા, ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમો યોજાશે.

જીએનએ જામનગર : આજે ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી સમગ્ર દેશ- વિદેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે છોટી કાશી ગણાતા જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગાવાહિની દ્વારા શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું છે. આ શોભાયાત્રા પૂર્વે સંતો- મહંતોની ઉપસ્થિતિમાં બજરંગ દળ માં નવા જોડાઈ રહેલા 200થી વધુ હિન્દુ નવયુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવશે. ગુરુવારે હનુમાન જન્મોત્સવના પાવન અવસરે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા મિગ કોલોની માં આવેલ શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી બપોરે 3.30 કલાકે શ્રી હનુમાન જન્મોત્સવ ની વાજતગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા પ્રદર્શન ગ્રાઉન્ડ, લાલ બંગલા સર્કલ, ટાઉન હોલ, બેડી ગેટ, સજુબા સ્કૂલ, ચાંદી બજાર, હવાઈ ચોક થઈ તળાવની પાળે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિર ખાતે સંપન્ન થશે. આ શોભાયાત્રા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા તૈયાર કરાયેલા હનુમાનજીના ધાર્મિક ફ્લોટ્સ ઉપરાંત ગાયત્રી શક્તિપીઠ દ્વારા શોભાયાત્રા દરમિયાન ચલિત માં હવન પણ કરવામાં આવનાર છે. આ શોભાયાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે. અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં શોભાયાત્રા ને પ્રસ્થાન કરાવવામાં આવશે.

 

આ શોભાયાત્રા પૂર્વે બજરંગ દળ ના 200 થી વધુ નવયુવકોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવનાર છે. હિન્દુ ધર્મની રક્ષા કાજે યુવકોમાં ધાર્મિકતા સાથે રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે સેવા, સુરક્ષા અને સંસ્કારના સિંચન સાથે બજરંગ દળ માં યુવાનોને સામેલ કરવામાં આવનાર છે. શ્રી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે જામનગરમાં નિકળનાર શોભાયાત્રા ની તૈયારી માટે વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રહ્મણ્યમ પિલે, મંત્રી ધર્મેશભાઈ ગોંડલિયા, સહમંત્રી હેમંતસિંહ જાડેજા, રવિન્દ્રભાઈ કુંભારાણા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, સત્સંગ સંયોજક મનહરભાઈ બગલ, માતૃશક્તિ સંયોજીકા હીનાબેન અગ્રાવત, દુર્ગાવહિની ના કૃપાબેન લાલ, રીનાબેન લાખાણી, બજરંગ દળ ના સંયોજક હિરેનભાઈ ગંઢા, સહસયોજક ભૈરવભાઈ ચાંદ્રા, યાત્રા સંયોજક ઝીલ ભારાઇ અને સહસંયોજક હિમાંશુભારથી ગોસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને મિટિંગમાં શોભાયાત્રા અને ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ ને સફળ બનાવવા ચર્ચા વિચારણા કરી આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં હનુમાન જનમોત્સવની શોભાયાત્રા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત શોભાયાત્રા માં ધર્મ પ્રેમીઓને જોડાવા આહવાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શોભાયાત્રા ના રૂટ પર વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને સંગઠનો તેમજ અગ્રણીઓ દ્વારા સ્વાગત પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.