કેન્દ્રીય આરોગ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સમાં રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિનો ચિતાર રજૂ કરતા રાજ્ય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
જીએન ગાંધીનગર: વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ૭ મી એપ્રિલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમા કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ સમીક્ષા બેઠકમાં ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઇને રાજ્યમા કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગેનો ચિતાર રજૂ કર્યો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ આરોગ્ય ક્ષેત્ર એ આર્થિક ઉપાર્જન નહીં પરંતુ સેવાનું માધ્યમ હોવાનું જણાવીને વિશ્વ આરોગ્ય દિવસે દેશના તમામ હેલ્થકેર વર્કસને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ બેઠકમાં વિશ્વમાં કોરોનાના XBB 1.16 સહિતના વિવિધ સબ વેરિયન્ટની અસરોને પગલે વિસ્તૃત ચર્ચા હાથ ધરીને ભારતમાં તેની અસરો પર રીવ્યુ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક તારણમાં જાણવાં મળ્યું કે, XBB 1.16 સ્વરૂપની ઘાતકતા દેશમાં ઓછી છે. આ વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર અને મૃત્યુ દર નહિવત છે. કોમોર્બિડ , સિનિયર સિટીઝન અને કિડની, કેન્સર જેવી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ બીમારી ધરાવતા દર્દીઓએ જરુરથી આ સંક્રમણથી તકેદારી અને સાવચેતી રાખવાની જરુર છે…
રાજ્ય આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે આ બેઠકમા થયેલ સમીક્ષામાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અને આગામી આયોજન સંદર્ભે જણાવ્યું હતુ કે, ગુજરાત પ્રતિ મિલિયન કોરોના ટેસ્ટિંગ માં સમગ્ર દેશમાં અગ્રેસર છે. હાલ રાજ્યમાં પ્રતિદિન 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. તેમજ કોરોના સંક્રમિત દર્દીઓના જીનોમ સિક્વન્સીંગ પણ કરાઇ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતુ.
વહેલા નિદાન અને સમયસર સારવારને કારણે હોસ્પિટલાઈઝેશન દર ૩% કરતાં પણ ઓછો હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કોરોના સામેની લડત માટેની સજ્જતા માં જણાવ્યું હતું કે, રાજ્યની તમામ સરકારી ખાનગી હોસ્પિટલોમાં ૧૦ અને ૧૧ એપ્રિલે મોક ડ્રીલ યોજવામાં આવનાર છે. જેમાં હોસ્પિટલ્સમા ઓક્સિજન, વેન્ટિલેટર, દવાના જથ્થા સહિતની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે.
રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે તેમ પણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.. આયુર્વેદિક વિભાગ દ્વારા પણ ઉકાળા વિતરણ અને હોમિયોપેથી દવાનું વિતરણ રાજ્યમાં કરવામાં આવે છે તેમ આ સમીક્ષા બેઠકમાં જણાવવા માં આવ્યું હતું.
ઉંમરલાયક વ્યક્તિઓ અને દર્દીઓએ જાહેર ભીડભાળવાળી જગ્યાએ ન જવા અને માસ્ક પહેરવું ,ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવો તેમજ વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને જાહેર સ્થળોએ થૂંકવું નહીં જેવી બાબતો અંગે લોકજાગૃતિ કેળવવા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે રાજ્યની જનતાને અનુરોધ કર્યો છે.
આ બેઠકમાં દેશના વિવિધ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના આરોગ્ય મંત્રી, રાજ્ય આરોગ્ય વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, કમિશ્નર શ્રી શાહમિના હુસેન અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…