બનાસકાંઠાનું ગૌરવ :- બનાસ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની નગમાએ યુનિવર્સીટીમાં પ્રથમ નંબર મેળવ્યો

જીએનએ પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં આવેલ સાડા ચાર લાખ પશુપાલક પરિવારોના આર્થિક યોગદાન થકી ચાલતી પશુપાલકોની માલિકીની પુરા ભારતભરની એકમાત્ર બનાસ મેડીકલ કોલેજ શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ મોરિયા ખાતે કાર્યરત છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે મોંઘીડાટ ફી ભરીને રાજ્ય બહારના રાજ્યો ન જવું પડે તે માટે ઘરઆંગણે જ તબીબી શિક્ષણની સુવિધા પુરી પાડવા માટે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના દ્વારા તા. ૩૧/૦૫/૨૦૧૮ના રોજ બનાસ મેડીકલ કોલેજ & રીસર્ચ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરવામાં આવી હતી. બનાસવાસીઓના સંતાનો MBBSનું શિક્ષણ ઘર આંગણે મળી રહે તથા આ જિલ્લાના લોકોને અત્યંત આધુનિક તબીબી સારવાર મફત મળી રહે તેવા ઉમદા આશયથી બનાસ મેડીકલ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.

રાજ્યના છેવાડાના વ્યક્તિને ગુણવતાયુક્ત નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ મળી રહે તેવા વિઝનની સાથે આજે બનાસ મેડીકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે પણ કાર્યરત છે. જેમાં હજારો દર્દીઓને નિઃશુલ્ક તબીબી સારવાર આપવામાં આવી રહી છે. બનાસ મેડીકલ કોલેજ મોરિયાની ૨૦૧૮ની પ્રથમ બેચનું રીઝલ્ટ ૯૩.૭૫ ટકાની સાથે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ સંલગ્ન ચાલતી બનાસ મેડીકલ કોલેજ & રીસર્ચ ઇન્સ્ટિટયૂટ મોરિયાની વિધાર્થીની મિસ અક્બાની નગમા રફીકભાઈ એ ૯૦૦ ગુણમાંથી ૬૫૭ ગુણ મેળવી યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે આવતા તેમના પરિવાર સહિત બનાસ મેડીકલ કોલેજનું નામ રોશન કર્યું છે. વધુમાં બનાસ મેડીકલ કોલેજના ચેરમેનશ્રી પી. જે. ચૌધરીએ એમ.બી.બી.એસ.ના ભાવી ડોક્ટરો વિવિધ ક્ષેત્રે આગળ વધે સમાજ પરિવાર તેમજ સંસ્થાનું નામ રોશન કરે તેવી ઉજવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.