ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જ્યાં કોઈને જીમમાં કસરત કરવા દરમિયાન હાર્ટ એટેક આવે છે અને તેનું મોત નીપજતું હોય છે, તો કોઈને ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવતો હોય છે અને પછી તેનું મોત થતું હોય છે.ત્યારે હાલ એક મામલો સામે આવ્યો છે ભાવનગરમાંથી. જ્યાં એક ભુવાજીનું ધુણતા ધુણતા જ મોત થયું. આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઇ ગઈ છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના કુડા ગામમાંથી. જ્યાં ગોહિલ પરિવાર દ્વારા સિકોતર માતાજીના 24 કલાકના નવરંગા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે માંડવામાં કલાકારો ડાખલા વગાડી રહ્યા હતા અને ત્યારે જ કુટુંબના જ એક 65 વર્ષીય ભુવાજી મકાભાઈ દાનાભાઇ ગોહિલ પણ માતાજીના દૈવીશક્તિનો પ્રવેશ તેમના શરીરમાં થયો હોય તેમ ધુણવા લાગ્યા હતા. ત્યારે જ અચાનક તેઓ ધુણતા ધુણતા નીચે પડી ગયા હતા.
આસપાસ રહેલા લોકોને થોડો સમય તો એમ લાગ્યું કે હજુ તેમનામાં માતાજીનો પ્રવેશ છે અને તેના કારણે જ તે આમ કરી રહ્યા છે. પરંતુ થોડીવારમાં જ લોકો સમજી ગયા કે કંઈક અજુગતું થયું છે અને તેમને ઉભા કરવાનો પ્રયાસ કર્યો. જેના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે પરિવાર અને પ્રસંગમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો.
આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી અને તેનો વીડિયો પણ હાલ સોશ્યલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભુવાજીના મોતનો નજારો જોઈને લોકોના પણ રૂંવાડા ઉભા થઇ ગયા. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સામે આવી રહેલા હાર્ટ એટેકના મામલાઓ હવે ચિંતાનો વિષય બન્યા છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે.