મુન્દ્રા તાલુકાના પત્રી ગામે પશુપાલન શિબિરનો ૩૦૦ ખેડૂતએ લાભ લીધો
ભુજ, સોમવાર: મુન્દ્રા તાલુકાના પત્રી ગામે તારીખ ૨૭/૦૨/૨૦૨૩ના રોજ આયોજિત તાલુકા કક્ષા પશુપાલન શિબિરનો ૩૦૦ જેટલા પશુપાલકોએ લાભ લીધો હતો. આ શિબિરમાં વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, સ્વચ્છ દૂધ ઉત્પાદન, પશુપાલન વ્યવસાયની અર્થવ્યવસ્થા, સરકારશ્રીની સહાયકારી યોજનાઓ, પશુઓમાં થતા વિવિધ રોગો અને તેની સારવાર, રસીકરણ, કૃમિનાશક દવાઓ,પશુ સંવર્ધન અને પશુ માવજત વગેરે જેવા મુદ્દે પશુપાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત કચ્છના કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ગઢવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કારોબારી ચેરમેનશ્રી ગઢવીએ કચ્છની ગૌ સંસ્કૃતિનું મહત્વ સમજાવી વૈજ્ઞાનિક ધોરણે પશુપાલન કરવા માટે પશુપાલકોને જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે વેદના અને સંવેદના બંને અનુભવી અને મુંગા પશુઓની જે ભાષા સમજી શકે તે સાચો પશુપાલક કહી શકાય.
નાયબ પશુપાલન નિયામક ડો. હરેશ એમ. ઠક્કરે પશુપાલનની અર્થવ્યવસ્થા, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વગેરેની વિસ્તૃત માહિતી આપી પશુપાલકોને તેનો લાભ લઈ પશુપાલન વ્યવસાયને વધારે નફાકારક બનાવવા માટે જણાવ્યું હતું. વેટરનરી પૉલિ ક્લિનિકનાં ડો. ગિરીશ પરમારે નફાકારક પશુપાલન માટેના સોનેરી સૂત્રો જણાવ્યા હતા. માંડવીના ડો.આર. ડી. પટેલે અન્ય જિલ્લાઓ પ્રમાણે કચ્છ જિલ્લામાં પણ આ વ્યવસાયને વિકસાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ડો. મહેન્દ્રસિંહ ચૌહાણે પશુ આરોગ્ય, પશુ માવજત વગેરે મુદ્દે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
સરહદ ડેરીના ડો. લાલાણીએ સ્વચ્છ દૂધ ઉત્પાદન અને પ્રાકૃતિક સારવાર પદ્ધતિ વિશે વિગતો આપી હતી. શિબિરમાં ગાય આધારિત ખેતીનું મહત્વ સમજાવી એકબીજાના પૂરક વ્યવસાય એવા ખેતી અને પશુપાલનને વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે તો ખેડૂતોની આવક બમણી થઈ શકે તેના વિશે માહિતી પુરી પાડવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ પશુપાલન શાખા જિલ્લા પંચાયત તેમજ મુન્દ્રા તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી ડો. નિલેશ વી. ડાંગેરા અને તેમની પશુપાલન ટીમ દ્વારા ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયતનાં સહયોગથી કરાયેલ હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ શ્રી રવાભાઈ આહિરે કરી હતી તેવું નાયબ પશુપાલન નિયામકશ્રી જિલ્લા પંચાયત, ભુજ-કચ્છની અખબારીયાદીમાં જણાવાયું છે.