*જામનગરના પુરાતત્વીય સંગ્રહાલયમાં યોજાયું ‘શિવઉત્સવ ચિત્ર પ્રદર્શન’*
જીએનએ જામનગર: ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગરમાં ગત તા. ૧૮-૧૯ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વને ધ્યાને રાખીને ‘શિવઉત્સવ ચિત્ર પ્રદર્શન’ યોજાયું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં ૨૦ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
પ્રદર્શનમાં જાણીતા કલાકારો શ્રી નરેશ પી. લંબાણી, શ્રીમતી ખુશ્બુ ગોહિલ દાવડિયા, શ્રી કેતન ગોરડિયા અને શ્રી સ્વીટુ ગજ્જર દ્વારા તૈયાર કરાયેલા એક્રેલિક કલર ચિત્રો અને કેનવાસ ચિત્રો પ્રદર્શિત કરાયા હતા. જેમાં શિવલિંગ, આકાર-નિરાકાર, વાસ્તુશાસ્ત્ર, શિવાલયોમાં જોવા મળતી દેવી-દેવતાની મૂર્તિઓ, શિવના પ્રતીકો, વાસ્તુશાસ્ત્ર, શિવ પાર્વતી નૃત્ય, અર્ધનારેશ્વર સ્વરૂપ અને શિવ સૌમ્ય-રુદ્ર સ્વરૂપ આધારિત ચિત્રો જામનગરની જનતાએ નિહાળ્યા હતા.
પ્રદર્શનનું ઉદ્ઘાટન શહેરના જાણીતા પીઢ કલાકાર શ્રી ઈન્દુભાઈ સોલંકી દ્વારા કરાયું હતું. શ્રી ઈન્દુભાઈ સોલંકીએ નવા ઉભરતા કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમ પુરાત્વતીય સંગ્રહાલય, જામનગરના ક્યૂરેટર શ્રી ડો. ધીરજ વાય. ચૌધરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.